Advertisement
Author: નોબત સમાચાર

એનસીડીસી તરફથી વર્ષ-ર૦ર૩-ર૪ માં ગુજરાતને રૂ. પ૮૭ કરોડની ફાળવણીઃ બે વર્ષમાં ૧૪૭૦%નો ઉછાળો

રાજયસભાના સભ્ય ૫રિમલભાઈ નથવાણીને સરકારનો જવાબ

નવી દિલ્હી તા. ર૬: ગુજરાતની સહકારી મંડળીઓને એનસીડીસીની નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં ૧૪૭૦% નો ઉછાળો નોંધાયો હોવાનું કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે રાજ્યસભાના સભ્ય પરિમલભાઈ નથવાણીને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.

નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં ૧૪૭૦% નો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સહકારી મંડળીઓ / સંઘોને એનસીડીસી દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક ૨૦૨૧-૨૨માં રૂ. ૩૭.૪૦ કરોડ હતો જે ૨૦૨૩-૨૪માં વધીને રૂ. ૫૮૬.૯૯ કરોડે પહોંચી ગયો છે.

નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ (એનસીડી) પોર્ટલ હેઠળ ઉપલબ્ધ ડેટા અનુસાર ગુજરાતમાં ૮૨,૧૪૩ નોંધાયેલી સહકારી મંડળીઓ છે. રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહે આ માહિતી પૂરી પાડી હતી.

સહકાર મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, એનસીડીસી તરફથી દેશભરની સહકારી મંડળીઓ/ ફેડરેશનને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે. એનસીડીસી તરફથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં આ સંસ્થાઓને કુલ રૂ. ૧,૩૪,૬૭૦.૯૦ની રકમ લોન તરીકે અને રૂ. ૧,૨૦૦.૦૪ કરોડની રકમ ગ્રાન્ટ તરીકે વિતરણ કરાઈ છે.

મંત્રીના નિવેદન અનુસાર, મંડળીઓને સદ્ધર બનાવવા, ભારત સરકારે રૂ. ૨,૫૧૬ કરોડના કુલ નાણાકીય ખર્ચે હાલ કાર્યરત મંડળીઓના કમ્પ્યૂટરાઈઝેશન માટેના એક પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે, જેના થકી દેશની તમામ કાર્યરત મંડળીઓ એક સમાન ઈઆરપી આધારિત રાષ્ટ્રીય સોફ્ટવેર સાથે જોડાઈ જશે, અને તેનું રાજ્ય સહકારી બેંકો (એસટીસીબી) અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (ડીસીસીબી)ના માધ્યમે નાબાર્ડ સાથે લિન્કિંગ થશે. આ પ્રોજેક્ટ હેઠળ ૩૦ રાજ્યો/ યુટીની કુલ ૬૭,૦૦૯ મંડળીઓને મંજૂર કરાઈ છે જ્યારે ૨૮ રાજ્યો/ યુટી દ્વારા હાર્ડવેર પણ ખરીદી લેવાયા છે. કુલ ૨૫,૬૭૪ મંડળીઓ ઈઆરપી સોફ્ટવેર સાથે જોડાઈ ચૂકી છે અને ૧૫,૨૦૭ મંડળીઓ લાઈવ થઈ ચૂકી છ ે, તેમ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું. આ નિવેદન મુજબ, ભારત સરકારનો રૂ. ૬૫૪.૨૨ કરોડની રકમનો હિસ્સો વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫માં ૨૯ રાજ્યો/યુટી વચ્ચે રિલિઝ કરી દેવાયો છે જેનો ઉપયોગ હાર્ડવેરની ખરીદી, ડિજિટાઈઝેશન અને સપોર્ટ સિસ્ટમ સ્થાપવા કરાશે.

શ્રી નથવાણી એ જાણવા માગતા હતા કે, દેશમાં કેટલી સહકારી મંડળીઓ નોંધાયેલી છે તેમજ સરકાર દ્વારા તેને અદ્યતન બનાવવા, પારદર્શિતા લાવવા, આધુનિકરણ, સ્પર્ધાત્મકતાની રચના અને ક્ષમતા નિર્માણ માટે શા પગલાં લેવાયા છે અને અલગ મંત્રાલયની સ્થાપના બાદ આ મંડળીઓને ક્ષમતા વિસ્તાર માટે સરકાર તરફથી કેટલી નાણાકીય સહાયતા પૂરી  પડાઈ છે.

સહકાર મંત્રીના નિવેદન અનુસાર, સહકાર મંત્રાલયની ૬ જુલાઈ, ૨૦૨૧ના રોજ સ્થાપના થઈ ત્યારથી તેણે સહકાર-એ-સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવા તેમજ દેશમાં સહકારી ચળવળને પ્રાથમિક સ્તરેથી વધુ ઊંડી અને મજબૂત બનાવીને સર્વોચ્ચ સ્તરે પહોંચાડવા સંખ્યાબંધ પહેલ આદરી છે. આ પહેલોમાં મંડળીઓને બહુહેતુક, બહુપરિમાણીય અને પારદર્શી સંસ્થા બનાવવા આદર્શ પેટા-કાનૂનોની રચના, કમ્પ્યૂટરાઈઝેશન દ્વારા મંડળીઓના સશક્તિકરણ, તેમજ નહીં આવરી લેવાયેલી પંચાયતોમાં નવી બહુહેતુક મંડળીઓ/ ડેરી/ માછીમારી સહકારી સંસ્થાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે.

મંત્રાલય દ્વારા સહકારી ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા વિકેન્દ્રિત અન્ન સંગ્રહ યોજના, સમાન સેવા કેન્દ્રો (સીએસસી) તરીકે મંડળીઓ, મંડળીઓ દ્વારા નવી ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ (એફપીઓ)ની સંરચના જેવી યોજનાઓનો પણ પ્રારંભ કરાયો છે. સહકારી મંત્રાલયની અન્ય પહેલોમાં પીએમ ભારતીય જન ઔષધિ કેન્દ્ર તરીકે મંડળીઓ, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે) તરીકે મંડળીઓ, પીએમ-કુસુમનું મંડળીઓના સ્તરે તબદિલીકરણ, બેંક મિત્ર સહકારી મંડળીઓને માઈક્રો-એટીએમ, દૂધ સહકારી મંડળીઓના સભ્યો માટે રૂપે કિસાન ક્રેડિટકાર્ડ, માછીમાર ઉત્પાદક સંગઠન (એફએફપીઓ)ની સંરચના વગેરે સામેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh