Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મરેલા ઢોરને ઉપાડવાની કામગીરી સફાઈ કામદારો પાસે નહીં કરાવવા રજૂઆત

રાષ્ટ્રીય સફાઈ મજદૂર મહાસંઘના પ્રદેશ પ્રમુખ વિજયભાઈ બાબરિયા દ્વારા

જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારો કુલ ૧૩૩૪ અને અવેજી કામદારો આશરે ૮પ૦ જેટલા સફાઈની કામગીરી કરે છે અને આ બધા સફાઈ કામદારો માત્ર સફાઈની કામગીરી માટે જ ભરતી  થયેલ છે.

આ સફાઈ કામદારો પાસે હાલમાં મરેલા ઢોર ઉપાડવાનું કામ પણ કરાવવામાં આવે છે તે ખૂબ જ ગંભીર બાબત છે. જે સફાઈ કામદારો મરેલા ઢોર ઉપાડે છે તે ચામડીના ગંભીર રોગોથી પીડાય છે. મરેલા ઢોરને ઉપાડતા સમયે તેના ઉપર ખૂબ જ જીવાત હોય છે તે જીવાતવાળા ઢોર સફાઈ કામદારો ઉપાડતા હોય છે. તેથી હંમેશાં તેમના શરીર ઉપર આ ગંદકી ઉપાડવાના કારણે આખું શરીર ગંધાતું હોય છે. આ કામ કરતા કરતા કોઈ મોટા ઢોર વજનવાળા હોય જેવા કે, ગાય, ભેંસ કે બળદ હાથેથી ઉપાડતા હોય છે. ત્યારે પણ સફાઈ કામદારોને કમરના મણકાની કાયમી બીમારી પણ થાય છે. બીમારીનો ભોગ બનનાર આજ દિવસ સુધી કોઈ વજનવાળું કામ નથી કરી શકતા કે નથી વાંકા વળી શકતા. જ્યારે મરેલા ઢોર ઉપાડવાનું કામ કરીને પોતાના ઘરે જતા હોય છે ત્યારે સફાઈ કામદારોના શરીર ઉપર જીવાતો અને તેમનું શરીર ખૂબ જ ગંધાતું હોય છે, તેથી તેઓના બાળકો અને પરિવારના લોકો પણ તેમની પાસે જતા સંકોચ અનુભવતા હોય છે. જેનાથી સફાઈ કામદારોના આરોગ્ય પર અને માનસિક રીતે પારિવારિક જીવન પર ખૂબ જ ખરાબ અસરો પડતી હોય છે.

જામનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારો મરેલા ઢોર ઉપાડવાની 'ના' પાડે તો કંટ્રોલીંગ અધિકારીની સૂચનાથી આ સફાઈ કામદારોને પાંચ-પાંચ કે દશ-દશ દિવસ સુધી નોકરીમાંથી ઉતારી નાખવામાં આવે છે અને તેમના પગારની કપાત કરવામાં આવે છે અને ડરાવી, ધમકાવી અને બળજબરીપૂર્વક મરેલા ઢોર ઉપાડવવાનું કામ કરાવવામાં આવે છે.

આ અમાનવીય કામ જામનગર મહાનગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો પાસેથી લેવાની બળજબરીપૂર્વક સોલીડ વેસ્ટ શાખાના અધિકારીઓ દ્વારા ફરજ પાડવામાં આવે છે જે ગેર કાયદેસર અને અનુસૂચિત આદિજાતી 'અત્યાચાર નિવારણ' અધિનિયમ ૧૯૮૯ ની કલમ ૩ (૧) (ર) હેઠળ ગંભીર ગુન્હો બને છે.

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નવી દિલ્હીના તા. ૧૪-૪-ર૦૧૬ ના જાહેરનામા અને ગુજરાત સરકારે તેના તા. ૯-૧ર-ર૦૧૬ થી એકસ્ટ્રા ઓર્ડિનરી ગેઝેટ દ્વારા પાર્ટ ૪-એ પ્રસિદ્ધ કરેલ છે.

આ ગઝેટના પાના નં. ર૩૪-પ અનુક્રમાંક ૯ માં જણાવ્યા મુજબ અનુસૂચિત જાતિના સફાઈ કામદારોની પાસેથી માનવ અથવા પશુના મળદાનો નિકાલ કરવા, તે ઉપાડવા અથવા કબર ખોદવા માટે અમાનવીય કામ કરવાની ફરજ પાડવી તે અધિનિયમની કલમ ૩ (૧) (ર) મુજબ ગુન્હો બને છે અને સજાને પાત્ર છે તથા ભોગ બનનારને એક લાખ રૂપિયા ચૂકવવાપાત્ર છે.

આથી ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગની અને સુપ્રિમકોર્ટની અવગણના કરીને સોલીડ વેસ્ટ શાખાના કંટ્રોલીંગ અધિકારી દ્વારા સફાઈ કામદારો પાસેથી લેવામાં આવતી આ અમાનવીય કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરાવવી. અન્યથા અનસૂચિત જાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ૧૯૮૯ અને ગુજરાત સરકારના સુધારેલા ૧૯૯પ ના નિયમોની જોગવાઈ મુજબ ફરિયાદ કરવાની ફરજ પડશે તેવી રજૂઆત રાષ્ટ્રીય સફાઈ કામદાર મજદૂર મહાસંઘના પ્રદેશ પ્રમુખ વિજયભાઈ બાબરિયાએ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh