Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં હાલમાં દ્વિઘાભરી સ્થિતિ પ્રવર્તે છે. એક તરફ તો શ્રાવણિયા તહેવારોની ઉજવણીની તૈયારી થઈ રહી છે, તો બીજી તરફ દુકાળના ડાકલા વાગી રહ્યા છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાની તૈયારીઓ ચાલી રહી છે, તો મહાનગરપાલિકાએ રક્ષાબંધનના પાવન પર્વે બહેનો માટે ફ્રી ઈ-સિટીબસ સેવાની જાહેરાત કરીને યોગ્ય કદમ ઊઠાવ્યું છે. આ દિવસે જ બાકીની રપ બસોને નવા તમામ રૂટોને આવરી લેવા માટે શરૂ કરી દેવામાં આવે, તો સોનામાં સુગંધ ભળશે અને સમગ્ર શહેરની બહેનોને રક્ષાબંધનના પર્વે ફ્રી સેવાનો લાભ મળશે અને એકંદરે વધુ લોકો સિટીબસોના સ્થાનિક પરિવહન તરફ વળશે.
આમ તો અત્યારે સિટીબસ સેવાને જે રિસ્પોન્સ મળી રહ્યો છે, તે આશાપ્રેરક છે અને સમગ્ર શહેરને આવરી લેતી આ સ્થાનિક સેવા વિસ્તરશે, તો વધુને વધુ લોકો પર્યાવરણ માટે અનુકૂળ ઈલેક્ટ્રીક સિટીબસોનો લાભ લેતા થશે, અને ગરીબ-મધ્યમ વર્ગને તો આર્થિક ફાયદો પણ થશે, તેથી રક્ષાબંધન પર્વે આ બસસેવાનો બહેનોના આશીર્વાદ સાથે વિસ્તાર થશે, તો તે સર્વજન હિતાય, સર્વજન સુખાય અને પ્રકૃતિને પણ લાભકર્તા નિવડશે. આ અંગે જેજેએમએફ અને સ્થાનિક સત્તાવાળાઓ તેમજ તંત્રવાહકો વિચારશે અને સકારાત્મક કદમ ઊઠાવશે, તેવી આશા રાખીએ. જન્માષ્ટમીના તહેવારો પહેલા જ સિટીબસ સેવાનો વિસ્તાર થશે, તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો તથા શહેરીપંથકમાંથી મેળો માણવા તથા શોપીંગ કરવા તથા વ્યવહારિક, સાંસ્કૃતિક કે ધાર્મિક-સામાજિક કામે જામનગરમાં આવતા લોકો સહિત સ્થાનિક નગરજનોને ખૂબ જ ઉપયોગી બની જશે. એટલું જ નહીં, નોંધપાત્ર ટ્રાફિક પણ મળી રહેશે તે નક્કી છે.
તહેવારો ટાણે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે, તેથી તંત્રો દ્વારા વધુ સુદૃઢ વ્યવસ્થાઓ ગોઠવવા ઉપરાંત નગરજનો તથા બહારથી આવતા-જતા લોકો દ્વારા પણ સ્વયંશિસ્ત જાળવવાની ખાસ જરૂર છે. તંત્રોના તિક્કડમ પણ હવે ચાલવાના નથી, અને જ્યાં ત્યાં ગંદકી કરતા પરિબળોના કારનામા પણ હવે ચાલવાના નથી, કારણ કે આ વખતે તહેવારો સમયે જાગૃત નાગરિકો તથા યુવાવર્ગ આ તમામ ક્ષતિઓને ઉજાગર કરવામાં પાછીપાની કરવાનો નથી. એટલું જ નહીં, સોશિયલ મીડિયાનો શાંતિપૂર્વક અને સિસ્તપૂર્વક સદુપયોગ કરીને ગંદકી કરતા પરિબળોની લાપરવાહી તથા તંત્રોની બેદરકારીને ખુલ્લી પાડી શકે છે.
બીજી તરફ હાલારમાં દુકાળ જાહેર કરવાની માંગણી જોર પકડવા લાગી છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ઉપરાંત કિસાન કોંગ્રેસ તથા ખેડૂત સંસ્થાઓ દ્વારા પણ રાજ્ય સરકાર નિયમોનુસાર અર્થઅછત કે અછતગ્રસ્ત સ્થિતિ જાહેર કરીને પશુઓ માટે ઘાસચારાની તથા લોકોને પીવાના પાણીની તથા વાવણીની થઈ ગઈ છે, ત્યાં મુરઝાતી મોલાતને બચાવવા સિંચાઈનું પાણી છોડવાની માંગણી પણ વધુને વધુ બળવત્તર થવા લાગી છે. હાલાર એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં અછત જેવી સ્થિતિ છે અને ઘણો જ ઓછો વરસાદ પડ્યો છે, તેથી સરકાર હવે સપ્ટેમ્બરમાં જ આનાવારી કરાવીને નિયમો મુજબ જરૂર પડ્યે થોડી વહેલી સ્કેરસિટી જાહેર કરે, અને ત્યાં સુધી કલ્યાણપુર-દ્વારકા સહિતના તદ્ન નહીંવત વરસાદ ધરાવતા વિસ્તારોને અછત જેવી પરિસ્થિતિ ગણીને સ્પેશ્યલ કેસમાં વહેલીતકે સ્કેરસિટીની તમામ રાહતો આપે અને જરૂરી વ્યવસ્થાઓ કરે તેવી લોકમાંગણી ઊઠી રહી છે.
જો કે, કુદરતનું કાંઈ કહેવાય નહીં, અને હજુ સપ્ટેમ્બર મહિનો બાકી છે, ત્યારે દેશના અન્ય કેટલાક રાજ્યોની તથા ઉત્તર-દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની જેમ મોડેથી પણ સારો વરસાદ પડી જાય તો ઘણી રાહત થઈ શકે તેમ છે. રાજ્ય સરકારે પણ ગઈકાલે જ કેટલાક રાહતજનક પગલાં લેવાની જાહેરાત કરી છે, જેમાં ત્રણસોથી વધુ અસરગ્રસ્ત ગામોમાં ૧૬ લાખ કિલો ઘાસનું રાહતદરે વિતરણ કરીને એક લાખ જેટલા પશુઓને રાહત, સૌથી વધુ અસરગ્રસ્ત ૭ જિલ્લાઓમાં દરરોજ દસ કલાક વીજપુરવઠો અને ખેતીનો પાક બચાવવા વધારાનું સિંચાઈનું પાણી છોડવાની જાહેરાત કરાઈ છે, અને પીવાના પાણીનો પુરવઠો જાળવી રાખવાની દિશામાં પણ પગલાં ઊઠાવાયા હોવાનો દાવો કરાયો છે. હાલારના બન્ને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકા ઉપરાંત કચ્છ, પોરબંદર, ગીરસોમનાથ તેમજ અરવલ્લી, સાબરકાંઠા તથા દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, અને કેટલીક બાબતોમાં કલકેટરોને સીધી વ્યાપક સત્તાઓ પણ અપાઈ છે, જો કે આનાવારી માટે ચોમાસાના અંતની સત્તાવાર જાહેરાત સુધી રાહ જોવી પડશે, તેમ જણાવાયું છે.
દરિયાકાંઠાના જિલ્લાઓ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છમાં બે મહિનાથી મેઘાડંબર છતાં વરસાદ પડતો નથી અને નહીંવત્ ઝરમરિયો વરસાદ પડ્યો છે. આ વિસ્તારોમાં માત્ર ૧.૭ ટકા જેટલો વરસાદ થતા મોંઘાદાટ બિયારણ અને ખાતર પાછળ જંગી ખર્ચ પછી મુરઝાઈ રહેલા પાકને બચાવવા સિંચાઈની સુવિધા વધારવા ઉપરાંત ખેડૂતો દુષ્કાળ જાહેર કરવાની માંગણી કરી રહ્યા છે, ત્યારે સરકારે લીધેલા આ પગલાં પર્યાપ્ત નથી અને 'અછત જેવી' સ્થિતિ જાહેર કરીને વધુ રાહતો આપવાની જરૂર છે. ખેડૂતો વર્ષ-ર૦ર૦-ર૧ માં મુખ્યમંત્રી સહાય યોજનામાં દુકાળની વ્યવસ્થા નક્કી થઈ હતી, તેને અનુસરવાની માંગ ઊઠાવી રહ્યા છે, તેના પર પર પણ સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ.
ટૂંકમાં હજુ પણ વરસાદના આશાવાદ અને સરકારની મદદની અપેક્ષા વચ્ચે ઉજવાઈ રહેલા તહેવારો, આવી રહેલા ઉત્સવો અને દુકાળ જેવી પરિસ્થિતિના આ સંયોજન અથવા સમાગમને 'રણદ્વીપ' સમાન ગણવું કે 'ચંદ્રકલંક' ગણવું? તેનું તારણ કાઢવાનું જનતા પર છોડીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial