Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય જનતા પક્ષ અને ભગિનિ સંસ્થાઓમાં 'ચાળણી' ફેરવવી પડે તેમ છે? પાર્ટી દિશા ભટકી ગઈ છે?

વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવાની ઝુંબેશ દરમિયાન કેટલાક પરિબળો ઘૂસી ગયા?

અમદાવાદ/રાજકોટ તા. ર૭ઃ હમણાંથી જુદા જુદા ગુન્હાઓની તપાસ દરમિયાન જે આરોપીઓ ઝડપાય છે, તેમાંથી ઘણાં ભાજપના કોઈને કોઈ કક્ષાના કાં તો હોદ્દેદાર હોય, કાં તો ભાજપની ભગિનિ ગણાતી સંસ્થાઓમાં હોય, અથવા તેના પરિવારમાંથી કોઈ નેતા હોય, તેવા શખ્સો હોય છે. આ પ્રકારના ગંભીર ગુન્હાઓમાં સંકળાયેલા ગુનાખોરોના નામ પાર્ટી કે સંસ્થાના હોદ્દા સાથે આવે છે. ત્યારે જનસંઘના સમયથી સંઘ અને ભાજપ સાથે સંકળાયેલા ઘણાં લોકોની આંતરડી કકડે છે અને જીવ બાળતા જેવા મળે છે.

ભાજપને વર્ષ ર૦૧૪ થી દેશમાં સત્તા મળી અને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવા માટે મીસકોલ દ્વારા સભ્યપદ જેવી ઝુંબેશો ચાલી તે દરમિયાન આ પ્રકારના ગુનાખોર પરિબળો ભાજપ અને ભગિનિ સંસ્થાઓમાં ઘૂસી ગયા. તે પછી અત્યાર સુધી સત્તા ટકાવવા, ઝુંટવવા કે મેળવવા માટે આડેધડ પક્ષપલટા કરાવાયા, તે દરમિયાન પણ ઘણાં સ્થાપિત હિતો તથા ગુનાખોર માનસિક્તા સાથેના લોકો પોતાની ગેરકાનૂની પ્રવૃત્તિઓને ઢાલ મળી રહે તે માટે ઘૂસી ગયા હોવાનું માનનારો એક વર્ગ છે.

એક વર્ગ એવો પણ છે કે તે એવું માને છે કે, જનસંઘના સમયની નેતાગીરીથી વાજપેયી, અડવાણી યુગ સુધી જે ભારતીય જનતા પાર્ટી હતી, તે હવે રહી નથી અને દિશા ભટકી ગઈ છે.

પાર્ટી વિથ ધ ડિફરન્ટ, દેશની દશા-દિશા અને સ્થિતિ બદલાવાના નારાઓ સાથે તથા ભય, ભૂખ, ભ્રષ્ટાચારને ખતમ કરવાના વાયદાઓ સાથે ગુજરાત અને દેશમાં સત્તારૂઢ થયેલી આ પાર્ટી હવે સ્વયં જ દિશાહીન થઈને અસ્સલ સિદ્ધાંતોથી ભટકી રહી હોવાના પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે.

તેમાં પણ ગુજરાતમાં ત્રણ દાયકાનું શાસન તથા કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા મળ્યા પછી અને ગુજરાતે ૧પ૬ બેઠકો વિધાનસભામાં આપ્યા પછી રાજ્યમાં ભાજપની અંદર જ એક ગુનાખોરી, ભ્રષ્ટાચારી અને દુરાચારી વર્ગ ઊભો થઈ રહ્યો હોવાની વેદના પણ ઘણાં જુના જનસંઘીયો સહિતના દેશપ્રેમી લોકો વ્યક્ત કરતા સંભળાતા હોય છે, અને ભાજપ તથા ભગિનિ સંસ્થાઓએ પ્રત્યેક સામાન્ય સભાઓથી લઈને ઉચ્ચ હોદ્દેદારો સુધીના પદાધિકારીઓ તથા સક્રીય અને સામાન્ય સભ્યોની 'કુંડલી' મેળવીને સાફસુફી કરવા 'ચાળણી' ફેરવવાની જરૂર હોવાના પ્રત્યાઘાતો પણ પડઘાતા હોય છે.

તાજા અહેવાલો મુજબ રાજસ્થાન તરફથી આવેલી એક એસયુવી કારમાંથી ૮૯૩ બોટલ બીયર-દારૂ પકડાયો અને ૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો તેની સાથે અમદાવાદના ભાજપના નેતા અને એક પોલીસતંત્રના કર્મચારી પણ ઝડપાયા છે. એ પહેલા ભચાઉમાં એક મહિલા પોલીસકર્મી એક બૂટલેગર સાથે ઝડપાયા હતાં. રાજકોટમાં તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલો કિસ્સો ભગિનિ સંસ્થાઓના હોદ્દેદારો સાથે સંકળાયેલો છે, તો મોટા મોટા કૌભાંડો હોય કે લોકલ ગુનાખોરીના કેસો હોય, ઘણાં કિસ્સાઓમાં ગુનાખોરો ભાજપ કે ભગિનિ સંસ્થાઓ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવે છે.

જો કે, કેટલાક કિસ્સાઓમાં પાર્ટી કે ભગિનિ સંસ્થાઓ તરફથી પકડાયેલા શખ્સોનું ભાજપ કે સંસ્થા સાથે કોઈ લેવા દેવા નથી, તેવી ચોખવટો થાય છે, તો કેટલાક કિસ્સાઓમાં આરોપીઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા કે ડિસમીસ કરવાના કદમ ઊઠાવાય છે, પરંતુ જુના જોગીઓ અને શુભચિંતકોનો અભિપ્રાય છે કે ગુજરાતમાં આ પ્રકારના શ્રેણીબદ્ધ દૃષ્ટાંતો આવવા લાગ્યા છે, ત્યારે પાર્ટીની હાઈકમાન્ડે પણ ધ્યાન આપવાની જરૂર છે, અન્યથા વિપક્ષોને આ મુદ્દા ઘણાં ઉપયોગી થવાના છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh