Advertisement
Author: નોબત સમાચાર

ભાજપ શાસિત રાજ્યને મોટી ફાળવણી કરી પણ અન્ય રાજ્યને અન્યાયઃ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરીયા

કેન્દ્રીય અંદાજપત્ર અંગે પ્રતિભાવઃ

જામનગર તા. ૨૬: જામનગરના વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરીયાએ કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે આ બજેટમાં બિહાર, આંધ્રપ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યોને વધુ ફાળવણી કરી અન્ય રાજ્યોને અન્યાય કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય બજેટ ભાજપ સરકારનું નથી પરંતુ ભારત દેશનું છે. બજેટની નાણાકીય ફાળવણી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં સમતોલ અને તમામ વર્ગ, વિસ્તાર અને રાજ્યોને સરખી હિસ્સેદારીથી જાહેર થયેલ છે પરંતુ આ વખતે ભાજપની સરકારે પોતાની સત્તા ટકાવી રાખવા માટે બિહાર તેમજ આંધ્રપ્રદેશ અને ભાજપ શાસિત રાજ્યોની મોટી ફાળવણી કરી છે. બિહારને જંગી રકમની મદદ કરેલ છે. જેમાં ૨૬ હજાર કરોડ અને આંધ્રપ્રદેશને ૧૫ હજાર કરોડની વધારાની લ્હાણી કરી છે. જે ભાજપની સરકારે કેન્દ્રમાં સરકાર ટકાવી રાખવાનો પ્રયાસ જણાય છે અને ગુજરાત રાજ્યને બજેટમાં અન્યાય કરેલ છે.

કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ ગરીબોને ઘરની સુવિધા પૂરી પાડવા વધુ ૩ કરોડ ઘર બાંધવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તે ખૂબ જ આવકારદાયક છે પરંતુ સરકાર દ્વારા બાંધવામાં આવતા ઘરમાં નબળા બાંધકામ અને ભ્રષ્ટાચારને કારણે બાંધેલા મકાનમાં ૫૦% આવાસ નબળુ કામ હોવાથી કોઈ લાભાર્થી લેવા તૈયાર થતું નથી અને આવતા દિવસોમાં નબળા બાંધકામથી ગરીબોને જીવ ગુમાવવાનો ભય રહે છે. જેથી સરકાર પાકા અને ગુણવત્તાવાળા મકાનનું બાંધકામ કરે તે ખૂબ જરૂરી છે. બજેટમાં ખેડૂતો માટે ખાસ રાહત કે જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત બજેટમાં ગ્રામીણ વિકાસ અને કૃષિ ક્ષેત્ર માટે પૂરતી ફાળવણીનો અભાવ છે. જે દેશના મોટા ભાગના ખેડૂતો માટેની મહત્ત્વપૂર્ણ બાબત છે. આ ક્ષેત્રમાં યોગ્ય રોકાણ ન કરવાથી ગ્રામ્ય આર્થિકતાને નુકસાન થઈ શકે છે. અને ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ખરેખર ખેડૂતોને ખાતર, દવા, ઓજારો, ખેતીના સાધનો વિગેરે બાબતોને જીએસટીમાંથી મુક્ત કરવા જોઈએ.

કેન્દ્રીય બજેટમાં મોટી કંપનીને ફાયદો થાય તે રીતે કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યુટીમાં ધરખમ ઘટાડો કરી મોટી કંપની અને ઉદ્યોગપતિઓને લાભ અપાવેલ છે. જ્યારે મધ્યમવર્ગને ૧૬ લાખની આવક ઉપર ૩૦% ટેક્સ લગાવેલ છે જે નાના અને મધ્યમવર્ગના વેપારીને નુકસાનકર્તા જણાય છે.

કેન્દ્રીય બજેટની ફાળવણી જોતા બજેટ મુખ્ય આર્થિક પડકારોને ઉકેલવામાં નિષ્ફળ જાય તેવું લાગે છે અને રાજકીય વિચારશરણીથી તૈયાર કરેલ હોય તેવું લાગે છે. આમ એકંદરે કેન્દ્ર સરકારનું ખેડૂતો કે સામાન્ય પ્રજાને રાહત થાય તેવી કોઈ જોગવાઈ બજેટમાં જોવા મળેલ નથી અને મોંઘવારીમાં સતત વધારો થશે જે સ્પષ્ટ દેખાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh