Advertisement
Author: નોબત સમાચાર

નીતિ આયોગની બેઠકમાં મને બોલવા ન દેવાઈઃ માઈક બંધ કરાયુંઃ મમતા બેનર્જી

સાત મુખ્યમંત્રીઓ દ્વારા બેઠકનો બહિષ્કારઃ પ. બંગાળના મુખ્યમંત્રીએ અધવચ્ચે છોડી બેઠક

નવી દિલ્હી તા. ર૭ઃ રાજધાની દિલ્હીમાં નીતિ આયોગની બેઠક ચાલુ થઈ, તે પછી પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અધવચ્ચેથી બેઠક છોડીને બહાર આવયા પછી મીડિયા સમક્ષ બોલતા તેણીને મિટિંગમાં બોલવા નહીં દેવાયા હોવાના આક્ષેપો લગાવ્યા હતાં, જેને સરકારે ફગાવ્યા હોવાનું જાણવા મળે છે. ઈન્ડિયા ગઠબંધનના સાત મુખ્યમંત્રીઓએ પહેલેથી જ આ બેઠકનો બહિષ્કાર કર્યો છે.

પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નીતિ આયોગની બેઠકને અધવચ્ચે પડતી મૂકી હતી. બહાર આવીને તેમણે આરોપ લગાવ્યો કે બેઠકમાં મને બોલવા જ ન દેવાયું. મારૃં માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. બેઠકમાં વિપક્ષ તરફથી કોઈ નહોતું આવ્યું અને હું એકલી જ આવી હતી.

મમતા બેનર્જીનો આક્ષેપ એવો છે કે તેઓનું માઈક પાંચ મિનિટમાં બંધ કરી દેવાયું હતું, તો સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ બંગાળ સરકારની માંગણી મુજબ મમતા બેનર્જીનો લંચ પછીનો સમય વહેલો કરી દેવાયો હતો.

સાતમા નંબરે તેઓને બોલવા દેવામાં આવ્યા હતાં. તેઓનો બોલવાનો સમય પૂરો થઈ ગયો હતો તેથી તે પછીના વક્તાનો વારો આવ્યો હતો, જો કે મમતા બેનર્જીનું માઈક બંધ કરાયું હોવાનો આક્ષેપ સાચો નથી, તેવી સરકારની ચોખવટને લૂલો બચાવ પણ ગણાવાઈ રહ્યો છે.

બધા મુખ્યમંત્રીને ૧પ-૧પ મિનિટનો સમય અપાયો હતો, જ્યારે મેં મારો પક્ષ રજૂ કર્યો તો મને બોલતા જ અટકાવી દેવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, આજે સવારે ૧૧ વાગ્યાથી વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની આ ૯ મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ચાલી રહી હતી, જેમાં ર૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનો સરકારે દાવો કર્યો હતો. બેઠક માટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આસામના મુખ્યમંત્રી હિમંતા શર્મા, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુ અને ગોવાના સીએમ પ્રમોદ સાવંત વગેરે પહોંચ્યા હતાં, પરંતુ મમતા બેનર્જી અધવચ્ચેથી બહાર નીકળી ગયા હતાં.

નીતિ આયોગની આ બેઠકનો આઈએનડીઆઈએ ગઠબંધનના શાસન હેઠળના ૭ રાજ્યના મુખ્યમંત્રીઓએ બહિષ્કાર કરી દીધો હતો. આ રાજ્યોમાં તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ અને ઝારખંડ સામેલ છે. આ રાજ્યોના મુખ્યમંત્રી આ બેઠકમાં પહોંચ્યા જ નહોતા, જ્યારે એનડીએના મુખ્ય સહયોગી જેડીયુના નીતિશ કુમાર પણ આ બેઠકમાં આવ્યા નહોતા. તેમની જગ્યાએ ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને મુખ્ય સચિવ બ્રજેશ મેહરોત્રાએ હાજરી આપી હતી.

નીતિ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, જ્યારે ઉપાધ્યક્ષ સુમન બેરી છે. આ સાથે પૂર્ણ સમયના સભ્યોમાં ડો. વી.કે. સારસ્વત, પ્રોફેસર રમેશ ચંદ્રા, ડો. વી.કે. પોલ અને અરવિંદ વીરમાણીનો સમાવેશ થાય છે. તેના એક્સ-ઓફિસિયો સભ્યોમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ગૃહપ્રધાન અમિત શાહ, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને કૃષિપ્રધાન શિવરાજસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.

આ સાથે ખાસ આમંત્રિત સભ્યોમાં કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી, એચડી કુમારસ્વામી, જીતન રામ માંઝી, રાજીવ રંજનસિંહ, ડો. વીરેન્દ્ર કુમાર, કે. રામમોહન નાયડુ, જુઆલ ઓરામ, અન્નપૂર્ણા દેવી, ચિરાગ પાસવાન અને રાવ ઈન્દ્રજીત સિંહનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh