Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ ગામોમાં બાળ વાટિકા, આંગણવાડી, ધો. ૧ અને ધો. ૯ માં બાળકોને પ્રવેશ અપાવીને
જામનગર તા. ૧: જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં કરસનપર, મોટી ગોપ અને ઝીણાવારી ગામમાં મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી.
સમગ્ર રાજ્યમાં તારીખ ૨૬ જૂનથી આગામી તારીખ ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક ભૂલકાઓ આજના દિવસે શિક્ષણ તરફ તેમની પ્રથમ પા પા પગલી માંડવા જઈ રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.
જામજોધપુર તાલુકામાં આવેલ ઝીણાવારી પ્રાથમિક શાળા, કરસનપર પ્રાથમિક શાળા, મોટી ગોપ પ્રાથમિક શાળા અને મોટી ગોપ માધ્યમિક શાળા ખાતે કેબિનેટ મંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને આંગણવાડી, બાળ વાટિકા, પહેલા ધોરણમાં અને નવમા ધોરણમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતી વેળાએ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ''તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી. વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હૈયે એક એક બાળકના ભવિષ્યની શુભકામના વસેલી છે. જામનગર જિલ્લામાં આવેલી તમામ શાળાઓ એ પ્લસ કેટેગરીમાં સ્થાન મેળવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો ચાલુ છે. આપણી આવતીકાલ સુધારવા માટે આજનો આ શિક્ષણ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.''
તેમણે આગળ જણાવ્યું હતું કે, ''મુખ્યમંત્રીના માર્ગદર્શન તળે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્ક્લોરશીપ યોજના, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને આવી અનેકવિધ યોજનાઓ ગુજરાતના બાળકો માટે અમલમાં મુકવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'એક વૃક્ષ માં કે નામ' ની સર્વે ભારતવાસીઓને અપીલ કરી છે. તેથી જામનગર જિલ્લાની તમામ સરકારી શાળાઓના આંગણામાં બાળકો, શિક્ષક ગણ અને ગામના આગેવાનો સર્વે સાથે મળીને ૫ વૃક્ષનું વાવેતર કરે તે વર્તમાન સમયની આવશ્યકતા છે.''
ત્રણેય શાળાઓમાં મળીને કુલ ૨૨૦ બાળકો જેમાં બાળ વાટિકામાં ૫૪ બાળકો, આંગણવાડીમાં ૮૨ બાળકો, પહેલા ધોરણમાં ૬૨ બાળકો અને નવમા ધોરણમાં ૨૨ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે બાળકોને શૈક્ષણિક કીટ, સાહિત્ય વિતરણ, તેજસ્વી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઈનામ વિતરણ અને સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જામજોધપુર એ.પી.એમ.સી. ના સહયોગથી કાર્યક્રમમાં લાભાર્થી તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.
મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. મહેમાનોને પુસ્તક અર્પણ કરીને તેમનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. નાના ભુલકાઓએ બાળગીતો પર સુંદર પ્રસ્તુતિ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ શિક્ષણ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. મહાનુભાવોના હસ્તે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ઉકત કાર્યક્રમમાં વાસમો યુનિટ મેનેજર સુશ્રી ભાવિકાબા જાડેજા, જામજોધપુર મામલતદારશ્રી વાઘેલા, જામનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન નેશનલ પાર્ક પ્રતિક જોશી, જામજોધપુર તાલુકા પંચાયતના સભ્યો, અન્ય પદાધિકારીગણ, શાળાના આચાર્યો, શાળાના શિક્ષક ગણ, ભૂલકાઓ, આંગણવાડીના કર્મચારીગણ, જામજોધપુર એ.પી.એમ.સી. ના હોદ્દેદારો, વિવિધ ગામના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial