Advertisement
Author: નોબત સમાચાર

હડિયાણા કન્યાશાળામાં ઉજવાયો બેગ લેસ-ડે

વિવિધ કચેરીઓ-યોજનાઓ-કૌશલ્યધારકો અંગે માહિતી મેળવી

જામનગર તા. ૨૪: હડિયાણા કન્યા શાળામાં 'બેગ લેસ ડે' અન્વયે વિદ્યાર્થિનીઓએ વિવિધ કચેરીની કામગીરી વિશે માહિતી મેળવી હતી.

રાજ્ય સરકારના આદેશાનુસાર વર્ષ ર૦ર૪-રપ દરમિયાન શાળામાં 'પ્રિ વોકેશનલ એજ્યુકેશન એક્ટિવિટી'ના ભાગરૂપે રાજ્યની શાળાઓમાં ૧૦ દિવસ 'એગ લેસ ડે'ની ઉજવણી કરી વિવિધ કાર્યક્રમો યોજવાના રહે છે. જે અન્વયે શ્રી હડિયાણા કન્યા શાળાના આચાર્ય અરવિંદ મકવાણાના માર્ગદર્શન હેઠળ સેકન્ડ બેગ લેસ ડે નિમિત્તે હડિયાણા કન્યા શાળામાં પ્રત્યક્ષ શિક્ષણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હડિયાણા અને આસપાસ આવેલા પ્રાચીન, ઐતિહાસિક તથા મહત્ત્વના સ્થળો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ, કારીગરો વગેરેની શાળાની વિદ્યાર્થિનીઓ માટે શૈક્ષણિક મુલાકાત રાખવામાં આવી હતી.

શાળાની વિદ્યાર્થિનીઓએ સ્થાનિક કારીગરો જેવા કે કુંભાર, લુહાર, સુથાર, દરજી, પશુપાલકો, ખેડૂતો વગેરેની પ્રત્યક્ષ મુલાકાત લઈ અને આ કારીગરો દ્વારા વાપરવામાં આવતા વિવિધ ઓજારોની સમજ મેળવી હતી તથા તેમની કામની પદ્ધતિઓ અંગે પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો, તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત, ઈ ગ્રામ સેન્ટર, દૂધ સહકારી મંડળી, કિસાન મોલ, સેવા સહકારી મંડળી વગેરેની પ્રત્યક્ષ મુલાકાત લઈને તેમની કામગીરીની પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી.

આ ઉપરાંત હડિયાણા ગામની નજીક આવેલ પ્રાચીન અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની પણ મુલાકાત લઈ તેનો ઈતિહાસ જાણ્યો હતો. હડિયાણા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ વિદ્યાર્થિનીઓ દ્વારા મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની વિગતવાર માહિતી મેળવી હતી અને રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંગે પણ સમજ કેળવી હતી.

તે પછી પોસ્ટ ઓફિસની પ્રત્યક્ષ મુલાકાત લઈને પોસ્ટ ઓફિસની પદ્ધતિઓનો ખ્યાલ મેળવ્યો હતો. પોસ્ટ ઓફિસમાં બચત ખાતું કઈ રીતે ખોલવું, આપણા ખાતામાંથી પૈસા કઈ રીતે ઉપાડવા, કઈ રીતે જમા કરવા, ટપાલ કઈ રીતે પોસ્ટ કરવી, ટપાલ ટિકિટો, મનીઓર્ડર કઈ રીતે મોકલવું, સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે વિગતવાર માહિતી મેળવી હતી, તેમજ હડિયાણા ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈ રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયો, રેશનકાર્ડ અંગે વિગતવાર માહિતી બાળકોએ મેળવી હતી.

આમ ભાર વિનાના ભણતરને સાર્થક કરતો પ્રત્યક્ષ શિક્ષણ આપતી, નવીન અભિગમ કેળવણી અને શૈક્ષણિક મુલાકાતનો કાર્યક્રમ જોડિયા તાલુકા વહીવટી તંત્ર અને હડિયાણા કન્યા શાળા પરિવારના સંકલનથી ખૂબ સારી રીતે સંપન્ન બન્યો હતો, તેમ હડિયાણા કન્યા શાળાના આચાર્યએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh