Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બન્ને બાળદર્દીનો ચાંદીપુરા વાઈરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યોઃ તંત્રે ૫૪૪ ઘરનો સર્વે કર્યો

હાલારમાં ત્રણ શંકાસ્પદમાંથી એક બાળકીનું મૃત્યુ થયું હતું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: હાલારમાં ચાંદીપુરાના શંકાસ્પદ ત્રણ કેસ જોવા મળ્યા હતાં, જેમનો રિપોર્ટ મળે તે પહેલા એક બાળ દર્દીનું મૃત્યુ થયું હતું. આથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

જામનગરના ગણપતનગર અને રવિપાર્ક વિસ્તારના બે બાળદર્દીઓને તાવ, તૂટ, કળતર સહિતની બીમારી લાગુ પડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બન્નેના લક્ષણો ચાંદીપુરા જેવા જણાતા જરૂરી નમૂના લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ માટે ગાંધીનગરની લેબમાં મોકલાયા હતા.

રિપોર્ટ મળે તે પહેલા જ બે વર્ષના બાળકનું ગત્ શનિવારે સારવારમાં મૃત્યુ નિપજ્યુ હતું, જ્યારે જામનગરના હજુ એક બાળકને સારવાર માટે દાખલ રખાયો છે, અને તેની હાલત નાજુક ગણાવાઈ રહી હતી.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ૬ વર્ષના બાળકને પણ ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા તેને પણ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને આ બાળકના ઘરની આજુબાજુના વિસ્તારમાં જંતુનાશક દવા છંટકાવ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

આમ હાલારમાં કુલ ચાંદીપુરાના શંકાસ્પદ ત્રણ કેસ નોંધાયા હતા. તેમાંથી એકનું મૃત્યુ થયું હતું, તેમજ બે શંકાસ્પદ દર્દી હજુ સારવાર હેઠળ છે.

જો કે જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસને લઈને શંકાસ્પદ તરીકે નોંધાયેલા બે બાળકોના લેબોરેટરી રિપોર્ટ આજે નેગેટિવ આવતાં આરોગ્ય તંત્ર સહિત શહેરવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ગણપતનગર અને રવિપાર્ક વિસ્તારમાંથી મળેલા બંને શંકાસ્પદ બાળકોના સેમ્પલો તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ નેગેટિવ હોવાનું આજે સ્પષ્ટ થયું છે.

બીજી તરફ સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ અને નિવારક કામગીરી હાથ ધરી છે. ગણપતનગર વિસ્તારમાં આશરે ૪૦૦ ઘરોમાં તેમજ રવિપાર્ક વિસ્તારમાં ૧૪૨ ઘરોમાં આરોગ્ય સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ માખીજન્ય સંક્રમણ પર નિયંત્રણ માટે જરૂરી દવાઓનો છંટકાવ સહિતની કામગીરી પણ કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના સર્વે દરમિયાન અત્યાર સુધી ચાંદીપુરા વાયરસનો અન્ય કોઈ શંકાસ્પદ કેસ સામે આવ્યો નથી. ઉપરાંત અન્ય કોઈ ચેપી બીમારીના કેસ પણ નોંધાયા નથી. તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સર્વેલન્સ, જનજાગૃતિ અને નિવારક કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh