Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં અઠવાડિયા દરમિયાન વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટઃ અમદાવાદ-રાજકોટમાં યલો એલર્ટ

નવી દિલ્હી તા. ૯: હવામાન વિભાગે ગુજરાત સહિત દેશભરમાં આ અઠવાડિયા દરમિયાન હળવાથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ અઠવાડિયામાં સમગ્ર દેશભરમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. સોમવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સક્રિય હતુ અને ટ્રક લાઈન જેસલમેર, ચિત્તોડગઢ (રાજસ્થાન), રાયસેન, મંડલા (મ.પ્ર.), રાયપુર (છત્તીસગઢ) અને કલિંગપટ્ટનમ (આંધ્રપ્રદેશ) સુધી ચાલી છે. કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો વર્તારો છે. મંગળવાર અને બુધવારે કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ગુજરાત અને ઉત્તરી કેરળમાં ચાલતી અને ટ્રફ રેખામાં છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ કિનારે ચોમાસાને સક્રિય રાખ્યું છે.

વીકેન્ડ દરમિયાન મુંબઈ અને તેના પરાવિસ્તારોમાં જબરદસ્ત વરસાદ પડ્યો હતો. તેના લીધે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. સોમવારે શહેરમાં ર૭૦ એમએમ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે તેના વર્તારામાં જણાવ્યું છે કે દક્ષિણ ભારત, કર્ણાટક કાંઠો અને  અને કેરળમાં શુક્રવાર સુધી વરસાદ રહેશે. આંધ્રપ્રદેશના કાંઠાવિસ્તાર, રાયલસીમા, યાનમ (પુડ્ડુચેરી) અને તેલંગણામાં ભારે વરસાદ થશે આસામને વરસાદથી કોઈ રાહત મળી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ત્યાં ભારે વરસાદના લીધે પ૦ના મોત થયા છે.

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા અઠવાડિયામાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ નબળી શરૂઆત રહી છે, આ વર્ષે અત્યાર સુધીમાં ૮ ઈંચ સાથે સિઝનનો સરેરાશ ર૩ ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં આજે (૯ જુલાઈ)એ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમા બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આજે મોટા ભાગના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ દાદરાનગર, હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં યેલો એલર્ટ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ૧૦ જુલાઈએ (બુધવાર) કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ૧૧ જુલાઈ (ગુરૂવાર)એ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh