Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભુરાજી ઠાકોરે ભાજપમાંથી ટિકિટ મળે તેમ નહીં હોવાથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવાનું અનુમાનઃ
વાવ તા. ર૩: ગુજરાત વિધાનસભા ગેનીબેન ઠાકોરે ખાલી કરેલી બેઠકની પેટાચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે, અને ગેનીબેનના કૌટુંબિક કાકાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા માહોલ ગરમાયો છે.
વાવ વિધનસભાની બેઠક પર પેટાચૂંટણી જાહેર થતા જ હવે બનાસકાંઠા અને વાવમાં રાજકારણ ગરમાયું છે. ઠાકોર સમાજમાં હાલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ કે કોંગ્રેસ અને ગેનીબેનનો ગઢ કહેવાતી વાવ બેઠક પરથી ગેનીબેનના પરિવારના સભ્યએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
ગેનીબેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોર ભાજપ સાથે જોડાયેલા હતાં, પરંતુ તેમને ટિકિટ મળે તેમ નથી હોવાથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભુરાજી ઠાકોર ગેનીબેનના ગઢમાં ગાબડું પાડશે તો તેનો સીધો ફાયદો ભાજપને થશે.
વાવ વિધાનસભાની બેઠક પોતાના નામ કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસે ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. ભાજપમાંથી પ૦ જેટલા લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસમાંથી ૮ લોકો દાવો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અપક્ષ ઉમેદવારો પણ મેદાને ઉતર્યા છે. હાલમાં ૩ ઉમેદવારોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેમાં ગેનીબેનના પરિવારમાંથી તેમના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
વાવ બેઠક કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. જ્યારે ભાજપ માટે ભુરાજી ઠાકોર ભાજપ સાથે જોડાયેલા છે, પરંતુ ભાજપમાં મૂરતિયાની સંખ્યાને જોતાં તેમને લાગી રહ્યું છે તેમને ટિકિટ મળી શકે એમ નથી. જેથી તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભુરાજી ઠાકોર પૂર્વ ડેલીગેટ રહી ચૂક્યા છે. ભુરાજી ઠાકોરના પત્ની કોગ્રેસ સાથે જોડાયેલા હતાં. કોંગ્રેસમાંથી તે જિલ્લા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. ભુરાજી ઠાકોર લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે, જેથી તેમણે વાવ બેઠક પરથી પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું છે.
ભુરાજી ઠાકોરે સમર્થકોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતી વેળાએ તેમણે બંને પક્ષો પ્રત્યે પોતાની નારાજગી વ્યકત કરી હતી. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોમાં તેમની સમસ્યાઓ સાંભળવામાં આવતી ન હોવાની વાત કરી હતી. ભુરાજી ઠાકોરે નર્મદાના પાણી મળતું ન હોવાના મુદ્દે આક્રોશ વ્યકત કર્યો હતો. હજુ પણ વાવ પંથકના ૧૦ જેટલા ગામોને પીવા માટે ખારૃં પાણી મળી રહ્યું છે.
લોકસભા ચૂંટણી ર૦ર૪માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં ર૬ માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ ર૪ બેઠકો પર કોગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતાં. જો કે સુરત બેઠક બિનહરીફ થતાં કોગ્રેસે ર૩ બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની ર૬ બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે, જે બનાસકાંઠા બેઠક છે.
ત્યારે હવે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ૧૩ નવેમ્બર ર૦ર૪ ના રોજ મતદાન યોજાશે અને ર૩ નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ ૧૮ ઓકટોબરથી છેલ્લી તારીખ રપ ઓકટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ ર૮ ઓકટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ૩૦ ઓકટોબર છે. ચૂંટણી વિભાગની જાહેરાત પછી હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial