Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ. બંગાળ અને ઓડિશાના દરિયામાં કરંટઃ બન્ને રાજ્યોમાં હાઈએલર્ટઃ ૧૦ લાખનું સ્થળાંતરઃ ટ્રેનો-ફ્લાઈટો રદ્: એનડીઆરએફ તૈનાત
નવી દિલ્હી તા. ર૪: 'દાના' વાવાઝોડું પ. બંગાળ અને ઓડિશાની નજીક સરકી રહ્યું છે અને તેની અસરના કારણે ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. પ. બંગાળ અને ઓડિશાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. બન્ને રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકારના સંકલનથી તકેદારીના તમામ કદમ ઊઠાવાયા છે અને લાખો લોકોનું સ્થળાંતર કરાયું છે. બન્ને રાજ્યો હાઈએલર્ટ પર છે. એનડીઆરએફની ટીમો તૈનાત છે. આર્મીને પણ સાથે રખાઈ છે.
બંગાળની ખાડીમાંથી ઊઠેલું ચક્રવાતી તોફાન 'દાના' ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે, જેની અસરના ભાગરૂપે પૂરઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વરસાદ વરસી રહ્યો છે. દીઘા બીચ સહિત ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે.
ચક્રવાત દાનાની અસર સૌથી વધારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જોવા મળશે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું ચક્રવાતી આ વાવાઝોડું 'દાના' ૧૮ કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઓડિશાના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ઓડિશાના ભદ્રકમાં આજે સવારથી વરસાદ શરૂ થયો છે, તેમજ ઘણાં વિસ્તારમાં તો પૂરઝડપે પવન શરૂ થઈ ગયો છે.
વાવાઝોડાની ગંભીરતાને પગલે ભદ્રકમાં લોકોને આશ્રય સ્થાનમાં ખસેડવામાં આવ્યું છે. ભદ્રકમાં ચક્રવાતી તોફાન 'દાના'ને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા રહેવાસીઓને જાગૃત કરવા માટે જાહેરાત કરવામાં આવી રહી છે. મહત્ત્વનું છે કે ચક્રવાતી તોફાન દાના ર૪-રપ ઓક્ટોબર વચ્ચે ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા પહેલેથી જ જણાવાઈ હતી.
મોડેથી મળતી માહિતી મુજબ ઉત્તર પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડી પર ગંભીર ચક્રવાતી વાવાઝોડું 'દાના' છેલ્લા ૬ કલાક દરમિયાન ૧ર કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે ર૪ ઓક્ટોબર સવારે ૮-૩૦ વાગ્યે આઈએસટી બંગાળની ખાડીની ઉત્તર પશ્ચિમ પર, અક્ષાંશ ૧૮.૯ નોર્થ અને રેખાંશ ૮૮.૦ ઈસ્ટ નજીક, પારાદીપ (ઓડિશા) થી લગભગ ર૧૦ કિ.મી. દક્ષિણ-પૂર્વમાં, ધામરા (ઓડિશા) ના ર૪૦ કિ.મી. દક્ષિણ-પૂર્વ અને સાગર ટાપુ (પશ્ચિમ બંગાળ) થી ૩૧૦ કિ.મી. દક્ષિણે કેન્દ્રિત છે.
આ ચક્રવાત હાલ ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે ર૪ ઓક્ટોબરની મધ્યરાત્રિએ અને રપ ઓક્ટોબર, ર૦ર૪ ની સવાર સુધી ૧૧૦-૧ર૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઈને ઓડિશાના પુરી અને સાગર ટાપુઓ પર ત્રાટકે તેવી શક્યતા છે, જે પુરી અને સાગર દ્વીપ વચ્ચે ભીતરકનિકા અને ધામરાની પાસે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટને પાર કરે તેવી તીવ્ર સંભાવના છે.
આ વાવાઝોડું કુલ પ રાજ્યોને પ્રભાવિત કરશે તેમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે ઓડિશાની અડધી વસતિ પ્રભાવિત થવાનો ભય છે. વાવાઝોડાના આગમનને કારણે લોકોમાં ભારે ભયનો માહોલ છે. વાવાઝોડાના લીધે પ૦૦ થી વધુ ટ્રેનો રદ્ અને અનેક ફ્લાઈટો કેન્સલ કરવામાં આવી છે.
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રાજ્ય સરકારની તૈયારીઓની સમીક્ષા કરી. સમીક્ષા કર્યા પછી તેમણે કહ્યું કે, ઓળખાયેલા 'ડેન્જર ઝોન'માં રહેતા માત્ર ૩૦ ટકા લોકો અથવા લગભગ ૩-૪ લાખ લોકોને બહાર કાઢી શકાયા હતાં. તમામ જોખમી વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા ગુરુવારે સવારે પણ ચાલુ રહેશે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત દાના શુક્રવારે સવારે ભીતરકણિકા નેશનલ પાર્ક અને ધામરા બંદર વચ્ચે લેન્ડફોલ કરી શકે છે, જો કે ર૪મી ઓક્ટોબરની રાતથી જ ચક્રવાત દાના આગમનની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઓડિશા અને બંગાળના ઘણાં જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.
સરકારે કટોકટીનો સામનો કરવા માટે એનડીઆરએફ અને ફાયર કર્મીઓની ર૮૮ ટીમો તૈનાત કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર સુરેશ પૂજારીએ કહ્યું કે સંવેદનશીલ જિલ્લાઓમાં ૩,૦૦૦ થી વધુ ગામોની ઓળખ કરવામાં આવી છે. જ્યાંથી લગભગ ૧૦.૬૦ લાખ લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સિવાય લગભગ ૬,૦૦૦ રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે.
આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે લેન્ડફોલ પ્રક્રિયા દરમિયાન મહત્તમ ઝડપ ૧ર૦ કિ.મી. પ્રતિકલાકની આસપાસ રહેવાની શક્યતા છે. તેથી લેન્ડફોલના સમય દરમિયાન ભારે વરસાદ, પવન અને વાવાઝોડાની વૃદ્ધિ ટોચ પર રહેશે. જે ર૪ ઓક્ટોબરની રાત્રિથી રપ ઓક્ટોબરની સવારની વચ્ચે છે. આ માટેઆર્મીને પણ સતર્ક રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial