Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારની હાલાકીનું તો વર્ણન જ કરવું કઠણઃ વચગાળાના લમશમ સહાયની ઊઠી માગણી
ગુજરાતમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિનો ભોગ બનેલા લોકોને સમયોચિત મદદ કરવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોવાનો સણસણતો આક્ષેપ કરીને કોંગ્રેસે ગુજરાતમાં સરકાર સામે મોરચો ખોલ્યો, તેના ઘેરા પ્રત્યાઘાતો પબ્લિકમાં પણ પડી રહ્યા છે.
અધુરામાં પૂરૃં કચ્છમાં ભૂકંપના ત્રણ ઝટકા આવ્યા પછી લોકોમાં ગભરાટ ફેલાયો હતો, કારણ કે ભારે વરસાદની તારાજી પછી ભૂકંપના ઝટકા આવતા લોકો તો દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ ઊભી થાય.
દ્વારકા જિલ્લામાં પણ ખેતી બરબાદ થઈ હોવાથી લોકોને તત્કાળ સહાયની જરૂર છે અને ખેડૂતોને તત્કાળ વળતર નહીં ચૂકવાય તો લોકો વધુ મુશ્કેલીમાં મૂકાશે. આ જ પ્રકારની સ્થિતિ સમગ્ર હાલારમાં છે, ત્યારે કેન્દ્ર સરકારે રચેલી કમિટી ક્યારે હાલાર અને સૌરાષ્ટ્રની મુલાકાત લઈને કેવો રિપોર્ટ સરકારને સોંપે છે, તેની રાહ જોવાઈ રહી છે. તે દરમિયાન વચગાળાની લમશમ સહાય/વળતર ચૂકવવાના સૂચનો પણ થઈ રહ્યા છે. લોકો કહે છે કે, સહાય અને વળતર માટે સર્વે થાય, રિપોર્ટ સોંપાય, સરકાર નિર્ણય લ્યે, ત્યાં સુધી રાહ જોવાના બદલે હાલતુરત અમુક ટકા અંદાજીત લમશમ સહાય ચૂકવાય, તો તે લોકોને રાહતરૂપ થશે, અને અમર્યાદિત ગણાશે.
ગુજરાતમાં ભારે વરસાદ અને પૂર પછી થયેલી ખાનાખરાબીને લઈને કોંગ્રેસે પણ રાજ્ય સરકાર પર તડાપીટ બોલાવી છે અને તત્કાળ સર્વે કરાવીને લોકોને સહાયભૂત થવાની માગણી ઊઠાવી છે, તો હાલાર અને વડોદરા માટે તો કોંગ્રેસે રાજ્ય સરકારને આડે હાથ લઈને તીખા તમતમતા પ્રહારો કર્યા છે. જેનો ભાજપના નેતાઓ લૂલો બચાવ કરી રહેલા જણાય છે.
હાલારની હાલાકી તો વર્ણવી જ કઠીન છે. માર્ગો, પુલો, જાહેર સેવાઓના સ્થળો તૂટી-ફૂટી જતા લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે, તો ઠેર-ઠેર ગંદકી અને જલભરાવથી લોકો ખૂબ જ પરેશાન છે, જો કે મનપાએ શહેરમાં મોબાઈલ દવાખાનાની વ્યવસ્થા કરીને એક ઉપયોગી પહેલ જરૂર કરી છે, પરંતુ ગટરો ભરાઈ જતા અને વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં જલભરાવની ઘણી સમસ્યાઓ છે. ઓખામાં તો જલભરાવની સમસ્યાને લઈને મહિલાઓએ મોરચો ખોલ્યો હતો, તો તંત્રની તિક્કડમબાજી સામે જામનગરમાં મહિલા નગરસેવિકાએ રાબેતામુજબ ધરણાં કરવા પડ્યા હતાં.
ઓખા હોય કે ખંભાળિયા, રાવલ, જામનગર હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત, કચ્છ હોય કે સૌરાષ્ટ્ર, લગભગ તમામ સ્થળો લોકોમાં જનાક્રોશ છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા કોંગી નેતા અમિત ચાવડાએ કરેલા ગંભીર આક્ષેપો ચર્ચામાં છે.
રાવલના હનુમાનધાર વિસ્તારમાં પણ હજારો લોકોની વસતિ હોવાથી ત્યાં દવાખાનું કે સામૂહિક આરોગ્ય કેન્દ્રની બ્રાન્ચ ખોલવાની માગણી ઊઠી રહી છે. બીજી તરફ તણાઈ ગયેલા જીઆરડી યુવાનના પાર્થિવ દેહ ઝાડી-ઝાંખરામાંથી મળ્યો હોવાના અહેવાલો પછી કરૂણ દૃશ્યો સર્જાયા. આ બધાને કુદરતી આફત ગણાવી કે પછી!?
વડોદરામાં પૂર કુદરતી નહીં પણ કૃત્રિમ છે અને તેના માટે જવાબદાર સરકાર જ છે, તેવા પ્રકારનું નિવેદન કરીને કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા, ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ સરકાર પર તીખા તમતમતા આરોપો લગાવીને તેમણે કહ્યું કે, વડોદરાનું પૂર સરકાર સર્જીત છે, અને રાહત-બચાવ માટે લોકોએ પોતે જ ઝઝુંમવું પડ્યું. લોકોને રૂ. ૬૦ અને રૂ. ૧૦૦ જેવી મામુલી સહાય ચૂકવીને સરકારે પૂરપીડિતોની હાંસી ઊડાવી હોવાનું જણાવી તેમણે નુક્સાનીનો ઝડપી અને વાસ્તવિક સર્વે કરાવીને ઝડપભેર રાહત-સહાય પેકેજ જાહેર કરવાની માગણી પણ ઊઠાવી છે.
વડોદરામાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન હોવા છતાં વિશ્વામિત્રી નદીના કિનારે ઝોન ફેરફાર કરીને ગેરકાયદે બાંધકામો હટાવાયા નથી, અને તે ગેરકાયદે બાંધકામો માટે ભાજપના નેતાઓ તથા મળતિયાઓ જ જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ લગાવી તેમણે ઊંડી તપાસની માગણી પણ કરી. તેમણે પૂરગ્રસ્ત પરિવારદીઠ ઓછામાં ઓછા રૂ. ૧૦ હજારની સહાય ચૂકવવા પણ માગણી કરી, અને ૧૩ મૃતકોના પરિવારોને વડોદરામાં રપ લાખ લેખે સહાય ચૂકવવાની માગણી કરી તેમણે ઝોનફેરના કેસો લડવા કાનૂની ખર્ચ ઊઠાવવાની જાહેરાત પણ કરી અને કેસો કોંગ્રેસ લડશે, તેવી વાત કરી તેમણે વડોદરા મ્યુનિસિપાલિટીના જવાબદાર અધિકારી-કર્મચારીઓને જેલભેગા કરવાની માગણી ઊઠાવી સ્થાનિક ભાજપની નેતાગીરીને પણ બરાબર ઝાટકી છે. હવે શું થાય છે તે જોઈએ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial