Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે ર૧૧ તાલુકામાં ૬ ઈંચ સુધી વરસાદ થયા પછી આજે પણ મેઘમહેર યથાવત્:
અમદાવાદ તા. ૧: ગઈકાલથી જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને આજે પણ ઠેર-ઠેર ધોધમાર વરસાદના અહેવાલો આવી રહ્યા છે, તો નદી-તળાવો-ચેકડેમો-જળાશયોમાં નવા નીર આવ્યા છે. કેટલાક સ્થળે રસ્તાઓ-પુલિયાઓ તૂટી ગયા છે, તો ઘણાં ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલથી સાર્વત્રિક મેઘમહેર થતા સૌના હૈયે ટાઢક થઈ છે. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં આભ ફાટ્યું હોય તેમ ૧૦ ઈંચ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત વિસાવદરમાં પણ ૭ ઈંચ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ જિલ્લામાં મોડી રાત્રિથી મેઘો મંડાયો છે અને તેમાં માણાવદર પંથકમાં આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. માણાવદર તાલુકામાં રાત્રિના બે વાગ્યાથી મેઘાએ મંડાણ કર્યા છે અને થાક્યા વગર સતત વરસી રહ્યા હોવાથી માણાવદર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાેયેલ છે. રાત્રિના બે વાગ્યાથી છ વાવ્યા સુધીમાં માણાવદરમાં ર૧૦ મી.મી. એટલે કે આઠ ઈંચ કરતા વધારે પાણી પડ્યાનું નોંધાયું હતું. આ પછી પણ આજે બીજા દિવસે માણાવદર વિસ્તારમાં વરસાદ ચાલુ હોવાથી સવારના ૬ થી ૮ દરમિયાન વધુ ૩પ મી.મી. વરસાદ થતા અત્યાર સુધીમાં એટલે કે રાત્રિના બે વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધીમાં ૧૦ ઈંચ કરવા વધારે વરસાદ થયો છે જેના પરિણામે જનજીવનને ભારે અસર થઈ છે.
માણાવદર તાલુકામાં મોડી રાત્રિથી મેઘો મંડાયો હોય, નદી-નાળાઓમાં પૂર આવ્યા છે. સવારે પૂરા થયેલા ર૪ કલાક દરમિયાન વંથલી તાલુકામાં ૧પ૪ મી.મી., વિસાવદરમાં ૧૦૩ મી.મી., મેંદડરામાં ૧ર૮ મી.મી., કેશોદમાં ૭૦ મી.મી., માંગરોળમાં ૩૦ મી.મી. અને માળિયાહાટીના તાલુકામાં પપ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ પછી પણ આજે સવારે સતત બીજા દિવસે પણ જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ મૂકામ કર્યો હોય સવારના ૬ થી ૮ દરમિયાન માણાવદર વિસ્તારમાં ૩પ મી.મી., વંથલીમાં પ૪ મી.મી., ભેસાણમાં ૧પ મી.મી., વિસાવદર તાલુકામાં ૭૭ મી.મી., મેંદરડામાં ર૭ મી.મી., કેશોદ પંથકમાં ર૬ મી.મી., માંગરોળમાં ર૯ અને માળિયાહાટીના તાલુકામાં રર મી.મી. વરસાદ નોંધાયો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા દોઢ ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે ગ્રામ્ય પંથકમાં પણ ઝરમરથી લઈ અડધાથી એક ઈંચ વરસાદ પડ્યો છે. ગોહિલવાડ પંથકમાં મેઘરાજા ધીમીધારે વરસાદ વરસાવી રહ્યા છે. શહેર અને સમગ્ર જિલ્લામાં ધીમીધારે અડધાથી એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
આજે સોમવારે સવારે ૬ કલાકે પૂરા થતાં છેલ્લા ર૪ કલાક દરમિયાન વલ્લભીપુરમાં ૪૩, મી.મી., ઉમરાળામાં ૪૧ મી.મી., ભાવનગરમાં ૯ મી.મી., ઘોઘામાં ર૧ મી.મી., સિહોરમાં ૧૭ મી.મી., ગારિયાધારમાં ૧૦ મી.મી., પાલીતાણામાં ૧પ મી.મી., તળાજામાં ર૭ મી.મી., મહુવામાં ૩૪ મી.મી. તથા જેસરમાં ર મી.મી. વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે. ગત્ મોડી રાત્રિથી જ શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. ગિરનાર પર્વત ઉપર હજુ પણ ધોધમાર વરસાદ શરૂ છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદને ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાયા હતાં. આ પાણીમાં ગાડી ફસાયાની ઘટના સામે આવી હતી. ગાડીને બહાર કાઢવા ફયારબ્રિગેડ અને પોલીસની મદદ લેવામાં આવી હતી.
ભારે વરસાદને પગલે જૂનાગઢ-વંથલીના રસ્તા પર એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રસ્તાની વચ્ચે ઝાડ પડતા થોડા સમય માટે વાહનચાલકોને થોડી મુશ્કેલી સર્જાઈ હતી, પરંતુ ફાયર વિભાગ દ્વારા ઝાડને રોડ પરથી દૂર કરી લેવામાં આવતા વાહનવ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.
કેશોદ પંથકમાં મોડી રાત્રિ દરમિયાન ધીમી ધારે ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, અને સવારથી પણ વરસાદના ઝાપટા ચાલુ છે. કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી શેરીઓમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. આ સાથે ઘેડ પંથકની જીવાદોરી સમાન ઓઝત નદીમાં પણ નવા નીરની શરૂઆત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
સતત વરસી રહેલા વરસાદના લીધે ગામડાઓના પંચાયત હસ્તકના રસ્તાઓ તૂટી ગયા હોવાથી વાહન વ્યવહાર પર અસર પડી છે, તો બીજી તરફ વરસાદના કારણે ૩૮ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાયો છે.
દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસું જામ્યું છે. મેઘરાજાએ ૬ ઈંચ સુધીની આક્રમક બેટીંગ કરતા જળબંબાકારની સ્થિતિ ઊભી થતા જનજીવનને અસર પહોંચી હતી. બીજી તરફ ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે. સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થવા સાથે ૩૯ સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતાં. નવસારી જિલ્લામાં બે મકાન તૂટી પડવાની ઘટના બની હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial