Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરણી બોટ દુર્ઘટના પછી અરજી થયા બાદ સરકારે કર્યો ઠરાવઃ મંજુરીનો માર્ગ ખુલ્યો
ગાંધીનગર તા. ર૪: હરણીકાંડ દુર્ઘટના પછી જાગેલી રાજ્ય સરકારે શાળા પ્રવાસ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં હવે ચૂસ્ત શરતોને આધિન રહીને શાળા પ્રવાસની મંજુરી મળશે.
ગુજરાતના વડોદરામાં શાળા તરફથી પ્રવાસ લઈ ગયેલાં અનેક બાળકો હરણી બોટકાંડમાં મોતને ભેટ્યા હતાં. જેને લઈને સરકાર દ્વારા તમામ શાળાઓને બાળકોને પ્રવાસ લઈ જવાની મંજૂરી આપવાની બંધ કરી દીધી હતી. આ સાથે આદેશ કરવામાં આવ્યો હતો કે, નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી કોઈપણ શાળાએ પ્રયાસનું આયોજન કરવું નહીં.
હવે દિવાળીનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે અને દિવાળી બાદ શાળામાં બાળકોને સર્વાંગી શિક્ષણના ભાગરૂપે પ્રવાસ યોજાતો હોય છે, ત્યારે શિક્ષણ વિભાગને પ્રવાસ માટે અનેક શાળામાંથી મંજુરી માટેની અરજી કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈ શિક્ષણ વિભાગે એક ગાઈડલાઈન બનાવી રાજ્ય સરકારને મોકલી હતી. જેમાં જરૂરી સુધારા-વધારા કરી મંજૂરી આપવામાં આવી છે.
હવે શાળામાંથી બાળકોને પ્રવાસ લઈ જવા માટે જાહેર કરવામાં આવેલી આ નવી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શાળામાં બાળકોને પ્રવાસ લઈ જવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
નવી ગાઈડલાઈન મુજબ રાજ્યની તમામ સરકારી-અનુદાનિત, ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસના આયોજનમાં આગ, અકસ્માત કે અન્ય અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ-શિક્ષકોની સંપૂર્ણ સલામતી તેમજ સુરક્ષા જળવાઈ તેમ માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિતની સમિતિની રચના કરી તથા સ્થળ સંબંધિત રૂટ, જોખમો, પ્રવાસના લાભાલાભ વગેરે વિસ્તૃત ચર્ચા કરવાની રહેશે.
જો શાળાનો પ્રવાસ રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી-જિલ્લા, પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારીની મંજુરી લેવાની રહેશે., જો શાળાનો પ્રવાસ રાજ્યની બહારનો હોય તો કમિશનર, નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરીની મંજુરી લેવાની રહેશે. જો શાળાનો પ્રવાસ વિદેશનો હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય પાસેથી મંજુરી લેવાની રહેશે.
પ્રવાસનું વાહન નક્કી કરતી વખતે સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (આરટીઓ) દ્વારા આપેલી પરમીટ મુજબની સંખ્યા પ્રમાણે જ આયોજન કરવાનું રહેશે. પ્રવાસમાં ઉપયોગમાં લેવાતા વાહનમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ હોવી જોઈએ, તેમજ વાહનમાં આરટીઓ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલા રજીસ્ટ્રેશન કાર્ડ, પરમીટ, ડ્રાઈવરનું માન્ય લાઈસન્સ, વીમો વગેરેની નકલની અગાઉથી ચકાસણી કરાવવાની રહેશે. આ સાથે જ વાહનમાં ફાયર સેફટીના સાધન પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. તેમજ સ્ટાફને પ્રવાસ માટે ફાયર સેફટીના સાધનના ઉપયોગની તાલીમ આપવાની રહેશે.
શાળાએ પ્રવાસ શરૂ થવાના ૧પ દિવસ પહેલાં જે-તે વિભાગને અને ગાંધીનગરને સાધનિક તમામ વિગત સાથે જાણ કરવાની રહેશે. તેમજ સમગ્ર પ્રવાસના ડે ટુ ડે કાર્યક્રમની જાણ કરવાની રહેશે. આ સિવાય શાળાએ જવાબદાર અનુભવી વ્યક્તિની પ્રવાસના કન્વીનર તરીકે નિમણૂક કરવાની રહેશે. આ સિવાય શાળાએ દર ૧પ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક પ્રવાસમાં જોડાય તેવું આયોજન કરવાનું રહેશે. તેમજ વિદ્યાર્થીઓએ પ્રવાસ દરમિયાન શું કરવું અને શું ન કરવું સમજાવા માટે ગોષ્ઠી બેઠક કરવાની રહેશે.
આ નવી ગાઈડલાઈનને આધીન રહીને જ મંજુરીઓ મળશે. આ ગાઈડલાઈન વાલીઓ અને વિદ્યાર્થીઓ અવશ્ય વાંચે અને નોંધ રાખે તેવી અપીલ પણ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial