Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં માર્ગોની દુર્દશા, રોગચાળો અને બદહાલી છતાં નગરજનો ચૂપ... શાસકો મસ્ત!

બીજા જિલ્લાઓમાં ભારે વરસાદ પછી આ પ્રકારની સ્થિતિમાં પ્રજા વિફરી અને નેતાઓ ઉભી પૂંછડીએ ભાગ્યા, પણ નગરની પ્રજા સહનશીલ

જામનગર તા. ૧૦: જામનગર શહેરના અત્યંત બિસ્માર માર્ગો વચચે પણ જામનગરના લોકો એકપણ હરફ વિચાર્ય વગર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, તે જામનગરની શાંત અને અત્યંત સહનશીલ હોવાની પ્રતીતિ કરાવે છે.

ગુજરાત રાજ્યમાં લગભગ તમામ મહાનગરો, નગરોમાં રસ્તાઓમાં મસમોટા ગાબડા પડ્યા છે. ધોરીમાર્ગો તૂટી ગયા છે તેમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ તેમજ અન્ય નાના શહેરોમાં ત્યાંના નગરજનો બિસ્માર માર્ગોના પ્રશ્ને અને ખાડાઓમાં ભરાયેલા પાણીના પ્રશ્ને અત્યંત આક્રમક બન્યા છે. આ શહેરોમાં તો કોર્પોરેટરથી લઈ ધારાસભ્યો, સંસદસભ્ય કે અન્ય કોઈ રાજકીય નેતાઓને તેમના વિસ્તારમાં આવવા ઉપર પ્રતિબંધ ફરમાવતા બેનરો લગાડી દીધા છે. અનેક કિસ્સાઓમાં લોકોએ કોર્પોરેટર સહિતના રાજકીય, ચૂંટાયેલા નેતાઓનો હુરિયો બોલાવી તેમના વિસ્તારમાંથી તગડી મુક્યા હતાં, તો કેટલાક કિસ્સામાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયેલા નેતાને ઉભી પૂંછડીયે ભાગવું પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ હતી.

પણ... આ તો આપણું જામનગર અને જામનગરીઓ... એકપણ વ્યક્તિ તંત્ર વિરૂદ્ધ, સરકાર વિરૂદ્ધ, સત્તાધારી પક્ષ વિરૂદ્ધ, ભાજપના ચૂંટાયેલા ધારાભ્યો કે સંસદસભ્ય વિરૂદ્ધ એકપણ શબ્દ બોલતા નથી... અથવા બીજા શબ્દોમાં સહન કરીને પણ 'ડર' દબાવી રહ્યા છે.

જામનગરના લગભગ તમામ મુખ્ય માર્ગો, શેરી-ગલીઓના રસ્તાઓ તૂટી ગયા છે. ચારે તરફ ખાડાઓ જ નજરે પડે છે. આ ખાડાઓમાંથી પાણી સાફ કરવાની પણ દરકાર લેવાઈ નથી. પરિણામે રોગચાળો ફાટી નીકળ્યો છે. હોસ્પિટલો/દવાખાના ઉભરાઈ રહ્યા છે. ત્યાં ભીડમાં ધક્કે ચડનારા લોકોની સહનશક્તિને ખરેખર તો સો-સો સલામ કરવી જોઈએ! આવી બેફિકરાઈ ભરેલી સહનશક્તિ અથવા રાજકીય નેતાઓ પ્રત્યેના ડરના કારણે જામનગરમાં કોર્પોરેટરથી લઈને ધારાસભ્યો, સંસદસભ્ય, પ્રભારી, મંત્રી સહિતના નેતાઓને મોજ પડી ગઈ છે, અને બિન્દાસ્તપણે વિવિધ સ્થળે ખાડાઓમાંથી મોટર કાઢીને પણ મેળાવડાઓ, સમારોહ, કાર્યક્રમોમાં લોકોની વચ્ચે કોલર ઊંચા રાખી ભાષણો ઠોકી રહ્યા છે. સરકારની સિદ્ધિઓ જણાવી રહ્યા છે...

તેમાં વળી મનપા તંત્ર કે જેની ખાડા, સફાઈ અંગે સીધી જવાબદારી છે તે તંત્ર તો અખબારોમાં આટલા ટન કચરો ઉપાડ્યો, આટલા વિસ્તારોમાં રોગચાળાનો સર્વે કરાવ્યોની પ્રેસનોટો છપાવીને પોતાની નિષ્ફળતા, નિષ્ક્રિયતાનો લૂલો બચાવ કરે છે ત્યારે હાલની શહેરની સ્થિતિ જોતા આવા અહેવાલો હાસ્યાસ્પદ જ નહીં પણ ટીકાપાત્ર પણ બની રહ્યા છે.

રાજ્ય સરકારે તમામ મનપા, નગરપાલિકાઓને યુદ્ધના ધોરણે ખાડા પૂરવા, રસ્તાઓ રીપેર કરવાનો આદેશ આપ્યો છે, પણ જામનગરમાં આ બાબતમાં કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. ક્યાંક ખાડા પૂરવાની કામગીરી થઈ તો ત્યાં થૂંકના સાંધા જેવા પેચવર્ક થયા... જે માત્ર થોડાક કલાકોમાં ફરીથી ખાડામાં ફેરવાઈ ગયા. રીપેરીંગ અને ખાડા પૂરવાનું કામ માત્ર માટી કે નાની કાંકરી કે પથ્થરો વડે કરવામાં આવે છે. જામનગરના મનપા તંત્રની આ લેઈટેસ્ટ ટેકનિક છે! ('ખાડા પૂરો... ખીસ્સા ભરો').

જામનગર શહેરમાં પણ અન્ય શહેરોની માફક ખાડાઓના કારણે કમ્મરના દુઃખાવાના દર્દીઓની સંખ્યામાં બમ્પર વધારો થયો છે. તાવ, શરદી, મેલેરિયા, કોલેરા જેવા રોગચાળામાં હવે ખાડાની કૃપાથી કમ્મરના દર્દીઓ વધી રહ્યા છે.

જામનગરના ચૂંટાયેલા શાસક પક્ષના જન પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારમાં જાતે માથે ઊભા રહીને તાબડતોબ તમામ ખાડા સાફ કરાવી તેને વ્યવસ્થિતરીતે ડામર કામ કરીને પૂરવાની દરકાર લેવાની જરૂર છે. બાકી પક્ષના સદસ્યતા અભિયાન, સેવા પખવાડિયું જેવા કાર્યક્મો તો ચાલ્યા જ કરવાના છે. તેમાં બની ઠનીને ટાઈમસર હાજરી પૂરવા પહોંચી જનારાને પ્રજા વચ્ચે જવાનો સમય નથી!

જામનગર શહેરના રસ્તાઓ વારંવાર તૂટે છે. વરસાદની સિઝન હોય, તો પણ શહેરના માર્ગો માટે ક્યારે ય રાહત કે સંતોષ થાય તેવા કામ થયા નથી. અત્યંત નબળા કામોના કારણે અને મનપા તંત્રની મીઠી નજર હેઠળ લોટપાણીને લાકડા જેવા ખૂબ જ નબળી ગુણવત્તાના કામો થયા છે અને આવા કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે તેવી ચર્ચાને સમર્થન મળી રહ્યું છે.

જામનગરની જનતાએ પણ સત્તાધારીઓને તેમના મિજાજનો પરચો દેખાડવાનો સમય પાકી ગયો છે. ખાડા પૂરવા, રસ્તા રીપેર કરવાની કામગીરી સમગ્ર શહેરમાં યુદ્ધના ધોરણે કરવામાં આવે તે માટે સ્વયંભૂ લડત ચલાવવી પડશે. કારણ કે આપણા શહેરની નામચીન સેવાભાવી સંસ્થાઓ તો મોટે ભાગે ભાજપ સમર્થિત છે. તેથી આવી સંસ્થાના હોદ્દેદારો પાસેથી કોઈ આશા રાખી શકાય તેમ નથી!

બાકી તો જામનગરની પ્રજાએ ભલે અત્યારે સહનસીલતા દર્શાવી... પણ કોઈપણ ચૂંટણી આવે ત્યારે ખરાબ સ્થિતિમાં મોઢું નહીં દેખાડનાર કે પ્રજાને રાહત થાય તેવા કામો નહીં કરનારા આ 'સેવકો'ને ઘરભેગા કરવાનો નિર્ધાર તો કમ-સે-કમ કરવો જ પડશે. આ તો સત્તાના અહમ્માં અને પ્રજાની સહનશીલતા/ લાચારી/ડરનો પૂરેપૂરો ગેરલાભ ભાજપ ઊઠાવી રહ્યું હોય તેમ જણાય છે.

ડાલ ડાલ પર ઉલ્લુ બેઠા હૈ...

જામનગર શહેરની મધ્યમાં જ અંબર ચોકડીથી જુના રેલવે સ્ટેશન સુધીનો માત્ર ર૦૦-૩૦૦ મીટરનો રસ્તો 'ખોવાઈ' ગયો છે. આ માર્ગ ઉપરથી જામનગરના સન્માનિય ન્યાયમૂર્તિઓ, ખુદ એસપી તેમજ મનપાના પદાધિકારીઓ નીકળે છે. શહેરના એકાદ લાખ લોકોની અવજવર આ માર્ગ ઉપર છે. તેવા માર્ગની દુર્દશા ઘણાં દિવસોથી નગરજનો જોઈ રહ્યા છે અને પરેશાની ભોગવી રહ્યા છે.

તો શહેરના હાર્દસમા બેડીગેઈટ ચોક પાસેના રસ્તા પર ખાડા પડ્યા પછી તેમાં અહીં ખાડો છે તે દર્શાવવા ઝાડના ઠૂંઠા મૂકાયા... તો એક ચીરોડામાં આડેધડ પથ્થરો નાખી ખાડો પૂરી દેવાયો... જે આજે પણ જેમની તેમ સ્થિતિમાં છે!

આવા તો અસંખ્ય દૃષ્ટાંતો મનપા તંત્ર અને સત્તાધારી પક્ષની ઘોર બેદરકારી અને પ્રજા પ્રત્યેની અસંવેદના દર્શાવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh