Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસના બેંક ખાતાઓ સાથે દેશમાં લોકશાહી પણ ફ્રીઝ થઈ ગઈ છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસને લકવાગ્રસ્ત કરવાનો પ્રયાસઃ સોનિયા ગાંધી, શાસક પક્ષની આ ખતરનાક રમત છેઃ મલ્લિકાર્જુન ખડગેની સટાસટી

નવી દિલ્હી તા. ર૧ઃ કોંગ્રેસે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર ધગધગતા પ્રહારો કર્યા હતાં.

લોકસભા ચૂંટણી પહેલા બેંક ખાતાઓ ફ્રીઝ થઈ જવા મામલે કોંગ્રેસના હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદને સંબોધતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ભાજપ તથા કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતાં. પત્રકારોને સંબોધતા ખડગેએ કહ્યું કે કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરી દેવાયા. સત્તાધારી પક્ષ એટલા માટે આ કાર્યવાહી કરી રહ્યું છે કે, જેથી કરીને કોંગ્રેસ આ ચૂંટણી જ ના લડી શકે. અંમારે લોકતંત્ર બચાવવો છે અને બધાને સમાન તક મળવી જોઈએ.

સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસને લકવાગ્રસ્ત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ લોકશાહી પર હુમલો છે. જો કોંગ્રેસ કોઈપણ રીતે ચૂંટણી પ્રચારમાં ખર્ચ કરી શકતી નથી તો પછી ચૂંટણી શેના વિશે છે? છેલ્લા એક મહિનાથી અમે અમારા રૂ. ર૮પ કરોડ વાપરી શકતા નથી. જો અમે કોઈ કામ ન કરી શકીએ તો લોકશાહી કેવી રીતે જીવંત રહેશે?

રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તે બાબતે ચૂંટણી પંચે કંઈ કહ્યું નથી. અહીં કોઈ લોકશાહી નથી. જયરામ રમેશે કહ્યું કે ચૂંટણી દાન ૪ લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલું છે. જયરામ રમેશે કહ્યું, ઈલેક્ટોરલ બોન્ડના ૪૦૦૦-૮૦૦૦ કરોડ રૂપિયાનું દાન ૪ લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ સાથે સીધું જોડાયેલું છે. અમે ટૂંક સમયમાં આનાથી સંબંધિત ડેટા તમારી સમક્ષ લાવીશું.

કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું, અમારી પાસે જે મુદ્દો છે તે ખૂબ જ ગંભીર છે. આનાથી માત્ર કોંગ્રેસને અસર થઈ નથી, પરંતુ લોકશાહી પણ ખતરામાં છે. અમારા ખાતામાંથી પૈસા બળજબરીથી છીનવાઈ રહ્યા છે. આ સ્થિતિમાં અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ, જેથી ચૂંટણીમાં પ્રચાર કરી શકીએ. ચૂંટણી બોન્ડનો સૌથી વધુ ફાયદો માત્ર ભાજપને જ થયો છે. આ જનતાની લડાઈ છે. જો તમે અમને સાથ નહીં આપો તો ન તો લોકશાહી બચશે, ન તમે અને ન અમે.

ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે ૧૬ ફેબ્રુઆરીએ બપોરે ૧ર-૩૦ વાગ્યે કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવા પરનો પ્રતિબંધ ંહટાવી લીધો હતો. એક કલાક પહેલા કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અજય માકને શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ઈન્કમટેક્સે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી પાસેથી ર૧૦ કરોડ રૂપિયાની વસૂલાતની માંગ કરી છે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકશાહી માટે નિષ્પક્ષ ચૂંટણી જરૂરી છે. એવું નથી કે જેઓ સત્તામાં છે તેમની પાસે સંસાધનો પર ઈજારો હોવો જોઈએ, એવું નથી કે મીડિયા પર તેમનો એકાધિકાર હોવો જોઈએ. તેનો અર્થ એવો ન હોવો જોઈએ કે આઈટી, ઈડી, ચૂંટણી પંચ જેવી બંધારણીય અને ન્યાયિક એજન્સીઓ પર શાસક પક્ષનું પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ હોય.

ખડગેએ કહ્યું કે કમનસીબે હાલમાં સુપ્રિમ કોર્ટના દરમિયાનગીરી પછી ચૂંટણી બોન્ડને લઈને જે તથ્યો સામે આવ્યા છે તે ચિંતાજનક અને શરમજનક છે. તેનાથી દેશની છબિ ખરડાઈ છે. છેલ્લા ૭૦ વર્ષમાં આપણા દેશમાં જે નિષ્પક્ષ ચૂંટણીઓ અને સ્વસ્થ લોકશાહીનું નિર્માણ થયું છે તેના પર સવાલ ઊઠ્યા છે.

ખડગેએ કહ્યું કે ચૂંટણી ડોનેશન બોન્ડ જેને સુપ્રિમ કોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કર્યા હતાં. તે અંતર્ગત વર્તમાન સત્તાધારી પક્ષે પોતાના ખાતામાં હજારો કરોડથી વધુ રકમ જમા કરાવી છે. જ્યારે બીજી તરફ મુખ્ય વિપક્ષ પાર્ટીનું બેંક એકાઉન્ટ ષડ્યંત્રપૂર્વક ફ્રીઝ કરવામાં આવ્યું છે જેથી પૈસાના અભાવે અમે બરાબર રીતે ચૂંટણી લડી શકીએ નહીં. આ શાસક પક્ષની એક ખતરનાક રમત છે. તેની અસરો પડશે કારણ કે જો લોકશાહીને બચાવવી હોય તો સમાનતા હોવી જરૂરી છે.

ભાજપે કેટલીક કંપનીઓ પાસેથી પૈસા કેવી રીતે લીધા તેનો ઉલ્લેખ નથી કરવા માંગતો. સુપ્રિમ કોર્ટ આ મામલે તપાસ કરી રહી હોવાથી મને આશા છે કે ટૂંક સમયમાં સત્ય આપણી સામે આવશે. હું બંધારણીય સંસ્થાઓને અપીલ કરૂ છું કે જો તેઓ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છતા હોય તો તેઓ અમને અમારા બેંક ખાતામાં મુક્તપણે ઉપયોગ કરવા દે. કોઈપણ રાજકીય પક્ષો આકવેરાના દાયરામાં આવતા નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh