Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝીરો કેઝયુલીટીની જાહેરાઅત કરનાર તંત્રને પાંચ મૃત્યુની જાણ નથી !
જામનગર તા. ૨: સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે રીતસરનો કહેર વરસાવ્યો છે. જેને લઈને ઠેર-ઠેર ખાનાખરાબી સર્જાઈ છે. આ વેરી વરસાદને લઈને જામનગર જિલ્લામાં પણ ખૂબ નુકસાન થયું છે. માત્ર પાક જ નહી, ખેડૂતોના ખેતરો ધોવાયા છે. ઘરવખરી પાણીમાં તણાઈ છે, તો અનેક પશુઓના મૃત્યુ પણ થયા છે. આવી વિપત્તની ઘડીમાં જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને પત્ર લખી તંત્રની પોલ ખોલી છે. હેમંત ખવાએ પત્રમાં મુખ્યમંત્રીને જણાવ્યું છે કે, જામનગર અને હાલારના લોકોની ખેવના કરી અને આ૫ે આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી, આ નિર્ણય આવકારદાયક બાબત છે, પરંતુ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હાલની પરિસ્થિતિથી વાકેફ કરવા માંગું છું.
જામનગર જિલ્લામાં શૂન્ય જાનહાની જાહેર કરનાર તંત્રની હકીકત એ છે કે, જામનગર જિલ્લામાં પાણીના પ્રવાહમાં તણાવા કે ડૂબવાથી કુલ પાંચ મૃત્યુ થયા છે અને હજુ પણ બે લોકો લાપત્તા છે. જેને શોધવામાં તંત્ર અત્યાર સુધી નિષ્ફળ નીવડ્યું છે. મારા મત વિસ્તારના જામજોધપુર તાલુકાના જીણાવારી ગામનો યુવાન ગત્ તા. ર૭-૮-ર૦ર૪ ના નદીના પ્રવાહમાં તણાયો હતો. જેનો મૃતદેહ તા. ૩૦-૮-ર૦ર૪ ના ચાર દિવસ પછી મળ્યો. જે અંગે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા શોધખોળ કે બચાવકાર્યમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જે ભાજપની કહેવાતી કામ કરતી સરકારમાં ખૂબ જ દુઃખદ બાબત છે.
બેદરકાર તંત્રની વરવી વાસ્તવિકતા પણ છે કે, આંધી, તોફાન અને અતિવૃષ્ટિની આ કારમી સ્થિતિમાં જામનગર જિલ્લાના સાપર ગામમાં અંદાજે ૩પ જેટલા લોકો ૩૬ કલાક ફસાયેલા રહ્યાં હતાં. જ્યાં સુધી પહોંચવામાં તંત્રનો પન્નો ટૂંકો પડ્યો હતો અને જીવનમરણ વચ્ચે આ લોકોએ ૩૬ કલાક સુધી પાણીમં ગરકાવ રહેવું પડ્યું હતું.
પ્રિ-મોન્સુનની મોટી-મોટી વાતો અને બિલ બનાવવામાં માહિર તંત્રના રાજમાં જામનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ૪ દિવસથી વીજ પુરવઠો ખોરવાય ગયો હતો. જામજોધપુર-લાલપુર તાલુકામાં કુલ ૧૫૩ પૈકીના ૫૫ જેટલા ગામડાઓમાં જ્યોતીગ્રામનો વીજ પુરવઠો ખોરવાય ગયો હતો. જેમાંથી ૩૬ કલાક બાદ માત્ર ૪૫ જેટલા ગામોમાં જ વીજ પુરવઠો પુનઃકાર્યરત થઈ શક્યો છે. જે પણ ગંભીર બાબત છે. કરૂણતા તો એ વાતની છે કે, ખેતીવાડીના મોટાભાગના ફીડરો હજુ બંધ જ છે. પીજીવીસીએલ દ્વારા ખરા અર્થમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી હોત તો કદાચ વરસાદ બંધ થયા પછી ગણતરીના સમયમાં જ આપણે વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી શક્યા હોત. સમયસર વીજ વાયરો ન બદલવાના કારણે ખેડૂતોને ક્યારેય ૮ કલાક અવિરત વીજ પુરવઠો મળતો નથી. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરવાવાથી તેઓની ઘરવખરી નાશ પામી છે. જે વાત જગજાહેર છે, છતાં દુઃખની વાત તો એ છે કે, તંત્ર દ્વારા હજુ સુધી કેશ ડોલ કે અન્ય કોઈ સહાય આપવામાં આવી નથી.
જામનગરની મુલાકાત દરમિયાન સમગ્ર સ્થિતિથી વાકેફ થવા માટે જો વિપક્ષના ધારાસભ્યને પણ બોલાવવામાં આવ્યા હોય તો સમગ્ર પરિસ્થિતિ અને સ્પષ્ટ જાણકારી મળી શકત. તાત્કાલિક સર્વેની કાર્યવાહી કરાવી અસરગ્રસ્ત લોકો ખેડૂતો અને પશુપાલકોને યોગ્ય સહાય મળી રહે તે માટે યોગ્ય સૂચના અપાવવા રજૂઆત છે. અન્યથા બિપરજોય સમયની હાલતનું પુનરાવર્તન થશે. જે-તે વખતે પદાધિકારીઓએ વાહવાહી લૂંટી લીધા પછી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેના ધારાધોરણો મુજબ હજુ સુધી સહાય પણ ચૂકવવામાં આવી નથી. લાલપુર તાલુકામાં માત્ર ૭ વ્યક્તિ અને જામજોધપુરમાં માત્ર ૪૪ વ્યક્તિને નુકસાનીની સહાય મળી હતી, જે બાબત પણ રેકર્ડ ઉપર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial