Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરારના વિશિષ્ટ પાલનના દાવામાં ચક્રવૃદ્ધિ વ્યાજ તથા વળતર ચૂકવવા આદેશઃ
જામનગર તા.૮ : જામનગરના સાતરસ્તા પાસે આવેલી રાજઘરાનાની જામ પેલેસવાળી જગ્યાને લગત સિટી સર્વે નં.એફજી-૪વાળી જગ્યા સર્વે નં.૧૮૧વાળી ૨૫૨૭૨ ચોરસ ફૂટની જગ્યામાંથી ૭૫ ટકા જગ્યા જામસાહેબ શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહ જાડેજાએ અગાઉ દક્ષાકુમારીબા વાળાને બક્ષીસ આપી હતી તે દરજ્જે દક્ષાકુમારીબાએ તે જગ્યા મુંબઈના ઓશવાળ મહાજન પરિવારને વેચાણ આપવાનો કરાર કબૂલ રાખ્યો હતો. તે પછી આ જગ્યાનો દસ્તાવેજ ન કરી અપાતા દક્ષાકુમારીબા મુળરાજસિંહ વાળા સામે કરાર પાલન અંગે જામનગરની સિવિલ કોર્ટમાં દાવો કરાયો હતો. તે દાવો અદાલતે મંજૂર રાખ્યો છે.
આ કિસ્સાની વધુ વિગત મુજબ જામનગરના સાતરસ્તા પાસે આવેલી અને જામપેલેસ તરીકે ઓળખાતી પ્રખ્યાત જગ્યા જેનું ક્ષેત્રફળ ૨૫૨૭૨ ચોરસ ફૂટ છે અને તેમાં વરંડો, ડ્રોઈંગ રૂમ, ડાયનીંગ રૂમ, ત્રણ બેડરૂમ, બે સ્ટોર રૂમ, કિચન, બાથરૂમ તથા કમ્પાઉન્ડમાં આઉટ હાઉસ આવેલુ છે. તેની ચાલ દક્ષિણ બાજુ છે તે જગ્યા જામનગરના જામસાહેબ શત્રુ શલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજાની માલિકીની હતી. તે જગ્યા ગઈ તા.૩૦-૩-૧૯૭૨ ના દિને જામસાહેબે બક્ષીસથી દક્ષાકુમારીબા મુળરાજસિંહ વાળાને આપી હતી.
તે જગ્યાનો કરાર વર્ષ ૧૯૯૨માં દક્ષાકુમારીબાએ રજીસ્ટર્ડથી મણીલાલ કાલીદાસ, અમૃતલાલ સામત, અમૃતલાલ સેજપાલ, કિશોર હરીદાસ, મહેન્દ્ર જગજીવન, વિનોદ લક્ષ્મીદાસ, યજ્ઞાબેન શાંતિલાલને કરી આપી રૂ.૩૦,૫૭,૯૧૨ની રકમ નક્કી કરી હતી અને તે રકમ સ્વીકારી હતી.
તે પછી ગઈ તા.૯-૭-૯૬ના દિને મુંબઈના પ્રેમચંદ હંસરાજ હરીયા, રમેશચંદ્ર હંસરાજ હરીયા અને પ્રેમલતા હરીલાલ દોઢીયાના નામે રજીસ્ટર કરાર દક્ષાકુમારીબા વાળા પાસેથી જમીન ખરીદનાર પૈકી અમૂક સહમાલિકોએ પોતાનો ૭૫ ટકા કરાર મુજબનો સહમાલિક તરીકેનો હિસ્સો રજીસ્ટર્ડ વેચાણ કરારથી ઉપરોક્ત વ્યક્તિઓને કરી આપ્યો હતો. તે કરાર કન્ફર્મ કરવા અંગે દક્ષાકુમારીબા વાળાએ પહોંચ પણ કરી આપી હતી અને ચેકથી અવેજની રકમ સ્વીકારી હતી.
તે કરાર અન્વયે જમીન ખરીદનાર પ્રેમચંદ હરીયા, રમેશચંદ્ર હરીયા, પ્રેમલતા દોઢીયાએ અવારનવાર દસ્તાવેજ કરી આપવા માટે દક્ષાકુમારીબા વાળાને જણાવ્યું હતું તેમ છતાં વેચાણ દસ્તાવેજ બનાવી આપવામાં ન આવતા કાયદા મુજબ નોટીસ અપાઈ હતી. તેમ છતાં દસ્તાવેજ કરી આપવામાં ન આવતા જામનગર દીવાની કોર્ટમાં કરારના વિશિષ્ટ પાલન અંગેનો દાવો કરાયો હતો. તે દાવામાં દક્ષાકુમારીબા સાથે ચાલુ દાવાએ પક્ષકાર તરીકે જામસતાજી શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજા અને ચાલુ દાવે મણીલાલ કાલીદાસ ગુજરી જતાં તેના વારસ તથા કિશોર હરીદાસ, મહેન્દ્ર જગજીવન, વિનોદ લક્ષ્મીદાસ, યજ્ઞાબેન શાંતિલાલ સામે વર્ષ ૨૦૦૩માં દાખલ કરવામાં આવ્યો હતો.
તે દાવામાં દક્ષાકુમારીબાએ જવાબ પાઠવી જણાવ્યું હતું કે, દાવો કાયદેસરનો નથી, સમય મર્યાદા બહારનો છે, મુખત્યારને દાવો કરવા સત્તા નથી, મિલકતનું યોગ્ય વર્ણન કે હદ દિશા આપેલી નથી. ચાલુ દાવામાં પક્ષકાર તરીકે જોડાયેલા જામસતાજી શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજાએ પણ વાદીનો દાવો ખરો નથી, વાદી તથા પ્રતિવાદી મિલાપી પણામાં દાવો લઈ આવ્યા છે અને દાવાવાળી મિલકત અન્વયે કોર્ટમાં ચાલતા અન્ય કેસ બાબતે રજૂઆત કરી હતી.
બંને પક્ષકારો દ્વારા અલગ અલગ પુરાવાઓ રજૂ કરાયા હતા અને વાદી પક્ષ દ્વારા પોતાના કેસના સમર્થનમાં અલગ અલગ સાક્ષી તપાસાયા હતા. જેમાં કાંતિલાલ ભીમશી ભાઈ શાહ, વકીલ કેતનભાઈ પ્રવીણચંદ દોઢીયા વગેરેની જુબાની રજૂ કરાઈ હતી. પ્રતિવાદી પક્ષે તેઓની ઉલટ તપાસ પણ કરી હતી.
આમ લાંબી કાનૂની લડતમાં આ કેસ લડવામાં આવ્યો હતો. તે પછી અદાલતે વાદીના વકીલ હેમલ એચ. ચોટાઈ દ્વારા કરાયેલી રજૂઆતો, દલીલોને ધ્યાને લઈ અને ઉચ્ચ અદાલતોના ચૂકાદાઓ લક્ષમાં લઈ વાદીનો દાવો ખરો હોવાનંુ માની વાદીનો દાવો મંજૂર કર્યાે છે અને દક્ષાકુમારીબા વાળા દ્વારા કરી આપવામાં આવેલા કરાર સંબંધે જેમાં બાહેંધરી અપાઈ હતી કે, કોઈપણ સંજોગમાં કરારનું પાલન કરવામાં હું નિષ્ફળ જાઉં કે પાલન કરાવી ન શકુ તો કરાર ભંગની નુકસાની બદલ વળતર પેટે રૂ.૧૫ લાખ વસૂલ મેળવવા કરાર લખાવનાર હક્ક દાર રહેેશે તેમજ જે રકમ અવેજ પેટે આપવામાં આવી છે તે તમામ રકમ વસૂલ થયા સુધી દર વર્ષે ૧૮ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પરત આપવા બંંધાયેલી છું તે શરતને ધ્યાને રાખી અદાલતે સ્વીકારાયેલી રકમ રૂ.૨૨,૯૩,૪૩૪ની રકમ પર ૧૮ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચૂકવવા અને કરારમાં લખી આપ્યા મુજબ રૂ.૧પ લાખ પૈકીની ૭૫ ટકા રકમ એટલે કે રૂ.૧૧,૨૫,૦૦૦ છ ટકા વ્યાજ સાથે વાદીને ચૂકવી આપવા હુકમ કર્યાે છે અને દાવાનો તમામ ખર્ચ પણ દક્ષાકુમારીબા વાળાએ ચૂકવવો તેવો આદેશ કર્યાે છે.
જામનગરના રાજઘરાનાની મિલકત અન્વયે મુંબઈના ઓશવાળ મહાજન વ્યક્તિઓ દ્વારા કરાયેલા દાવાને નામદાર અદાલતે મંજૂર રાખી વળતર તથા ખર્ચ અપાવ્યું છે. મુંબઈના વાદીઓ તરફથી જામનગરના વકીલ હેમલ એચ. ચોટાઈ, વી.એચ. બક્ષી, હીરેન એમ. ગુુઢકા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial