Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમગ્ર રાજ્યમાં ૧૦ ગૂંઠાના નિયમના અમલીકરણ અંગે અવઢવ
ખંભાળિયા તા. ૨૧: રાજ્ય સરકારે ૭૫ વર્ષ જૂના ટુકડા ધારા-૧૯૪૭માં સરકારનો ઐતિહાસિક સુધારો કરતા જૂના ટુકડા કેસોને મોટી રાહત મળી છે જો કે, હવે સરકારના આગામી નોટિફિકેશન પર સૌની નજર છે.
ગુજરાત સરકારે તા. ૧૪ જુલાઈ, ૨૦૨૬ના બહાર પાડેલા ગુજરાત ઓર્ડિનન્સ નં. ૨ (૨૦૨૬) દ્વારા 'ગુજરાત પ્રિવેન્શન ઓફ ફ્રેગમેન્ટેશન એન્ડ કન્સોલિડેશન ઓફ હોલ્ડિંગ્સ એક્ટ, ૧૯૪૭ (ટુકડા ધારા)' માં મહત્ત્વપૂર્ણ સુધારો કર્યો છે. લગભગ ૭૫ વર્ષ પછી થયેલો આ સુધારો જમીન કાયદાના ક્ષેત્રમાં નોંધપાત્ર ગણાય છે. આ ઓર્ડિનન્સ મુજબ ૨૯ જાન્યુઆરી, ૧૯૪૮થી ૩૧ માર્ચ, ૨૦૨૬ દરમિયાન ટુકડા ધારા વિરૂદ્ધ થયેલા જમીનના ટ્રાન્સફર અથવા ભાગલાઓને કાયદેસર નિયમિત ગણવામાં આવશે.
આવા વ્યવહારો માટે કોઈ દંડ કે પ્રીમિયમ લેવામાં આવશે નહીં, તેમજ આવા વ્યવહારોને લગતી વિવિધ અધિકારીઓ સમક્ષ ચાલતી કાર્યવાહી આપોઆપ સમાપ્ત થઈ જશે. વર્ષોથી ટુકડા ધારાના કારણે અટવાયેલા હજારો જમીનધારકો માટે આ જોગવાઈ નોંધપાત્ર રાહતરૂપ બની શકે છે. આ ઉપરાંત ઓર્ડિનન્સ દ્વારા કલમ ૫માં નવી પેટા કલમ ૫(૪) ઉમેરવામાં આવી છે, જેના દ્વારા રાજ્ય સરકારને કોઈપણ સ્થાનિક વિસ્તાર તથા કોઈપણ પ્રકારની જમીન માટે સ્ટાન્ડર્ડ એરિયા ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે.
જોકે, છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં ૧૦ ગુંઠાનો એકસમાન નિયમ લાગુ થશે તેમજ શહેરી વિસ્તારોને ટુકડા ધારામાંથી મુક્તિ મળશે જેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, પરંતુ તા. ૧૪ જુલાઈ, ૨૦૨૬ના પ્રસિદ્ધ થયેલા આ ઓર્ડિનન્સમાં આવી કોઈ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી નથી. ઓર્ડિનન્સ દ્વારા રાજ્ય સરકારને માત્ર કલમ ૫(૪) હેઠળ વિવિધ વિસ્તારો માટે સ્ટાન્ડર્ડ એરિયા ગેઝેટ નોટિફિકેશન દ્વારા જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે.
લોક પ્રત્યાઘાતો મુજબ હવે સૌથી મોટી ઉત્સુકતા એ છે કે રાજ્ય સરકાર આ નવી સત્તાનો ઉપયોગ કેવી રીતે કરશે. સમગ્ર રાજ્ય માટે એકસમાન ધોરણ જાહેર કરવામાં આવશે કે વિસ્તારવાર અલગ માપદંડ નક્કી કરવામાં આવશે? શહેરી વિસ્તારો, વિકાસ યોજના હેઠળની જમીનો તથા અન્ય કેટેગરીની જમીનો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં?
આ તમામ પ્રશ્નોના જવાબ હવે સરકાર દ્વારા બહાર પાડવામાં આવનાર આગામી ગેઝેટ નોટિફિકેશનમાં જ મળશે. હાલનો ઓર્ડિનન્સ ટુકડા ધારામાં એક મહત્ત્વપૂર્ણ કાયદાકીય સુધારો જરૂર લાવે છે, પરંતુ તેના આધારે રાજ્યમાં અમલમાં આવનારી નવી વ્યવસ્થાનું સંપૂર્ણ ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. તદ્વિષયક તજજ્ઞોના જણાવ્યા મુજબ આગામી નોટિફિકેશનમાં સરકાર સ્ટાન્ડર્ડ એરિયા અંગે શું નિર્ણય લે છે, તેના આધારે જ ટુકડા ધારાના અમલમાં કેટલો વ્યાપક અને વ્યવહારિક ફેરફાર આવશે તે નક્કી થશે. તેથી હાલ ચર્ચાઓ અને અટકળો કરતાં સરકાર દ્વારા પ્રસિદ્ધ થનારા સત્તાવાર ગેઝેટ અને નોટિફિકેશન પર સૌની નજર રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial