Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ડ્રગ્સની બદી પર કોંગ્રેસનો પ્રહાર... શું છે નવો પાયલોટ પ્રોજેક્ટ...?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ અઢી વર્ષ જેટલી વાર છે, પરંતુ કોંગ્રેસે અત્યારથી જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી હોય તેમ જણાય છે. ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય સંમેલન યોજ્યા પછી પ્રદેશ કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે અને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મળતા દિશા નિર્દેશો મુજબ સંગઠનમાં ફેરફારોની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ગઈ હોય, તેમ જણાય છે.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના બીજા રાઉન્ડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મૂળમાંથી જ ફેરફાર કરવાનો કોઈ પાઈલોટ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતમાંથી શરૂ થશે અને અરવલ્લી જિલ્લામાં આ સૂચિત પ્રોજેક્ટ સફળ થાય, તો આખા રાજ્યમાં તેને લાગુ કરવાનું કોંગ્રેસ હાઈકમાન્ડનું પ્લાનીંગ હોવાની ચર્ચા ગઈકાલથી જ પ્રેસ મીડિયામાં થઈ રહી છે.

એવું કહેવાય છે કે, ગુજરાતમાં ચૂંટણીની ટિકિટો આપવાની સત્તા પ્રદેશકક્ષાની નેતાગીરીના બદલે જિલ્લા કોંગ્રેસને સોંપવાની રણનીતિ કોંગ્રેસ અપનાવશે, અથવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વિશ્વાસમાં લઈને જ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ટિકિટો ફાળવાય, તેવું માળખું રચાશે.

ટૂંકમાં કોંગ્રેસ સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને આંતરિક જૂથવાદ અને ખેંચતાણની પ્રદેશકક્ષાની જૂની સમસ્યાને ખતમ કરવા માંગે છે અને આ રીતે કોંગ્રેસની કાયાપલટ કરીને વર્ષ-ર૦ર૭ માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પડકારવાની તૈયારી થઈ રડી હોય, તેવું ચિત્ર ઉપસે છે.

આ તમામ કવાયત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં પોતાના સંબોધન દરમિયાન ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલી એ ચેલેન્જના સંદર્ભે થઈ રહી હોય તેમ જણાય છે, જેમાં રાહુલ ગાંધીએ વર્ષ-ર૦ર૭ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવીને રાજ્યમાં કોંગ્રેસનું શાસન સ્થાપવાનો પડકાર ફેંક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના હોમ સ્ટેટમાં જ ભાજપને પડકારીને કોંગ્રેસમાં દેશવ્યાપી જુસ્સો વધારવાની રણનીતિ હેઠળ કોંગ્રેસ હવે મહત્તમ લક્ષ્ય ગુજરાત પર જ કેન્દ્રીત કરશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે, ત્યારે ભારતીય જનતા પક્ષે પણ હવે ઓવર કોન્ફિડન્સમાં રહેવાના બદલે પાર્ટીમાં ઘૂસી ગયેલા જૂથવાદ અને આંતરિક અસંતોષ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે, અને ટોપ-ટુ-બોટમ વ્યાપેલા કથિત ભ્રષ્ટાચારને કંટ્રોલમાં લેવો પડશે, તેવું તટસ્થ વિશ્લેષકો માને છે.

લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતાપક્ષમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યા પછી તેનું ગ્રુપ હવે કોંગ્રેસ તરફ ઝૂકશે કે આમઆદમી પાર્ટી સાથે ગઠબંધન કરશે, તેવી અટકળો વચ્ચે એવું કહેવાય છે કે, મહેશભાઈ વસાવા તેના પિતા છોટુભાઈ વસાવા સાથે મળીને ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી) ને વધુ મજબૂત બનાવશે. આમઆદમી પાર્ટી વિસાવદર વિધાનસભાની પેટાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના કેટલાક અસંતુષ્ટોને આમઆદમી પાર્ટીમાં ખેંચીને બુનિયાદ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે, તેવી પણ ચર્ચા છે, ત્યારે રાહુલ ગાંધીનો આ પ્રવાસ ઘણો જ મહત્ત્વપૂર્ણ બનવાનો છે.

ગુજરાતમાં ડ્રગ્સની બદીનો મુદ્દો કોંગ્રેસ જોરશોરથી ઉઠાવશે અને રાહુલ ગાંધી પણ આ મુદ્દો રાષ્ટ્રીય કક્ષાએ લઈ જશે, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો. મનિષ દોશીએ સણસણતા આક્ષેપો કરતા કહ્યું છે કે, ગુજરાતમાં છાશવારે પકડાતા ડ્રગ્સના જથ્થાનો ઉલ્લેખ કરીને રાજ્ય સરકારનો ગૃહ વિભાગ ભલે પોતાની પીઠ થાબડે કે વાહવાહી મેળવે, પરંતુ હકીકત એ છે કે ડ્રગ્સ પકડાય ત્યારે માત્ર નાની-નાની માછલીઓ જ પકડાય છે, અને મોટા મગરમચ્છો પકડાતા નથી, તેથી જ ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો ફાલ્યોફૂલ્યો છે. સીબીઆઈ-ઈડી જેવી રાષ્ટ્રીય એજન્સીઓનો રાજકીય રીતે દુરઉપયોગ કરવાના બદલે જો સરકારે ડીઆઈઆર, નાર્કોટિક્સ જેવી સંસ્થાઓનો સરકારે યોગ્ય ઉપયોગ કર્યો હોત તો યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સનું ગુજરાત એ.પી. સેન્ટર બન્યુ જ ન હોત. વાસ્તવમાં તો સરકાર ડ્રગ્સના નેટવર્કને ભેદવામાં જ નિષ્ફળ ગઈ છે.

પોરબંદર પાસે પકડાયેલા અબજો રૂપિયાની કિંમતના ત્રણ ક્વિન્ટલ જેટલા ડ્રગ્સને લઈને કોંગ્રેસે ટીકા કરી, તેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતની પોલીસે કેન્દ્રીય સંકલન સાથે ઘણાં દિવસો સુધી સતત મહેનત કરીને પાકિસ્તાન પ્રેરિત ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કર્યો છે અને અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે, તેની શાબાશી આપવાના બદલે તેની ટીકા કરતા કોંગ્રેસવાળા શું ડ્રગ્સ પકડવા ગયા હતાં...? આ પ્રશ્નનો જવાબ આપતા કોંગ્રેસના પ્રવક્તા વળતો પ્રહાર કરી રહ્યાં છે અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે સવાલ એ ઉઠે છે કે, આટલું મોટું જોખમ વેઠીને ગુજરાત તરફ આટલો મોટો ડ્રગ્સનો જથ્થો મોકલાતો હોય, તો તે ક્યાંક તો વપરાતો હશે ને...? કેરિયરોને પકડ્યા પછી જો તેનો ભારતમાં વેપલો કરતા પરિબળો ન પકડાય, તો તે નિષ્ફળતા જ ગણાય ને...?

હકીકતે ગુજરાતમાં ફેલાતી જતી ડ્રગ્સની આ સંભવિત જીવલેણ બદી સામે સમાજે પણ જાગવાની જરૂર છે, અને યુવા પેઢીને આ ખતરનાક આદતથી બચાવવા જાગૃતિની જરૂર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh