Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ૧૨૩ ટીમો દ્વારા સર્વેની કામગીરીઃ ઘરવખરી સહિતની નુકશાનીમાં કેશડોલ્સની ચૂકવણી શરૂ

પ્રભારીમંત્રી દ્વારા અતિવૃષ્ટિ પછીની સ્થિતિ અંગે સમિક્ષા બેઠક યોજાઈઃ

જામનગર જિલ્લાના પ્રભારી અને કેબિનેટમંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં અતિવૃષ્ટિ બાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મંત્રીશ્રીએ વિવિધ વિભાગ દ્વારા હાલ થઈ રહેલ કામગીરીની માહિતી મેળવી હતી.

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અંગેનો સર્વે કરવા માટે હાલ ૧૨૩ ટીમો કાર્યરત છે. જે પૈકી શહેરી વિસ્તારમાં ૩૯ ટીમો દ્વારા અસરગ્રસ્ત વોર્ડમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. જામજોધપુર અને લાલપુરમાં લોકોને ઘરવખરીની નુકશાનીના વળતર રૂપે કેશડોલ્સ ચૂકવી દેવામાં આવી છે. ધ્રોલ તાલુકામાં એક માનવ મૃત્યુના કિસ્સામાં તેના પરિજનોને રૂ. ૪લાખની સહાયનો ચેક ચૂકવી દેવામાં આવ્યો છે. અન્ય મૃતકોના પરિવારજનોને સહાયની કામગીરી ચાલુ છે.

ભારે વરસાદની સાથે પવનના લીધે જિલ્લામાં ૧૭૨૯ જેટલા વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા હતા. પીજીવીસીએલની ૭૭ ટીમોની જહેમતથી અત્યારે તમામ ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. વાડી વિસ્તારમાં કામગીરી ચાલુ  છે. તેમજ જે કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં પાણી ઘૂસી ગયા છે ત્યાં પાણી ઓસર્યા બાદ વીજ રિપેરિંગની કામગીરી ચાલુ કરવામાં આવશે.

જામનગર જિલ્લામાં ૬ જગ્યાએ પાણીની પાઈપલાઈનમાં નુકશાની થઈ છે જે કામગીરી ચાલુ છે. અંદાજે બે દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે.પંચાયત અને સિંચાઈ વિભાગ હસ્તકના ૨૬ ડેમો વધુમાં વધુ ૧૫ સેમી જેટલા ઓવરફ્લો છે.પાણીના પ્રવાહના પરિણામે ૯ ચેકડેમો અને તળાવોમાં નુકશાની થઈ છે.

માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના જે રસ્તાઓમાં નુકશાની થઈ છે ત્યાં પેચવર્કની કામગીરી કરી દેવામાં આવી છે. જ્યારે પંચાયત હસ્તકના ૪૧૬ રસ્તાઓ પૈકી ૪૮ રસ્તાઓ ઓવર ટોપિંગ અને સ્ટ્રક્ચર ડેમેજના લીધે બંધ હતા જેમાંથી ૩૩ રસ્તાઓ શરૂ થઈ ગયા છે.

જામનગર જિલ્લામાં ૮૪ પશુપાલકોના ૬૧૪ પશુઓનું મૃત્યુ થયુ છે જેમાં ૨૭૮ ઘેટા, ૩૨૦ બકરાં, ૯ ગાય સંવર્ગના અને ૭ ભેશોના મૃત્યુ નિપજ્યા છે. જેમાંથી ધ્રોલ તાલુકામાં જેમના પશુના મૃત્યુ નીપજ્યા છે તેઓને ૧,૯૬,૦૦૦ની સહાય ચૂકવી દેવામાં આવી છે.

ભારે વરસાદના પરિણામે સૌથી વધુ નુકશાન કપાસના પાકમાં થયું છે. અને ૩૮૮ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોના ખેતરોમાં નુકશાન થયું છે. જેની સર્વેની કામગીરી ચાલુ છે. આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની તેમજ ૨૧૦ ટીમો દ્વારા હોમ ટુ હોમ કામગીરી કરવામાં આવી રહી છે. જીએસઆરટીસીના ૧૬ રૂટ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બંધ હોવાના લીધે બંધ છે.

મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ટીમ જામનગર દ્વારા કુદરતી આફત દરમિયાન પણ યુદ્ધના ધોરણે જે કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે જામનગરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંતોષ વ્યક્ત કર્યો હતો.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોનું તાત્કાલિક સર્વે કરી સરકારના ધારાધોરણો મુજબ સહાય ચૂકવવામાં આવે જેથી કરીને કપરી પરિસ્થિતીમાં લોકોને આર્થિક ટેકો મળી રહે. કલેક્ટરશ્રી બી.કે. પંડ્યાએ મંત્રીને જણાવ્યું હતું કે હાલ જામનગરના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેમજ આરોગ્ય અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપીને જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે.  

આ બેઠકમાં કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ લગત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh