Advertisement
Author: નોબત સમાચાર

તહેવારો ટાણે તંગદિલી, સપ્ટેમ્બરમાં સટાસટી! સમય વર્તે સાવધાન...

                                                                                                                                                                                                      

રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે, અને તેની ઉજવણી માટે ઠેર-ઠેર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ તહેવારોનો ઉલ્લાસ છે, તો બીજી તરફ વરસાદ ખેંચાતા લોકો વિમાસણમાં પણ છે. તહેવારો ટાણે જ વિવિધ ચીજવસ્તુઓના ભાવો વધી રહ્યા છે, અને ઈંધણ તથા ખાંડ પછી હવે ગરીબોની કસ્તુરી ગણાતી હતી તે ડુંગળીના ભાવો પણ ઝડપભેર વધી રહ્યા છે. લોકો કહે છે કે સરકારે દેખાડેલા સપનાની બૂલેટ ટ્રેનની ઝડપ તો જ્યારે જોવા મળે ત્યારે ખરી, પરંતુ લોકોની બુનિયાદી જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ભાવવધારાની ઝડપ તો બૂલેટ ટ્રેનને પણ પાછળ રાખી દ્યે, એટલી તેજ ગતિશીલતા ધરાવે છે!

ભૂતકાળમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દે મજબૂત સરકારો ઉથલી ગઈ હતી અને દિલ્હીની એક રાજ્ય સરકારે તો ડુંગળીના તે સમયે વધેલા ભાવોના કારણે જ સત્તા ગુમાવી હતી, તે ભૂલવા જેવું નથી.

અત્યારે દેશમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે અને વિવિધ મુદ્દે પ્રજામાં જબરદસ્ત આક્રોશ પ્રવર્તી રહ્યો છે. દેશમાં પેપરલીક અને શિક્ષણની બદતર હાલતના મુદ્દાને લઈને તો જંતર-મંતર ફેઈમ સીજેપીના આંદોલનો તો વિસ્તરી જ રહ્યા છે, તો સ્વયં કોકરોચ જનતા પાર્ટીએ પણ ફરીથી દેશવ્યાપી આંદોલન છેડવાનું નવેસરથી એલાન કરી દીધું છે અને નગારે ઘા વગાડી દીધુ છે. સીજેપીએ ફૂંકેલુ આ બ્યુગલ રાહુલ ગાંધીની 'છાત્રની ગૂંજ'ની જેમ જ બજવા (વગડવા) લાગ્યું છે, અને આ કારણે કેન્દ્ર સરકાર વધુને વધુ ઘેરાઈ રહી છે.

કોકરોચ જનતા પાર્ટીએ પાંચમી સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં શાંતિમય માર્ચ યોજવાની ઘોષણા કરી દીધી છે. એવું જોહર કરાયું છે કે, આ 'શાંતિપૂર્ણ' માર્ચ ઈન્ડિયા ગેઈટથી દિલ્હીના પોલીસ હેડક્વાર્ટર્સ તરફ આગળ વધશે.

આ માર્ચનું નેતૃત્વ નીટ પરીક્ષા સંબંધિત કેસોમાં જીવ ગુમાવનારા અને પોલીસ બર્બરતાની કથિત રીતે ભોગ બનેલા પરિવારો કરશે, તેવું જાહેર કરાયું છે. એવો દાવો કરાયો છે કે આ વિરોધ પ્રદર્શનમાં આખા દેશમાંથી જેન-ઝેડ પ્રદર્શનકારીઓ ઉમટી પડશે. આ ઘોષણા કરતા સીજેપીના સંયોજક સૌરવદાસે જે કાંઈ કહ્યું છે, તેથી કદાચ સંબંધિત સત્તાધીશો અને તંત્રવાહકોની ઊંઘ ઊડી ગઈ હશે.

સીજેપીની ઓનલાઈન બેઠકમાં કેન્દ્ર સરકારે વિશ્વાસઘાત કર્યો અને રપ મી જુલાઈએ આપેલા વચનો પાળ્યા નથી, તેવું તારણ નીકળ્યા પછી આ 'ઓનલાઈન' પાર્ટીના નિવેદનમાં પણ સરકારના વચનોને એક મહિનો થવા છતાં સુપ્રિમ કોર્ટને સ્પષ્ટ ખાતરી અપાઈ નથી અને વિલંબનીતિ અપનાવાઈ રહી છે, તેની સામે આક્રોશ વ્યક્ત કરાયો છે.

સીજેપીએ પેપરલીકના કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને એક કરોડ રૂપિયાનું વળતર અને જંતર-મંતર સહિતના આંદોલનકારીઓ સામેના પોલીસ કેસો પાછા ખેંચવાના મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકારે છેતરપિંડી કરી છે, તેમ જણાવી ફરીથી દેશવ્યાપી શાંતિમય આંદોલનનો રણટંકાર કર્યો છે. આંદલનકારીઓએ સરકારની બોદી નિયતનો આક્ષેપ લગાવીને જણાવ્યું છે કે સદ્ભાવપૂર્વક આંદોલન પાછું ખેચ્યું, તેને નબળાઈ નહીં સમજવાની ચેતવણી પણ આપી છે. આમ, સપ્ટેમ્બરમાં શિક્ષકદિને જ આ આંદોલન થશે તેવું આહ્વાન થતા જેની સ્મૃતિમાં શિક્ષકદિન ઉજવાય છે, તે મહાન શિક્ષણવિદ્ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્નો આત્મા પણ પ્રવર્તમાન એજ્યુકેશન સિસ્ટમની આ બદહાલત જોઈને દુભાતો હશે.

અત્યારે કદાચ મોદી સરકારની માઠી દશા આવી રહી હોય તેમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જુદા જુદા ફટકા પડી રહ્યા છે.

બીજી તરફ સપ્ટેમ્બર મહિનામાં જ બેંકર્મીઓ પણ હડતાલ પાડવાના હોવાથી લોકોને બેન્કીંગના કામો સવેળા કરી લેવા ચેતવવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં બેંકકર્મીઓ ૧૧ મી સપ્ટેમ્બરે એક દિવસની હડતાલ પાડશે, તેવા અહેવાલો વહેતા થયા છે. જો કે, આ દિવસ શનિ-રવિની જાહેર રજા સાથે જોડીને નક્કી કરાયો છે. તેવી જ રીતે શનિ-રવિ સાથે જોડીને સપ્ટેમ્બરના અંતમાં પણ હડતાલ પડતા પાંચ દિવસ બેંકો બંધ રહેશે, તેથી સપ્ટેમ્બરમાં રજાઓ સહિત કુલ આઠેક દિવસ બેંકો બંધ રહેશે. જો કે, અનિશ્ચિતકાળની હડતાલ ઓક્ટોબરના અંતમાં શરૂ થવાની છે, પરંતુ તહેવારોની શ્રૃંખલા વચ્ચે સપ્ટેમ્બરની આ હડતાલ પણ ભારે પડવાની શક્યતા છે.

બીજી તરફ આ વર્ષે સપ્ટેમ્બરમાં જ ચોમાસું વિદાય લઈ લ્યે, તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી હોવાથી આ વખતે સરકાર અને પબ્લિક માટે પણ સપ્ટેમ્બર મહિનો ભારે પડે તેવા સંજોગો છે.

જુના જમાનામાં રંગભૂમિ યુગમાં એક નાટક ઘણું જ પ્રચલિીત થયું હતું. ગુજરાતની રંગભૂમિ પર દિગ્ગજ કલાકારોએ ભજવેલી ભૂમિકા ઘણી જ યાદગાર બની હતી. તે પછી આ જ ટાઈટલ સાથે ફિલ્મ પણ બની હતી. આ પ્રચલિત નાટક અને ફિલ્મનું નામ હતું 'સમય વર્તે સાવધાન...'

પ્રવર્તમાન તંત્રો અને શાસકોએ પણ સમય મુજબ સાવધાન થઈ જવાની જરૂર છે, જ્યારે જેન-ઝીના આંદોલનો પ્રસરી રહ્યા હોય, ખેડૂતો નારાજ હોય, નોકરિયાતો નારાજ હોય, ભાવવધારો, ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી પીડાતી પ્રજામાં અસંતોષનો ચરૂ ઉકળી રહ્યો હોય, આંદોલનોની વણઝાર નીકળી રહી હોય અને આ સ્થિતિ વધુને વધુ વકરી રહી હોય, ત્યારે જીદ, ઘમંડ કે નિંભરતા (ચૂપકીદી) તેમાં વધારો જ કરે છે, અને લોકતંત્રમાં આ સ્થિતિ સર્જાય, ત્યારે તખ્તાપલટ થવામાં વાર નથી લાગતી તેવા ઘણાં દૃષ્ટાંતો દેશો-દુનિયામાં મોજુદ છે, ત્યારે પોલિટિકલ સિસ્ટમને ચેતવા જેવું છે... 'સમય વર્તે સાવધાન...'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh