Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાકીના ૧૪ આરોપીની હાથ ધરાઈ સઘન શોધખોળઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના બેડી વિસ્તારમાં ગઈ તા.૧૩ની સાંજે એડવોકેટ હારૂનભાઈ પલેજાની સાયચા ગેંગે હત્યા કરી હતી. તે ગેંગને પકડી પાડવા માટે રચવામાં આવેલી ખાસ ટૂકડીઓએ શરૂ કરેલી તપાસ દરમિયાન ગઈકાલે એક આરોપી જોડિયાના બાલંભા પાસેથી ઝડપાઈ ગયો છે. ત્યાંથી તેણે એલસીબીએ જામનગર ખસેડ્યા પછી તપાસનીશ ટીમે તેને સાત દિવસના રિમાન્ડ પર લીધો છે.
જામનગરના બેડી વિસ્તારમાં ગઈ તા.૧૩ની સાંજે બુલેટ મોટરસાયકલ પર જઈ રહેલા એડવોકેટ હારૂનભાઈ કે. પલેજાની કુખ્યાત સાયચા ગેંગના ૧૫ શખ્સે કરપીણ હત્યા નિપજાવી હતી. ગયા મે મહિનામાં પંચવટી વિસ્તારમાં એક શિક્ષિકાએ કરેલી આત્મહત્યાના કેસમાં સાયચા ગેંગના શખ્સનું નામ ખૂલ્યું હતું અને તે કેસ આ એડવોકેટ લડી રહ્યા હોય, સાયચા ગેંગ તેમના પર ખાર રાખીને બેઠી હતી. તે દરમિયાન રોઝું છોડવા જતાં એડવોકેટને પથ્થરમારો કરી બાઈક પરથી પછાડવામાં આવ્યા પછી પંદર શખ્સે છરી, પાઈપ, ધોકા, લોખંડના ગોળાથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.
ત્યારપછી મૃતક એડવોકેટના ભત્રીજા અને બેડી વિસ્તારના નગરસેવક નુરમામદ પલેજાએ ૧૫ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓની શોધ શરૂ કરી હતી. આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અને સખત નશીયત આપવાની માગણી સાથે જામનગર વકીલ મંડળ દ્વારા એક દિવસ માટે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા ઉપરાંત કલેક્ટરને આવેદન પણ પાઠવાયું હતું.
રેન્જ આઈજી અશોકકુમાર યાદવની સૂચનાથી એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ટૂકડીઓની રચના કરવામાં આવી હતી. તેનું વડપણ સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાએ સંભાળ્યું હતું. તે દરમિયાન આરોપીઓ પૈકીનો બશીર જુસબ સાયચા જોડિયાના બાલંભા પાસે હોવાની બાતમી મળતા એલસીબીની ટીમ ત્યાં ધસી ગઈ હતી અને સ્કૂટર સાથે બશીરને દબોચી લેવાયો હતો. જામનગર ખસેડાયેલા આ આરોપીનો કબજો તપાસનીશ સિટી-બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. તેને ઈન્ચાર્જ પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે ૧૪ દિવસની રિમાન્ડની માગણી સાથે ગઈકાલે સાંજે કોર્ટમાં રજૂ કર્યાે હતો. અદાલતે આ શખ્સના સાત દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે. પોલીસે આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી અન્ય આરોપીઓના સગડ મેળવવાનું શરૂ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial