Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગત્ ચૂંટણીમાં પ૦ હજારથી ઓછી લીડ ધરાવતી
નવી દિલ્હી તા. ૧૦: લોકસભાની ૪૦ બેઠકો ભાજપનું બહુમતીનું સપનું તોડી નાખે તેવા સંકેત અને આઈએનડીઆઈએને કારણે મુશ્કેલી ઊભી થતા આ વખતે ભાજપને બહુમતીના ફાંફા પડે તેવી સંભાવનાઓ દર્શાવતા વિશ્લેષણો થઈ રહ્યા છે.
લોકસભા ર૦ર૪ ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વખતે ભાજપની નજર હેટ્રિક પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટી સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા કબજે કરવા પ્રયાસ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોકસભા ચૂંટણીમાં એનડીએ માટે ૪૦૦ થી વધુ બેઠકોનો લક્ષ્યાક રાખ્યો છે. એકલા ભાજપ માટે ૩૭૦ થી વધુ બેઠકો જીતવાની વાત કરી રહ્યા છે. આ માટે પાર્ટીએ 'અબ કી બાર ૪૦૦ પાર'નું સૂત્ર આપ્યું છે, પરંતુ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં ૩૦૩ બેઠકો જીતનાર પાર્ટીએ ૪૦ બેઠકો જીતી હતી જેના પર જીત-હારનો તફાવત પ૦ હજારથી પણ ઓછો હતો. આટલા ઓછા માર્જિનથી જીતેલી બેઠક આગામી ચૂંટણીમાં બાજી પલટી જવાનો પણ ભય છે. જો આમ થાય છે તો ભાજપ જીતેલી આ ૪૦ બેઠકો ઉલટફેર થવાના કારણે તેની જીતેલી બેઠકોની સંખ્યા ઘટીને ર૬૩ થઈ શકે છે, જે બહુમતીના આંકડાથી પણ ઓછી થઈ જશે.
ઉલ્લેખનિય છે કે, પ૪૩ સભ્યોવાળી લોકસભામાં બહુમતનો આંકડો ર૭ર છે. ર૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા જીતેલી ૭૭ બેઠક પર જીત અને હારનો તફાવત એક લાખથી ઓછા મતનો રહ્યો હતો. તેમાંથી સૌથી વધુ ૩૦ બેઠક એવી હતી કે જેના પર પાર્ટી કોંગ્રેસ સાથે સીધી સ્પર્ધામાં હતી. આ વખતે પણ આ બેઠકો પર જોરદાર ટક્કર જોવા મળી શકે છે.
ઉલ્લેખનિય છે કે, આ વખતે કોંગ્રેસ અને અન્ય વિપક્ષના સાથીઓ આઈએનડીઆઈએ ગઠબંધનમાં સાથે મળીને લડી રહ્યા હોવાથી વોટ તૂટવાની શક્યતા ઓછી થઈ ગઈ છે અને ઓછા માર્જિનથી જે બેઠકો ભાજપ જીત્યો હતો હવે ત્યાં પરિણામો વિપક્ષની તરફેણમાં અને ભાજપની વિરૂદ્ધમાં જાય તેવી શક્યતા વધી ગઈ છે.
ભારતીય જનતા પાર્ટી ઓછા માર્જિનથી જીતેલી બેઠકોના સંભવિત નુક્સાનની ભરપાઈ કરવા માટે ઘણા પગલાં લઈ રહી છે. શક્ય હોય ત્યાં સુધી તે નાની સ્થાનિક પાર્ટીઓને પોતાના પાલામાં લાવી રહી છે. આ સાથે જ ભાજપનું ધ્યાન તે બેઠકો પર પણ છે જ્યાં તે નજીવા મતોથી હારઈ ગઈ હતી. ગઠબંધનમાં વધુને વધુ પાર્ટીને સામેલ કરવાની સાથે અન્ય પાર્ટીઓમાંથી પણ વિજેતા ઉમેદવારોને ભાજપમાં લાવીને તેમને ટિકિટ આપવાની રણનીતિ ઘડી રહી છે. મોટી સંખ્યામાં વર્તમાન સાંસદોની ટિકિટ પણ રદ્ કરવામાં આવી છે.
આ ઉપરાંત ભાજપ દક્ષિણ ભારતના મતદારોને રીઝવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે, પરંતુ સમીકરણો અનુકૂળ નથી. આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો રેકોર્ડ એવો રહ્યો છે કે ભાજપ માટે કોઈ આશા જણાતી નથી. આ રાજ્યોમાં લોકસભાની ૪ર બેઠકો છે તેથી શક્યતાઓ છે, પરંતુ આશાઓ નથી.
એક જુથ થયેલા ઈન્ડિયા ગઠબંધનની રણનીતિ આ ૪૦ બેઠકો પર અસરકારક સાબિત થાય છે તો ભાજપનો આંકડો સીધો ૩૦૩ થી ઘટીને ર૬૩ પર આવી શકે છે. આ ર૭ર ના જાદુઈ બહુમતીના આંકડા કરતા ઓછો છે. ખાસ વાત એ છે કે ૪૦ બેઠકોમાંથી જ્યાં ભાજપની જીતનું માર્જિન પ૦ હજારથી ઓછું હતું, ત્યાં ૧૧ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. બીએસપી, એસપી અને બીજુ જનતા દળે ૬ બેઠકો પર ભાજપને પડકાર આપ્યો હતો. પ૦ હજારથી ઓછા માર્જિનવાળી ચાર બેઠકો પશ્ચિમ બંગાળમાં હતી, જ્યારે બે કેઠકો પર ભાજપનો નજીકનો હરીફ રાષ્ટ્રીય લોકદળ હતો.
મછલી શહેર, ખુંટી, ચામરાજનગર, બર્ધમાન દુર્ગાપુર, મેરઠ, મુઝફ્ફરનગર, કાંકેર, રોહતક, સંબલપુર, દમણ અને દીવ, લોહરદગા, લદ્દાખ, ઝારગ્રામ, કન્નૌજ, બાલાસોર, તુમકુર, ચંદૌલી, સુલતાનુપર, બેરકપુર, બલિયા, ઈનર મણિપુર, બદાયું, બોલંગીર, બાગપત, ભુવનેશ્વર, મયુરભંજ, કાલાહાંડી, ફિરોઝાબાદ, બસ્તી, બાલુરઘાટ, સંત કબીરનગર, કરીમગંજ, કોપલ, કૌશામ્બી, પાટલીપુત્ર, નાંદેડ, ભદોહી, ચંડીગઢ, દુમકા, હોશિયારપુર સહિતની લોકસભની જે ૪૦ બેઠક પર ભાજપ માટે જોખમ છે, તેમાંથી ૧૪ યુપીમાં છે. ભાજપે યુપીમાં મછિલિશહર સંસદીય સીટ પર માત્ર ૧૮૧ વોટથી જીત મેળવી હતી. પાર્ટીએ મેરઠ સીટ પર ૪૭ર૯ વોટથી જીત મેળવી હતી. મુઝફ્ફરનગરમાં પાર્ટીની જીતનું માર્જિન ૬પર૬ વોટ હતું. પાર્ટીએ ઝારખંડની ખુંટી બેઠક ૧૪૪પ મતોથી જીતી હતી. બીજેપીએ કર્ણાટકની ચામરાજનગર સીટ પણ ૧૮૧૭ વોટથી જીતી હતી. હરિયાણાના રોહતકમાં પણ બીજેપીએ ૭,પ૦૩ વોટથી જીત મેળવી છે. તે ઉપરાંત આમાં પશ્ચિમ બંગાળમાં ચાર બેઠકોનો સમાવેશ થાય છે. અહીં ભાજપના એસએસ અહલુવાલિયાએ બર્ધમાન-દુર્ગાપુર બેઠક પરથી માત્ર ર૪૩૦ મતોથી ચૂંટણી જીતી હતી. આ સિવાય ભાજપે ઓડિશામાં પ૦ હજારથી ઓછા મતોથી ૬ બેઠકો જીતી હતી. દમણ અને દીવમાં પાર્ટીની જીતમાં માર્જિન ૧૦ હજારથી ઓછું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial