Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલાર પર મેઘાનું હેતઃ ખેડૂતો ખુશઃ જળાશયોમાં નવા નીરઃ વાવણી શરૃઃ પરિવહનને અસરઃ નગરમાં મેઘો મંડાતા ઠંડક
જામનગર તા. ૧: સમગ્ર હાલાર પંથકમાં સાર્વત્રિક મેઘમહેર થવા પામતા ઘણાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં અડધા ઈંચથી સાત ઈંચ જેટલો સારો વરસાદ થયો છે. સૌથી વધુ ફરી એક વખત ખંભાળિયામાં સાત ઈંચ પાણી વરસી જતા નગરમાં ચોતરફ પાણી નજરે પડ્યા હતાં. સારા વરસાદથી ચેકડેમો, તળાવોમાં નવા પાણીની ભરપૂર આવક થવા પામી છે. આ ઉપરાંત અમુક ગામડામાં પણ પાંચથી સાત ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ વરસાદી માહોલ જળવાયો છે અને વધુ વરસાદ થવાની શક્યતા દર્શાવાઈ છે.
સમગ્ર હાલાર પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારો અને વરસાદી માહોલ જળવાયો હતો, પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નહતાં. આખરે ગઈકાલથી સાર્વત્રિક મેઘ મહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો સારા વરસાદથી તળાવ, ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ છે.
જામનગર જિલ્લામાં શનિવારે બપોરે ધ્રોળમાં ધોધમાર બે ઈંચ વરસાદ થયો હતો. એ સિવાય જામનગર, જોડિયા, કાલાવડ અને જામજોધપુર પંથકમાં હળવા ઝાપટા જ વરસ્યા હતાં.
આ પછી ગઈકાલે રવિવારે જોડિયામાં ૩ર મી.મી. અને જામજોધપુરમાં ર૯ મી.મી. વરસાદ થયો હતો, તો જામનગર શહેરમાં રવિવારે માત્ર ઝરમર સ્વરૂપે હાજરી પૂરાવી હતી, પરંતુ આજે સવારે મેઘરાજાએ ગતિ પકડી હતી અને બે કલાકમાં ૩ર મી.મી. પાણી વરસી જતા જામનગરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. સૌથી વધુ કાલાવડમાં આજે ૭પ મી.મી.થી વધુ વરસાદ થતા સમગ્ર તાલુકો પાણી પાણી થઈ ગયો હતો.
શનિવાર બપોરે ૧ર વાગ્યાથી સોમવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં જામનગરમાં ૩૮ મી.મી., જોડિયામાં ૪ર મી.મી., ધ્રોળમાં ૭પ મી.મી., કાલાવડમાં ૧૦૦ મી.મી., લાલપુરમાં ૩૧ મી.મી. અને જામજોધપુરમાં ૬૭ મી.મી. વરસાદ વરસ્યો છે, તો જામનગર જિલ્લાના અમુક ગામડામાં શનિવાર અને રવિવારે સારો વરસાદ થયો હોવાના વાવડ છે.
શનિવારે મોટી બાણુંગારમાં ૧૮ મી.મી., ફલ્લામાં રર મી.મી., હડિયાણામાં ૧ર મી.મી., બાલંભામાં ૧પ મી.મી., પીઠડમાં ર૪ મી.મી., નિકાવામાં ૧૦ મી.મી., ખરેડીમાં ૧૦ મી.મી., મોટા પાંચદેવડામાં ૧૬ મી.મી., સમાણામાં ૧ર મી.મી., ધુનડામાં ૧૮ મી.મી. અને ધ્રાફાામાં રપ મી.મી. વરસાદ થયો છે.
તો રવિવારે દિવસ દરમિયાન વસઈમાં ૯ મી.મી., ફલ્લામાં ૧૪ મી.મી., મોટી ભલસાણમાં ૩૦ મી.મી., હડિયાણામાં ૧૦ મી.મી., બાલંભામાં ૪ર મી.મી., પીઠડમાં ૪૦ મી.મી., જાલિયાદેવાણીમાં ૧૦ મી.મી., લૈયારામાં ર૪ મી.મી., ચરેડીમાં ૧૭ મી.મી., મોટા વડાળામાં ૪પ મી.મી., ભલસાણ બેરાજામાં ૬પ મી.મી., નવાગામમાં ૭પ મી.મી., મોટા પાંચ દેવડામાં પપ મી.મી., સમાણામાં ૧૧૦ મી.મી., શેઠવડાળામાં ૧ર૦ મી.મી., જામવાડીમાં ૬ર મી.મી., વાંસજાળિયામાં ૮૦ મી.મી., ધુનડામાં ર૬ મી.મી., ધ્રાફામાં ૮૦ મી.મી., પરડવામાં ૮૦ મી.મી., પીપરટોડામાં ૩પ મી.મી., પડાણામાં ર૦ મી.મી., ભાણવડમાં ૧૯ મી.મી., મોટા ખડબામાં ર૦ મી.મી., મોડપરમાં ર૩ મી.મી. વરસાદ નોંધાયો છે.
સડોદરના અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે, સડોદરમાં પાંચેક ઈંચ વરસાદ થતા સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા છે. પરિણામે નજીકના વિસ્તારમાં આવેલ નાના કદના અનેક ડેમ છલકાયા છે, તેમજ વાહનવ્યવહારને પણ અસર થવાપામી છે. સાન વડાલી, હંસસ્થળ મહાદેવ મંદિર, ઘોડી પાંચ, ખોડિયાર, મહાદેવિયા, આથમણા, પીપરવાડી સહિતના વિસ્તારમાં સારો વરસાદ થયો છે.
ફલ્લાના અમારા પ્રતિનિધિનો સંદેશ જણાવે છે કે, ગઈકાલે એકાદ ઈંચ વરસાદ થયો હતો, જ્યારે ફલ્લામાં મોસમનો કુલ ચાર ઈંચ વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકામાં ખૂબ જ સારો વરસાદ થયો છે.
આજે સવારે પૂરા થતાં ર૪ કલાકમાં ભાણવડમાં દોઢ ઈંચ, ખંભાળિયામાં સાત ઈંચ, દ્વારકામાં સાડાછ ઈંચ અને કલ્યાણપુરમાં ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં મોસમનો કુલ ર૩ ઈંચ વરસાદ થયો છે, જ્યારે દ્વારકામાં ૯, કલ્યાણપુરમાં ૮, ભાણવડમાં છ ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સારા વરસાદના કારણે ગ્રામ્ય પંથકમાં અનેક તળાવ, ચેકડેમમાં ભરપુર પાણીની આવક થવા પામી છે. કનુભાઈ કણઝારિયાએ વરસાદની કરેલ આગાહી સંપૂર્ણ સાચી પડી છે. હવે તા. ૯ થી ૧૧ જુલાઈ દરમિયાન પાંચ-સાત ઈંચ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જીવીજે હાઈસ્કૂલ પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા વાહનવ્યવહારને અસર થવા પામી હતી. ફાયરબ્રિગેડ સ્ટાફે ઝાડને કાપીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
અનેક ગ્રામ્ય પંથકમાં વૃક્ષો, વાયરો તૂટી પડવાના બનાવ બન્યા છે, તો ક્યાંક વીજળી પણ ગુલ થઈ હતી. ભાણવડ સિવાયના દ્વારકા, કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં પાંચથી સાત ઈંચ વરસાદ થતા ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. અનેક નદીમાં પૂર સાથે ઝરણા વહેતા થયા છે.
કલ્યાણપુરના વિરપુર, મેવાસા, આસોટા, ખંભાળિયા તાલુકાના બેરાજા, ઝકાસિયા, નાના આસોટા સહિતના ગામોમાં ગઈકાલે ૪ થી પ ઈંચ વરસાદ થયો હતો, અને ખેતરો બેટમાં ફેરવાયા હતાં, તો પટેલકા, કલ્યાણપુર પંથકમાં અનેક ચેકડેમો છલકાયા છે. કલ્યાણપુરના ગઢડા રોડ આઠેક વર્ષથી બિસ્માર હોવાથી વાહનચાલકોની હાલત કફોડી બની હતી.
દ્વારકામાં અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે, ગત્ રાતથી આજે સવાર સુધીમાં સાતેક ઈંચ વરસાદ થયો છે. સતત વરસેલા મેઘરાજાએ પાણી સમસ્યા હળવી કરી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનો અને યાત્રિકો ગેલમાં આવી ગયા છે.
સારા વરસાદના કારણે આજે સવારે દ્વારકાધીશ મંદિરના શિખરે ધ્વજાજી આરોહણમાં, શોભાયાત્રામાં મુશ્કેલી પડતા યાત્રિકોએ ચાલુ વરસાદે ધ્વજા રોહણ કર્યું હતું.
સમુદ્ર કિનારે આવેલ સમુદ્ર નારાયણ મંદિર, ગોમતી માતાજી મંદિર અને મહા પ્રભુજી બેઠક અને હરિકુંડમાં પાણી ફરી વળતા સેવાક્રમ આગળ પાછળ થયો છે.
વરસાદના કારણે દ્વારકાધીશ મંદિર, ભડકેશ્વર, રૂકમણી મંદિર અને દર્શનીય સ્થળે યાત્રિકો પહોંચી શક્યા ન હતાં. ભદ્રકાલીથી ત્રણબત્તી સુધીમાં પોશ વિસ્તારમાં પાણી ભરાયા હતાં. મુશ્કેલી અનુભવાઈ હતી, પરંતુ પ્રી-મોન્સુન કામગીરીના કારણે પાણીનો નિકાલ થઈ રહ્યો છે. આજે સવારે પૂરા થતાં ર૪ કલાકમાં ૧૪૯ મી.મી. વરસાદ નોંધાયો છે, તો મોસમનો કુલ સાડાનવ ઈંચ વરસાદ થયો છે.
ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદના વાવડ છે. જેના કારણે ખેડૂતો ખુશ ખુશાલ છે. ઉપરાંત જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.
સલાયાના અમારા પ્રતિનિધિનો સંદેશ જણાવે છે કે, રાત્રે શરૂઆતમાં ઝરમર વરસ્યા પછી મોડી રાત્રે જોરદાર વરસાદ શરૂ થયો હતો અને સવાર સુધીમાં અઢી ઈંચ પાણી વરસ્યું હતું, વાતાવરણ ઠંડુ થતા લોકોએ રાહત અનુભવી છે. જળાશયોમાં પાણી આવ્યા છે. ખેડૂતોએ વાવણી શરૂ કરી છે, જો કે વીજ પુરવઠો યથાવત્ જળાવઈ રહેતા લોકોને રાહત મળી છે. આમ એકંદરે સમગ્ર હાલાર પંથકમાં સારા વરસાદથી લોકો-ખેડૂતો હરખાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial