Advertisement
Author: નોબત સમાચાર

બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટર પેઢીના દસ ચાલુ કામ કરવા દેવાનો ઠરાવ અંતે પસારઃ 'સેટીંગને સફળતા'

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં

જામનગર તા. ર૪: જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિ.પં. પ્રમુખ મૈયબેન ગરસરના અધ્યક્ષસ્થાને ડીડીઓ તથા અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ગુજરાત સરકારે જૂનાગઢની સ્વસ્તિક કન્સ્ટ્રક્શન નામની કોન્ટ્રાક્ટર પેઢીને બ્લેક લિસ્ટેડ કરી હોવા છતાં આ જ એજન્સીને જામનગર જિલ્લા પંચાયત હસ્તકના તેના કામો કરવા દેવાનો ઠરાવ કરવાના મુદ્દે સત્તાધારી પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે ભારે તડાફડી થઈ હતી અને અંતે સત્તાધારી પક્ષે રજૂ કરેલો ચાલુ કામ પૂર્ણ કરવા દેવાનો ઠરાવ બહુમતિના જોરે પસાર થયો હતો.

આજની સભામાં એજન્ડાના સામાન્ય મુદ્દાઓને બહાલી આપ્યા પછી ખાસ ઉપસ્થિત રહેલા કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ બ્લેક લિસ્ટેડ કંપનીના કામો ચાલુ કરવા દેવાનો મુદ્દો ઊઠાવ્યો હતો. જેમાં સત્તાધારી પક્ષના ભરત બોરસદિયાએ દલીલો સાથે સમર્થન આપી જણાવ્યું હતું કે રસ્તા સાવ બિસ્માર થઈ ગયા છે. ત્યારે આ એજન્સીના જે કામો ચાલુ છે તે સમયમર્યાદામાં અને સારી ગુણવત્તાના થાય તે માટે તેને મંજુરી આપવાનો ઠરાવ કરવો જોઈએ. જો આ એજન્સીના કામો રદ કરીને રીટેન્ડરીંગ જેવી પ્રક્રિયા થાય તો વિલંબ થાય. તેમજ કોર્ટ મેટર થાય તો ઘણો લાંબો સમય નીકળી જાય, આ સ્થિતિમાં બિસ્માર માર્ગોના કામ ઝડપથી પૂર્ણ કરવા માટેનો હેતું છે. આ બન્ને નેતાઓએ સ્વીકાર્યું કે કોન્ટ્રાક્ટર પેઢીના માણસો દ્વારા જિ.પં.ના ઈજનેર પર હુમલો કરવાની ઘટના નિંદનીય છે અને નબળા કામ અંગે પગલાં લેવા જ જોઈએ તેમજ ત્રણ વર્ષ માટે કોઈ નવો કોન્ટ્રાક્ટર ન આપવો જોઈએ, પણ અત્યારે વિવિધ ગ્રામ્ય વિસ્તારના લોકોને બિસ્માર માર્ગો અંગે પડી રહેલી હાલાકીને ધ્યાને લઈને આ એજન્સીને કામો પૂરા કરી દેવા જોઈએ.

તેની સામે વિપક્ષના સભ્ય કૌશલભાઈ છૈયાએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે સરકારના આદેશનું ચૂસ્ત પાલન કરવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે રાજ્ય સરકારમાં તા. ર/૯ અને ૧૧/૯ ના લખેલા પત્રોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો નિર્ણય આવવા દ્યો... જે નિર્ણય આવે તે મુજબ કાર્યવાહી થવી જોઈએ. આ મુદ્દાને વિપક્ષના સભ્ય જે.પી. મારવિયાએ પણ સમર્થન આપી જણાવ્યું હતું કે જે કામ ર૦૧૬-૧૭ થી અધુરા છે તે કામ હજુ પૂર્ણ થયું નથી. કામો નબળા થયા છે. જે અંગે પગલાં શા માટે નથી લેવાયા?

આ સભામાં અંતે આ કોન્ટ્રાક્ટર પેઢીને જામનગર જિલ્લામાં અંદાજે ૬પ કરોડના કામો આપવામાં આવ્યા છે. તેમાં વર્ક ઓર્ડર આપ્યા પછી માત્ર જે કામો હાલ ચાલુ છે તેને પૂરા કરવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અર્થાત્ આ બ્લેક લિસ્ટેડ પેઢીને મળેલા વર્ક ઓર્ડરના લગભગ આઠેક જેટલા કામો જે હજુ શરૂ જ થયા નથી તે કામ કરવા નહીં દેવાય.

અંતે ભારે ગરમાગરમ ચર્ચા પછી આ પેઢીને હાલ જે દસ કામો ચાલુ છે તે વહેલી તકે પૂર્ણ કરવા દેવાનો ઠરાવ બહુમતિથી પસાર કરી દેવાયો હતો.

જો કે, આ ઠરાવને રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે અને ત્યાંથી જે પ્રમાણે દિશાનિર્દેશ મળશે ત્યારપછી જ તેનો અમલ થઈ શકશે તેવી વિગતો પણ જાણવા મળી છે.

છૈયાનો ધડાકો

આ સભામાં કૌશલ છૈયાએ જણાવ્યું હતું કે ભરત બોરસદિયાએ મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો છે તેમાં એવછો ઉલ્લેખ કર્યો છે કે છૈયાની વ્યક્તિગત બદલાની ભાવનાના કારણે થયું છે. તેમણે તો ભરત બોરસદિયાની વાતચીતના રેકોર્ડીંગ જાહેર કરવાની વાત કરતા સભાગૃહમાં થોડીવાર સન્નાટો ફેલાઈ ગયો હતો. છૈયાએ તો ત્યાં સુધી જણાવ્યું કે સત્તાધારી પક્ષ શા માટે એજન્સીની આટલી ફેવર કરે છે?

સરકારના આદેશ સામે

જિ.પં. બોર્ડનો ઠરાવ

જિ.પં.ની બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, સભ્ય ભરતભાઈ બોરસદિયા તથા લખધીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ પ્રકરણમાં બ્લેક લિસ્ટેડ કંપની અંગે નિર્ણય કરવાની સત્તા અપણને અર્થાત્ જિ.પં. બોર્ડને છે અને તેથી આપણે જ નિર્ણય કરવાનો છે. રાજ્ય સરકારના આદેશના અર્થઘટન અધિારીઓએ અલગ-અલગ ભલે કર્યા હોય, પણ મેઘજીભાઈ ચાવડાના જણાવ્યા પ્રમાણે રાજ્યના મંત્રીએ ખુદે એવું સૂચન કર્યું હતું કે જિ.પં. બોર્ડમાં યોગ્ય નિર્ણય કરો. અમારે અમારા વિસ્તારમાં લોકો સમક્ષ જઈ ન શકીએ તેટલી હદે આ ખરાબ થઈ ગયા છે. તેથી અમે ઝડપથી કામ પૂરૂ કરવા માટે આગ્રહ રાખી રહ્યા છીએ.

સેટીંગને અંતે સફળતા

ધ્રોળ તાલુકાના ઈંટાળા ગામે બનેલી ઘટનાના પગલે રાજ્ય સરકારે જે કોન્ટ્રાક્ટર પેઢીને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટેડ કરી, તે સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપનીને જામનગર જિલ્લા પંચાયત હસ્તકના કામો પૂર્ણ કરાવી દેવા માટે જિ.પં.ના વગદાર સભ્યો દ્વારા ભારે દોડધામ અને પત્રવ્યવહાર સુધીના પ્રયાસો થયા હતાં. આ અંગે ચર્ચાઈ રહેલી વિગતો પ્રમાણે આ એજન્સીના કામ ચાલુ રાખવા દેવા માટે આ બે-ત્રણ સભ્યો સાથે મોટી રકમના સેટીંગ થયા છે અને અંતે આ સેટીંગને સફળતા મળી છે. જે પ્રમાણે છેલ્લે છેલ્લે તો જિલ્લા ભાજપ સંગઠનની નેતાગીરીએ પણ સમજાવટ માટે મહત્ત્વનો રોલ ભજવ્યો હોવાનું જાણવા મળે છે, જો કે આ પ્રકારના ઠરાવથી જિ.પં.ના કેટલાક ઉચ્ચ ઈજનેરો અને અધિકારીઓ નારાજ પણ થયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh