Advertisement
Author: નોબત સમાચાર

ક્રિમિલિયર મુદ્દે સુપ્રિમ કોર્ટના ફેંસલા સંદર્ભે જામનગર સહિત ભારત બંધઃ મિશ્ર પ્રતિસાદ

રાજસ્થાનમાં ઈન્ટરનેટ બંધઃ શાળાઓમાં શિક્ષણકાર્ય ઠપ્પઃ બિહારમાં ટ્રેન રોકોઃ પોલીસનો લાઠીચાર્જઃ સુરેન્દ્રનગરમાં માલગાડી અટકાવી

જામનાગર તા. ર૧: સુપ્રિમ કોર્ટે ક્રિમિલિયર મુદ્દે આપેલા હુકમ સંદર્ભે આજે એસ.સી., એસ.ટી. સંગઠનો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને મિશ્ર પ્રિતસાદ મળ્યો છે. રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈછે. શાળામાં શિક્ષણ કાર્ય બંધ છે. બિહાર, સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકવામાં આવી હતી.

અનુ.જાતિ અને અનુ.જનજાતિ અનામતમાં ક્રિમિલિયર પર સુપ્રિમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં આજે વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

દેશભરમાં આજના બંધની મિશ્ર અસર જોવા મળી છે. બિહારમાં ટ્રેન રોકવામાં આવી હતી તો રાજસ્થાનમાં ૧૬ જિલ્લામાં શાળાઓ બંધ રહી હતી. ગુજરાતમાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે.

જામનગરમાં બંધને ધારી સફળતા મળી ન હતી, પરંતુ મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જામનગરમાં અમુક વિસ્તારમાં ટોળાએ દુકાનો બંધ કરાવી હતી, જો કે તેમાંની અમુક દુકાનો થોડી જ વારમાં ખુલ્લી જવા પામી હતી. આજે શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, અને માહોલ શાંતિમય જોવા મળી રહ્યો છે.

દેશની સર્વોચ્ચ અદાલતે ચૂકાદો આપ્યો છે કે, તમામ એસ.સી. અને એસ.ટી. જનજાતિ સમાન વર્ગમાં નથી તેમાંથી કેટલીક જાતિ વધુ પછાત હોય શકે છે. ઉદાહરણ તરીકે ગટર સાફ કરનાર, વણકર, આમ જોઈએ તો આ બન્ને એસ.સી. હેઠળ આવે છે, પરંતુ તેઓ અન્ય કરતા વધુ પછાત છે. આ લોકોના ઉત્થાન માટે સરકાર અનામતનું વર્ગિકરણ કરીને ક્વોટા નક્કી કરી શકે છે. આમ કરવું એ બંધારણની વિરૂદ્ધ નથી.

આ નિર્ણયના વિરોધમાં આજે એસ.સી., એસ.ટી. સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી છે. પ્રદર્શનકારીઓ રસ્તા ઉપર ઉતર્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને ડાબેરીએ બંધને સમર્થન આપ્યું છે.

રાજસ્થાનમાં પણ બંધની અસર જોવા મળી છે. અજમેરમાં બજારો બંધ રહી છે. આગ્રામાં બજારો બળજબરી બંધ કરાવાઈ હતી. બિહારના બારા, દરભંગામાં ટ્રેન રોકવામાં આવી હતી, તો અન્ય સ્થળે બેરિકેડ તોડતા લાઠીચાર્જ થયો હતો. રાજસ્થાનના ચાર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ૧૬ જિલ્લામાં શિક્ષણ કાર્ય બંધ છે. ગુજરાતના નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, નર્મદા, અરવલ્લીમાં બંધની વધુ અસર જોવા મળી છે.

શામળાજીમાં રપ થી વધુ બસો રાજસ્થાન તરફ જતા રોકી દેવાઈ છે. પરિણામે મુસાફરો રઝળી પડ્યા છે. પાટણમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરમાં માલગાડી ટ્રેનને રોકવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. છોટા ઉદેપુર પંથકમાં બજારો ખુલ્લી જોવા મળી હતી. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રસ્તામાં આંદોલનકારીઓ બેસી ગયા હતાં અને બસ રોકી હતી.

અનુ.જાતિ અને જનજાતિએ આ નિર્ણય જાતિ ભેદભાવનો ગણાવ્યો હતો. પટનામાં પ્રદર્શનકારીઓ બેકાબુ બનતા આખરે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જ્યાં હાલ સ્થિતિ કાબુમાં છે. તમામ આંદોલનકારીઓએ એક જ માંગ કરી છે કે નવો કાનૂન પાછો ખેંચવામાં આવે.

જામનગરમાં આજના ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો, જો કે અનેક વિસ્તારો રાબેતા મુજબ ખુલ્લા રહ્યા હતાં. ટાઉનહોલ પાસે ટોળું બંધ કરાવવા માટે નીકળ્યા હતાં. આથી પોલીસ કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. તો રણજીત રોડ ઉપર લોકોના ટોળાએ ખુલ્લી દુકાનો બંધ કરાવી હતી. તો ટોળા રવાના થઈ ગયા પછી દુકાનો ખોલી નાંખવામાં આવી હતી, જ્યારે ગ્રેઈન માર્કેટમાં તમામ વેપારીને બે કલાક બંધ રાખી સમર્થન આપવા અપીલ કરવામાં આવી હતી.

શહેરના અન્ય વિસ્તારો રાબેતામુજબ ખુલ્લા છે, તો અમુક વિસ્તારોમાં થોડી દુકાનો બંધ રહી હતી. આમ જામનગરમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. જામનગરમાં કોઈ અનઈચ્છનીય બનાવ બન્યો નથી અને સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh