Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં મામા સાથે જઈ રહેલા છ વર્ષના ભાણેજનું મોટરમાં અપહરણ

અમદાવાદના પોલીસ કર્મચારી એવા બનેવી સામે ગુન્હોઃ

ખંભાળિયા તા. ૧: ખંભાળિયામાં રવિવારે સાંજે છ વર્ષના બાળકનું તેના મામાના કબજામાંથી કાળા રંગની મોટરમાં કેટલાક શખ્સોએ અપહરણ કર્યું છે. આ બાબતની બાળકના મામાએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેમની બહેન સગર્ભા હાલતમાં પિયર રિસામણે આવ્યા હતા અને છ વર્ષથી ત્યાં જ રહેતા હતા. આ બાળકનું તેના પિતા એવા પોલીસ કર્મચારીએ અપહરણ કર્યું છે.

ખંભાળિયા શહેરમાં આવેલા શક્તિનગરમાં બંગલા વાડી શેરી નં.૩માં રહેતા જયદીપસિંહ કનકસિંહ પરમાર તથા તેમના છ વર્ષના ભાણેજ મિતરાજસિંહ વાઘેલા રવિવારે આંટો મારવા માટે બાઈક પર નીકળ્યા હતા. બંને મામા-ભાણેજ સાંજના સાતેક વાગ્યે નગરનાકા ચોકથી પરત ઘેર જતા હતા.

તેઓ જ્યારે બંગલાવાડીમાં પહોંચ્યા ત્યારે એક કાળા કાચ વાળી મોટરમાંથી એક અજાણ્યો શખ્સ ઉતર્યાે હતો તેણે બાઈક રોકાવી પોસ્ટ ઓફિસ ક્યા છે તેમ પૂછયું હતું અને ત્યારે જ મોટરમાંથી ઉતરેલા જયદત્તસિંહ સતુભા વાઘેલાએ પાછળ બેસેલા મિતરાજસિંહને તેડી લઈ મોટરમાં બેસાડી દીધા હતા અને મોટર ભગાડી મૂકી હતી.

અચાનક બનેલા બનાવના પગલે હેબતાયેલા જયદીપસિંહે દોટ મૂકીને મોટરનું સ્ટીયરીંટ પકડયું હતું ત્યારે જયદત્તસિંહે એક ઓટલા સાથે તેઓને અથડાવતા ગોઠણમાં ઈજા થવાથી જયદીપસિંહનો હાથ છૂટી ગયો હતો અને મિતરાજસિંહનું અપહરણ કરી આ મોટર નાસી ગઈ હતી. બનાવની તરત પોલીસને જાણ કરવામાં આવ્યા પછી જયદીપસિંહે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા મુજબ તેમના બહેન શિતલબાના લગ્ન વર્ષ ૨૦૧૭માં મૂળ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વતની અને હાલમાં અમદાવાદની હરભોલેનાથ સોસાયટીમાં રહેતા જયદત્તસિંહ વાઘેલા સાથે થયા પછી છેલ્લા છ વર્ષથી રીસામણે પિયર આવ્યા હતા.

સગર્ભા રહેલા આ યુવતીએ પુત્ર મિતરાજને જન્મ આપ્યો હતો. ત્યારથી શિતલબા તથા તેનો પુત્ર મિતરાજ ત્યાં જ હતા તેને લઈ જવા માટે પતિ જયદત્તસિંહ ઉધામા કરતા હતા. તેનાથી કંટાળી જઈને ગયા જાન્યુઆરી મહિનામાં શિતલબાએ પોતાના પિયરમાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી મિતરાજ નાના તથા મામા સહિતના પરિવાર સાથે રહેતો હતો.  અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયદત્તસિંહ અને અન્ય વ્યક્તિઓ રવિવારે ખંભાળિયા આવ્યા હતા અને ત્યાંથી સાત વર્ષના મિતરાજનું અપહરણ કરીને લઈ ગયા હતા. પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh