Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાશ્મીરના મુદ્દે વાત કરનારા તમે કોણ?: હવે તો પીઓકે પરત લેવાનું જ બાકી
નવી દિલ્હી તા. ૧૩: આજે ભારત-પાક. વચ્ચે સંઘર્ષવિરામ પછી ડીજીએમઓની વાતચીત થનાર છે, ત્યારે બીજી તરફ ટ્રમ્પની સામે ભારતીયોનો ગુસ્સો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ફૂટી નીકળ્યો છે, અને પ્રેસ-મીડિયા ઉપરાંત ચોરે-ચૌટે અને કર્ણપકણે થતી વમાં પણ આ જ મુદ્દો ચર્ચામાં છે અને અવનવી કોમેન્ટો પણ થઈ રહી છે, જે ઘણી રસપ્રસદ છે અને જનભાવનાઓ દર્શાવે છે એવી કોમેન્ટો થઈ રહી છે, 'ટ્રમ્પકાકા' કાશ્મીરનો મુદ્દો ૧૯૪૭ થી જ ચાલે છે, તેને હજારો વર્ષ થયા નથી. કઈ નિશાળમાં ભણ્યા? કોઈ કહે છે કે કાશ્મીરના મુદ્દે વાતો કરનારા ટ્રમ્પ કોણ? ભારતે ક્યારેય આ મુદ્દે ત્રીજા દેશની મધ્યસ્થતા સ્વીકારી નથી, અને ટ્રમ્પની જાહેરાત પછી ભારતે આ અંગે સ્થિતિ સ્પષ્ટ કર્યા પછી પણ ટ્રમ્પે સંઘર્ષવિરામની જાહેરાત ભારત અને પાકિસ્તાન જાહેરાત કરે તે પહેલા જ કેમ કરી? આ મુદ્દે ભારત સરકારે સૈન્ય કે સૂત્રોના હવાલાથી નહીં પણ ખુદ વડાપ્રધાને સ્પષ્ટતા કરવી જોઈએ, તેવી ટીકા-ટિપ્પણીઓ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વિશ્વની મહાસત્તા ગણાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ કાશ્મીરનો મુદ્દો હજારો વર્ષ જુનો ગણાવી રહ્યા છે, પરંતુ હકીકતે આ મુદ્દો તો વર્ષ ૧૯૪૭ પછી જ ઊભો થયો છે, તેથી જેને ઈતિહાસનું ભાન નથી તેવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની વાતોને કોઈ ગંભીરતાથી લેતું જ નથી. ડિપ્લોમેટિક ચેનલોની ગુપ્ત વાતોનો ગેરફાયદો ઊઠાવીને ટ્રમ્પે લીંબડજશ ખાટવાનો વામણો પ્રયાસ કર્યો છે, તેમ જણાવીને એવી કોમેન્ટો થઈ રહી છે કે હવે તો પીઓકે પરત લેવા તથા ભારતના અપરાધી આતંકીઓને પરત સોંપવાની સિવાયની કોઈ વાતચીત નહીં થાય, તેવું સ્ટેન્ડ ભારતે લીધું છે, તે આવકાર્ય છે.
તે ઉપરાંત ટ્રમ્પે ભારત-પાક. ને વેપાર બંધ કરી દેવાની ચિમકી આપીને યુદ્ધ વિરામ કરાવ્યો હોવાનો દાવો પણ ગળે ઉતરે તેવો નહીં હોવાની કોમેન્ટો થઈ રહી છે.
એવી અટકળો થઈ રહી છે કે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની જનભાવનાઓ તથા વિશ્વસનિયતા જાળવવા ટૂંક સમયમાં ભારત સરકાર અધિકૃત રીતે કોઈ વિશ્વસનિય નિવેદન કરીને ટ્રમ્પની મધ્યસ્થતાને ફગાવી ભારતની વિદેશનીતિ તથા પાકિસ્તાન સાથેની રણનીતિ મજબૂત હોવાનો વિશ્વાસ બતાવશે. યોગ્ય સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે સંસદમાં નિવેદન આપે કે પછી રાષ્ટ્રજોગુ સંબોધન કરે, તેવી શક્યતા પણ દર્શાવાઈ રહી છે, અને હજુ ઓપરેશન સિંદૂર યથાવત છે, અને સિંધુ સમજુતિ રદ કરાઈ છે, તેથી ગમે ત્યારે કાંઈપણ બની શકે છે.
સોશિયલ મીડિયામાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ વર્ષ ૧૯૭૧ માં અમેરિકાની ધમકી સામે દેખાડેલ આક્રમક્તા યાદ કરવામાં આવી, અને તે સમયે ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ભાગલા પાડી દીધા, જ્યારે આ વખતે આપણું પીઓકે પણ પાછું લઈ શક્યા નહીં, તેનો વસવસો વ્યક્ત થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એવો કટાક્ષ થઈ રહ્યો છે કે, 'ઈન્દિરા ગાંધી થવું સહેલું નથી!'
બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર, પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદ વગેરેના નિવેદનોની પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે. તેઓએ ભારત માટે શાંતિ જરૂરી છે અને વર્ષ ૧૯૭૧ અને અત્યારની સ્થિતિ વચ્ચેના તફાવત વર્ણવીને કહ્યું કે, ઓપરેશન સિંદૂર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે ચાલી રહ્યું છે, અને ભારતે યુદ્ધ જાહેર કર્યું નથી. આતંકીઓને પાઠ ભણાવી દીધો છે, અને યુદ્ધ કરવું અત્યંત જરૂરી હોય ત્યારે જ કરવું જોઈએ!
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા રાષ્ટ્રજોગ સંબોધનને લઈને પણ મિશ્ર પ્રત્યાઘાતો સોશિયલ મીડિયામાં પડી રહ્યા છે, તે ઉપરાંત ગઈકાલે ટ્રમ્પે એવો દાવો કર્યો કે તેમણે બંને દેશ સાથે વેપાર બંધ કરવાની ધમકી આપીને ન્યુક્લિયર વોર અટકાવ્યું છે તેને લઈને પણ ટ્રમ્પને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial