Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રશિયન સેનામાં ફસાયેલા ભારતીયો ટૂંક સમયમાં સ્વદેશ પરત ફરશેઃ પુતિને સ્વીકારી મોદીની અપીલઃ મોદી-પુતિન પ્રાઈવેટ ડીનર યોજાયું
મોસ્કો તા. ૯: રશિયામાં ભારતના બે નવા દુતાવાસ ખોલવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રશિયાના પ્રવાસ દરમિયાન જાહેરાત કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને પ્રાઈવેટ ડીનર આપ્યું હતું. ભારત-રશિયાની અતૂટ મિત્રતા વર્ણવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબંધિત દરમિયાન ભારતને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું મોટું મોડલ ગણાવી પોતે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા, તેનો ઉલ્લેખ કરીને વિકસીત ભારતનું લક્ષ્ય સમજાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. તેઓ સોમવારે (૮ જુલાઈ) મોસ્કો પહોંચ્યા હતાં જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું રેડકાર્પેટ પાથરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારે આજે વડાપ્રધાન મોદી મોસ્કોમાં ભારતીય સમુદાયની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ રશિયામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.
ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'હું આજે તમારી સાથે એક સારા સમાચાર શેર કરવા માગુ છું. રશિયાના કઝાન અને યાકિટારિમ્બર્ગમાં ભારતના બે નવા કોન્સ્યુલેટ ખોલવામાં આવશે. જેનાથી અહીં આવવા જવા તેમજ વ્યાપર વધુ સરળ બનશે.' વધુમાં કહ્યું કે, 'રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રપતિ પુતિનના ર૦ વર્ષના શાસન દરમિયાન બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ભારત-રશિયા મિત્રતા હંમેશાં સકારાત્મક છે. રાજ કપૂર અને મિથુન ચક્રવર્તીએ બન્ને દેશો વચ્ચેની મિત્રતા મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.'
વડાપ્રધાન મોદીએ પોતાની અગાઉની મુલાકાતની વાત કરતા જણાવ્યું કે, 'છેલ્લા ૧ વર્ષમાં છ વખત રશિયા આવ્યો છું અને અમે (પુતિન) છેલ્લા દસ વર્ષમાં ૧૭ વખત મળ્યા છીએ. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો અભારી છું. ભારત અને રશિયા ખભે ખભા મિલાવીને ચાલી રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચે અનોખો સંબંધ છે. હું રશિયા સાથેના અનોખા સંબંધોનો ચાહક છું. બન્ને દેશો વચ્ચે મિત્રતા હંમેશાં અકબંધ રહેશે. દર વખતે અમારી મિત્રતા વધુ મજબૂત બની છે. રશિયન ભાષામાં ડ્રુઝહબાનો અર્થ હિન્દીમાં મિત્રતા થાય છે. આ શબ્દ બન્ને દેશો વચ્ચેના સંબંધોને દર્શાવે છે.'
ભારત અને રશિયાના સંબંધોની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ભારતીય સમુદાયના લોકો ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને આગળ લઈ જઈ રહ્યા છે. રશિયા ભારતના સુખ-દુઃખનું સાથી છે. ભારત અને રશિયાની મિત્રતા હંમેશા ઉષ્માભરી રહી છે. આ સંબંધ પરસ્પર વિશ્વાસના આધારે બનેલો છે. અહીં ઘરે ઘરે સર પર લાલ ટોપી, ગીત ગવાતું. આ ગીત ભલે જુનું થઈ ગયું હોય, પણ લાગણી હજુ પણ એવી જ છે. હું ભારત-રશિયા સંબંધોનો ચાહક છું. અમારા સંબંધોની મજબૂતાઈ ઘણી વખત ચકાસવામાં આવી છે અને દરેક વખતે વધુ મજબૂત બની છે.'
પડકારને મારા ડીએનએમાં છે. અમે અત્યાર સુધી જે વિકાસ કર્યો છે તે માત્ર ટ્રેલર છે. આગામી ૧૦ વર્ષમાં સેમિકન્ડક્ટરથી મેન્યુફેકચરીંગ, ગ્રીન હાઈડ્રોનથી ગ્રીન વ્હિકલ સુધીની ભારતની નવી ગતિ વિશ્વના વિકાસનું પ્રતીક બની રહેશે. વિશ્વ વિકાસનું પ્રકરણ લખશે. વૈશ્વિક સ્તરે ૧પ ટકા વિકાસમાં ભારતનો હિસ્સો છે. આવનારા સમયમાં વધુ વિસ્તરણ થવાની ખાતરી છે.
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 'ભારત તેના ૧૪૦ કરોડ નાગરિકોની સામર્થ્ય પર વિશ્વાસ રાખે છે. વિશ્વભરમાં ફેલાયેલા ભારતીયોની ક્ષમતા પર વિશ્વાસ અને ગર્વ છે. જેના કારણે ભારત બદલાઈ રહ્યું છે. ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શનું સૌથી ભોટું મોડલ છે. આજે ભારત સખત મહેનત કરી રહ્યું છે. વિદેશમાં રહેતા ભારતીયોને આજે ભારત પર ગર્વ છે. દેશવાસીઓએ વિકસિત ભારતીયો માટે સંકલ્પ લીધો છે.'
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે હું અહીં એકલો નથી આવ્યો પરંતુ મારી સાથે દેશની માટીની સુગંધ લઈને આવ્યો છું. હું ૧૪૦ કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. આજે ૯ મી જુલાઈ છે, આ દિવસની ખાસ વાત એ છે કે આ દિવસે મે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતાં. આ રીતે મને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાને એક મહિનો થઈ ગયો છે.
ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મેં શપથ લીધા હતા કે જો હું ત્રીજી વખત વડાપ્રધાન બનીશ તો ત્રણ ગણી ઝડપે કામ કરીશ. અમારે ત્રણ ગણી ઝડપે કામ કરવું પડશે. અમારો ઉદ્દેશ્ય ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો છે. ત્રણ કરોડ લાખપતિ દીદી બનાવવાનું છે. ગરીબો માટે ત્રણ કરોડ ઘર બનાવવાના છે.
વડાપ્રધાન મોદીની રશિયાની મુલાકાતના પહેલાં જ દિવસે પરિણામો દેખાવા લાગ્યા છે. વાસ્તવમાં, રશિયાએ યુક્રેનમાં રશિયન સેના માટે લડી રહેલા તમામ ભારતીયોને રજા આપવા અને તેમના પરત ફરવાની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીની મોસ્કો મુલાકાત દરમિયાન મળેલી આ મોટી સફળતા છે.
સુત્રોએ જણાવ્યું કે, સોમવારે સવારે પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને એક ખાનગી રાત્રિભોજનમાં મળ્યા ત્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ પુતિન પણ આ માટે સંમત થયા હતા અને આ રીતે રશિયન સેનામાં ફસાયેલા ભારતીય યુવાનોની વાપસી સુનિશ્ચિત થશે.
હકીકતમાં ઘણા ભારતીય યુવાનો સારી નોકરીની લાલચમાં રશિયન સેનામાં ફસાઈ ગયા અને યુક્રેનના આ યુદ્ધમાં રશિયા વતી લડી રહ્યા છે. તે ભારતીયોની દુર્દશા નવી દિલ્હી માટે ખૂબ જ ચિંતાનો વિષય છે અને ભારતીય વિદેશ મંત્રાલય પણ રશિયા સમક્ષ આ મુદ્દો સતત ઉઠાવી રહ્યં છે. જો કે, હવે પીએમ મોદીની રશિયાની મુલાકાતે આ મુશ્કેલ કાર્ય પૂર્ણ કરી દીધું છે અને હવે આ તમામ ભારતીયો ટૂંક સમયમાં સ્વદેશ પરત ફરી શકશે અને રાહતનો શ્વાસ લઈ શકશે.
યુદ્ધ અટકાવવા ફરીથી પુનિતને અપીલ
વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ફરી એકવાર તેમના મહત્ત્વપૂર્ણ સંદેશને પુનરાવર્તિત કર્યો કે આ યુદ્ધનો સમય નથી. સુત્રોને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ યુક્રેન યુદ્ધનો રાજદ્વારી ઉકેલ શોધવા પર ભાર મૂકયો હતો અને રશિયન રાષ્ટ્રપતિને કહ્યું હતું કે યુદ્ધના મેદાનમાં ઉકેલ શોધી શકાતો નથી. ભારતનું વલણ આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે અને વિનંતી કરે છે કે સંઘર્ષને બદલે વાતચીત દ્વારા ઉકેલ શોધવો જોઈએ. સપ્ટેમ્બર-ર૦રર માં ઉઝબેકિસ્તાનની રાજધાની સમરકંદમાં એસસીઓ સમિટ દરમિયાન પીએમ મોદીએ પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. બાદમાં તે જ વર્ષે નવેમ્બરમાં જી-ર૦ બાલી ઘોષણામાં આ રેખાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પશ્ચિમી નેતાઓ અને વાટાઘાટકારોએ પીએમ મોદીના આ નિવેદનની પ્રશંસા કરી અને તેનો ઉપયોગ રશિયા પર યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ બનાવવા માટે કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial