Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શોર્ટ ફિલ્મની કેટેગરીમાં મળ્યો 'બેસ્ટ ડ્રામા' ફિલ્મ ૨૦૨૬ નો એવોર્ડઃ નગરનું ગૌરવ
તાજેતરમાં જામનગરનાં યુવા દિગ્દર્શક ક્રિશાંગ વડગામાની શોર્ટ ફિલ્મ 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ' ને પૂણેમાં આયોજીત ગ્લોબલ ઈન્ડિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં શોર્ટ ફિલ્મની કેટેગરીમાં 'બેસ્ટ ડ્રામા ફિલ્મ ૨૦૨૬ નો એવોર્ડ' એનાયત થતા નગરનાં ગૌરવમાં વધારો થયો હતો. આ એવોર્ડ વિનીંગ ફિલ્મનાં દિગ્દર્શક ક્રિશાંગ વડગામા તથા ફિલ્મનાં મુખ્ય કલાકારો દર્શ વિઠ્ઠલાણી અને સુજ્ઞેશભાઇ ભટ્ટ દ્વારા 'નોબત' ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ તકે 'નોબત' પરિવારનાં દર્શકભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્યે યુવા કલાકારો સાથે તેમની કલાયાત્રા તથા ફિલ્મ સંબંધિત અનુભવો વિશે વાત કરી હતી.
'લોસ્ટ એન્ડ ફાઉન્ડ' ફિલ્મનાં ડાયરેક્ટર ક્રિશાંગ વડગામા જામનગરનાં છે. નંદ વિદ્યા નિકેતન તથા શ્રી સત્યસાઈ વિદ્યાલયનાં વિદ્યાર્થી રહી ચૂકેલા ક્રિશાંગે પારૂલ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યા પછી ખ્યાતનામ ફિલ્મ ડાયરેક્ટર 'શો-મેન' સુભાષ ઘાઇની સંસ્થા 'વ્હીસલીંગ વુડ્સ' માં થી ફિલ્મ મેકીંગ તથા ફિલ્મ રાઇટીંગ અને ફિલ્મ ડાયરેક્શન અંગેનો અભ્યાસ અને તાલીમ મેળવ્યા પછી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે કાર્ય કરવાનાં સપનાને સાકાર કરવાની દિશામાં પહેલા કદમરૂપે બનાવેલી શોર્ટ ફિલ્મ 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ ' ને મળેલો પ્રતિષ્ઠિત એવોર્ડ ક્રિશાંગની કાબેલિયતનાં પુરાવા સમાન કહી શકાય
આ ફિલ્મનાં નિર્માણ વિશેનાં અનુભવ વિશે વાત કરતા ક્રિશાંગ ફિલ્મનું ઘણું શૂટીંગ માડમ પરીવારનાં ફાર્મહાઉસમાં થયુ હોવાનું જણાવી સાંસદ પૂનમબેન માડમ સાથેનાં કૌટુંબિક સંબંધોનો ઉલ્લેખ કરી તેમનાં સહયોગને અગત્યનો ગણાવે છે. ફિલ્મને શૂટ કરવામાં ૩-૪ દિવસનો સમય લાગ્યો હતો તથા એડીટીંગમાં પણ ૨-૩ દિવસ લાગ્યા હતા એટલેકે લગભગ એક અઠવાડિયામાં સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થઇ ગયો હતો.
ફિલ્મની સ્ટોરી, ડાયરેક્શન અને એડીટીંગ બધું જ ક્રિશાંગનુ છે એટલેકે તે ફિલ્મ નિર્માણ સંબંધિત બહુવિધ કલાઓમાં હાથ અજમાવી રહૃાો છે.
ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર દર્શ વિઠ્ઠલાણીને વારસામાં અભિનય મળ્યો છે એમ કહી શકાય. ખ્યાતનામ અભિનેતા અને અનેક પુરસ્કારો જીતી રંગમંચની દુનિયામાં નગરને ગૌરવ અપવાનર રંગકર્મી સ્વ.જયભાઇ વિઠ્ઠલાણીનો પુત્ર દર્શ યુવા કલાકાર તરીકે ઉભરી રહૃાો છે. હાલ હરિયા કોલેજમાંથી બીબીએ કરી રહેલ દર્શ 'થિયેટર પીપલ' સાથે રંગમંચ પર અભિનય યાત્રા આગળ વધારવાની સાથે વિવિધ શોર્ટ ફિલ્મ જેવા ડિજીટલ માધ્યમોમાં પણ અભિનયનાં ઓજસ પાથરી રહૃાો છે. દર્શની આ પહેલાની શોર્ટ ફિલ્મ 'દાળભાત' ને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો તથા એ ઓસ્કર સુધી પહોંચી હતી.
'લોસ્ટ એન્ડ ફાઉન્ડ' માં અભિનયનાં અનુભવને યાદગાર ગણાવી દર્શે ક્રિશાંગ વડગામા સાથે પ્રોજેક્ટ કરવાનો આનંદ અભિવ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં દર્શનાં પાત્રનું બાળપણનું પાત્ર યોગ ધ્રુવ નામનાં બાળ કલાકારે ભજવ્યુ છે. દર્શે નાનકડી શોર્ટ ફિલ્મમાં પણ પોતાનાં અભિનયથી મોટી છાપ છોડી છે.
ફિલ્મમાં મુખ્ય પાત્રનાં પિતાનું પાત્ર ભજવનાર સુજ્ઞેશભાઇ ભટ્ટની પણ કહાની ફિલ્મી છે. ડ્રાઇવર તરીકે કાર્યરત સુજ્ઞેશભાઇ અભિનયનો પણ શોખ ધરાવે છે. વડગામા પરિવાર સાથે વર્ષોથી જોડાયેલા સુજ્ઞેશભાઇની અભિનય કલાને પારખી ક્રિશાંગે તેઓને શોર્ટ ફિલ્મમાં પાત્ર ભજવવાની તક આપી જેને તેઓએ પોતાનાં સહજ અભિનયથી સુપેરે ન્યાય આપ્યો છે.
'લોસ્ટ એન્ડ ફાઉન્ડ' ઇલેવન નેશનલ - ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત થઇ હોવાનું જણાવી ક્રિશાંગ પોતાનાં આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરી ઇન્ડીપેન્ડેન્ટ ફિલ્મ મેકર બનવાનું પોતાનું સપનુ અભિવ્યક્ત કરે છે.
ક્રિશાંગ આર્કેડીયન્સ પ્રોડક્શન હાઉસ નામની ફિલ્મ નિર્માણ કંપનીનાં સંચાલન સાથે જ ભારતનું પ્રથમ સંપૂર્ણ એ.આઇ. આધારીત ફિલ્મ પ્રોડક્શન હાઉસ જામનગરમાં જ સાકાર કરવાનું લક્ષ્ય ધરાવે છે.ક્રિશાંગનાં આ પ્રોજેક્ટથી ઘણા સ્થાનિક કલાકારોને વતનમાં જ મોટી તક પ્રાપ્ત થઇ શકે એવી ઉજળી સંભાવનાઓ છે. આ સંભાવનાઓ ફળીભૂત થાય એવી શુભેચ્છા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial