Advertisement
Author: નોબત સમાચાર

નીતિન ગડકરીના નિવેદનોથી વિપક્ષો ગેલમાં: પાટલી બદલે તો પી.એમ. પદના દાવેદાર

પલટતા પવનના પારખુ છે કે કટ્ટર સત્યવાદી?

નવી દિલ્હી તા. ૧: એક તરફ સુપ્રિમ કોર્ટે આંધ્રપ્રદેશની રાજ્ય સરકારને વેધક સવાલો પૂછીને ભગવાનને રાજકારણથી દૂર રાખવાની ટકોર કરી છે, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીના પાર્ટીલાઈનથી અલગ પ્રકારના નિવેદનો કરીને હરિયાણા પછી રાષ્ટ્રીય રાજનીતિમાં આવી રહેલા પરિવર્તનને પારખીને આ પ્રકારના નિવેદનો કર્યા હોવાની ચર્ચા છે, જ્યારે ઘણાં વિશ્લેષકો તેઓને સંઘના વફાદાર અને કટ્ટર સત્યવાદી પણ ગણાવી રહ્યા છે, અને પીએમ પદના દાવેદાર ગણાવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં સ્વદેશી ગાયને રાજમાતાનો દરજ્જો આપવાની જાહેરાતને મહાયુતિની સરકાર સ્વદેશી ગાયના અસ્તિત્વને ટકાવી રાખવાના પ્રયાસ તરીકે વર્ણવી રહી છે, જ્યારે મહાવિકાસ અઘાડી આ કદમને ચૂંટણીલક્ષી ગણાવીને રાજનીતિમાં ધાર્મિક ભાવનાઓની ભેળસેળ ગણાવી રહી છે. તિરૂપતિ મંદિરના લાડુમાં ચરબી હતી કે કેમ? તેની પૂરી તપાસ કે પુરાવા વગર ચંદ્રબાબુ નાયડુએ કરેલા આક્ષેપોની ઝાટકણી સાથે સુપ્રિમ કોર્ટે ભગવાનને રાજકારણથી દૂર રાખવાની સલાહ આપી, તેવા જ સમયે મહારાષ્ટ્રમાં આ પ્રકારની જાહેરાતે ચર્ચા જગાવી છે.

કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં મહાયુતિ એટલે કે એનડીએ સરકારની લાડલી દીકરી યોજનાની ટીકા કરતા કહ્યું કે આ યોજનાથી રૂપિયા ૪૬ હજાર કરોડ જેવો બોઝ સરકારી તિજોરી પર પડશે, જેથી અન્ય લોકલક્ષી યોજનાઓના ફંડમાં કાપ આવશે. ગડકરીએ તો ત્યાં સુધી કહી દીધુ કે કોઈપણ પક્ષની સરકાર હોય, આ પ્રકારના ગતકડાંઓ ન કરવા જોઈએ. ગડકરીએ તો સરકારોને વિષકન્યા ગણાવીને જે નિવેદન કર્યું તેથી ભાજપ સહિત મહાયુતિના નેતાઓ તમતમી ઊઠ્યા હશે.

ગુજરાત ભાજપમાં ઉકળતો ચરૂ છે, અને જૂનાગઢ અને કચ્છમાં પણ આંતરિક જુથવાદ પ્રકાશમાં આવ્યો હોવાની ચર્ચા પછી હવે અમરેલીમાં પણ એક નેતાએ હૈયાવરાળ ઠાલવતા એવા કટાક્ષો થઈ રહ્યા છે કે ટીવી સ્ક્રીન પર ભારતીય જનતા પક્ષની સરકારોનો જોરદાર બચાવ કરતા રહેતા અમરેલીના દિગ્ગજ નેતા અને પ્રવક્તાને હવે ભાજપમાં 'કસ' દેખાતો ન હોય, તેવા ઉદ્ગારો સામે આવી રહ્યા છે, અને 'પાડી દેવા'ની વૃત્તિની ટીકા કરીને બળાપો કઢાઈ રહ્યો છે.

રઘુવંશી એક્તાનો રણટંકાર

આ બધા ઘટનાક્રમો વચ્ચે વીરપુર (જલારામ) માં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખપદે જામનગના જીતુભાઈ લાલની ધમાકેદાર તાજપોશી થઈ, તેના રાજકીય ક્ષેત્રે પણ પડઘા પડ્યા છે અને રઘુવંશીઓની એકજુથતાની સામાજિક, રાજકીય અને સમાજસુધારણાની દૃષ્ટિએ કેવી કેવી અસરો પડી શકે છે, તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh