Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આડાસંબંધના મામલે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણઃ
જામનગર તા. ૧૪: કાલાવડના એક એડવોકેટ ગઈરાત્રે પોતાના ઘરનું તાળુ ખોલી રહ્યા હતા ત્યારે તેમના પર બે શખ્સે છરી વડે હુમલો કરી તેમનું ઢીમ ઢાળી દીધુ હતું. બનાવની પોલીસે તપાસ શરૂ કર્યા પછી એલસીબીએ ગણતરીની કલાકોમાં કાલાવડના બે શખ્સને જામનગરના હાપા પાસેથી દબોચી લીધા છે. એક શખ્સના પરિવારના મહિલા સાથે આ વકીલને આડોસંબંધ હોવાનું બહાર આવ્યું છે અને તે મામલે હત્યા નિપજાવાઈ હોવાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું છે. પોલીસે બંને આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.
કાલાવડ શહેરમાં રહેતા ઈમ્તિયાઝભાઈ કેશરભાઈ ડોડીયા નામના એડવોકેટ ગઈરાત્રે અગિયારેક વાગ્યે પોતાના ઘરે પરત ફરી ઘરનું તાળુ ખોલી રહ્યા હતા ત્યારે ત્યાં ધસી આવેલા બે શખ્સે તેમના પર છરી વડે પ્રાણઘાતક હુમલો કર્યાે હતો.
ગંભીર ઈજા પામેલા ઈમ્તિયાઝભાઈ ત્યાં ઢળી પડ્યા હતા. બૂમાબૂમ થતાં આજુબાજુના લોકો તથા ઈમ્તિયાઝભાઈના ભાઈ આસીફ ડોડીયા દોડી આવ્યા હતા. તેઓએ ઈમ્તિયાઝભાઈને સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડયા હતા પરંતુ માર્ગમાં જ આ એડવોકેટે દમ તોડી દીધો હતો.
આ બનાવની પોલીસને જાણ કરાતા કાલાવડ શહેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડ્યા પછી એસપી પ્રેમસુખ ડેલુને જાણ કરતા ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાના વડપણ હેઠળની પોલીસ ટીમ કાલાવડ પહોંચી હતી.
ઉપરોક્ત બનાવ અંગે પોલીસે મૃતક ઈમ્તિયાઝભાઈના ભાઈ આસીફનું નિવેદન નોંધ્યું હતું. જેમાં આડાસંબંધના કારણે ઈમ્તિયાઝભાઈ પર હુમલો થયાનું પ્રાથમિક તારણ મળતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ હતી.
તે દરમિયાન આ ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સ હાપા નજીક આવ્યા છે તેવી બાતમી મળતા એલસીબી પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના અને પીએસઆઈ પી.એન. મોરી, પીએસઆઈ સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળનો એલસીબી સ્ટાફ ત્યાં ધસી ગયો હતો. આ સ્થળ પરથી વૈભવ ભરતભાઈ ચાવડા તથા યોગેશ ભીખુભાઈ પરમાર ઉર્ફે લાલો નામના કાલાવડના બે શખ્સ મળી આવ્યા હતા. બંને શખ્સની અટકાયત કરી એલસીબી કચેરીએ ખસેડ્યા પછી પૂછપરછ કરાતા હત્યાના આ બનાવનો ભેદ ખૂલી ગયો છે.
આ બાબતે પત્રકારો સાથે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ વાતચીત કરતા જણાવ્યું છે કે, વૈભવ ચાવડાના પરિવારના એક મહિલા સાથે વકીલ ઈમ્તિયાઝભાઈને આડોસંબંધ હોવાની આશંકા ઉભી થતાં ગઈરાત્રે આ વકીલ પર છરીથી હુમલો કરી તેઓનું ઢીમ ઢાળી દેવાયાનું પ્રાથમિક તારણ મળ્યું છે. વધુ તપાસ ચલાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial