Advertisement
Author: નોબત સમાચાર

વિધાનસભાની ચૂંટણીમાં સંસદસભ્યોને મેદાનમાં ઉતારવાનો ભાજપનો વ્યૂહ...

સત્તા પ્રાપ્તિ માટેના ખેલ!

કોઈપણ રાજકીય પક્ષનું સૌથી પ્રથમ અને અંતિમ લક્ષ્ય સત્તા પ્રાપ્તિનું જ હોય છે અને હોવું જ જોઈએ.

હાલના રાજકારણમાં સત્તાધારી પક્ષો પોતપોતાના કાર્યક્ષેત્રમાં ચૂંટણી આવે ત્યારે સત્તા જાળવી રાખવા તો અન્યો સત્તા મેળવવા તમામ પ્રયાસો કરતા હોય છે.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં અત્યારે મુદ્દો રાજકીય પક્ષોની ઉમેદવારોની પસંદગીનો છે. ખાસ કરીને ભારતીય જનતા પક્ષના મોવડી મંડળના પસંદગી માટેના નિર્ણયો આશ્ચર્યજનક બની રહ્યા છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે ભાજપે વિધાનસભાની ચૂંટણી લડવા માટે કેટલાક સંસદસભ્યોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. હજી તો ઘણી બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થવાના છે, ત્યારે તેમાં પણ કેટલાક સંસદસભ્યોના  નામ આવી શકે છે. કેન્દ્રિય મંત્રીના નામ પણ હોય શકે છે! આવો હિંમતભર્યો નિર્ણય ભાજપ જ કરી શકે...

કૈલાસ વિજય વર્ગિય જેવા પક્ષના ઘનિષ્ઠ નેતાને ધારાસભાની ચૂંટણી લડવા ઉમેદવાર તરીકે જાહેર કરાયા ત્યારે તેમણે જાહેરમાં સખત નારાજગી વ્યક્ત કરી હતી... પણ... પક્ષના કડક શિસ્તના નિયમોના કારણે પોતાના પુત્રના બદલે પોતે ચૂંટણી લડવા મજબૂર બન્યા છે!

ભાજપે તો અગાઉ કેન્દ્રિય મંત્રી રહી ચૂકેલા અને ચાર વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયેલા ભાવનાબેન ચીખલયાને જૂનાગઢ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે લડવા મેદાનમાં ઉતાર્યા હતાં ત્યારે કેટલાક કટાક્ષમાં કહેતા પણ હતાં કે હવે તો સંસદ સભ્યને કદાચ પક્ષ સરપંચ પદ માટે પણ ઉમેદવાર બનાવે!

જ્યારે મધ્યપ્રદેશમાં તો હાલના મુખ્યમંત્રી શિવરાજસિંહનો સમાવેશ ઉમેદવારોની યાદીમાં થયો છે, પણ રાજસ્થાનમાં વસુંધરા રાજેના નામની જાહેરાત પ્રથમ યાદીમાં થઈ નથી... સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનમાં રાજેના દાવેદાર સમર્થકોની પ્રથમ યાદીમાંથી પક્ષના મોવડીમંડળે બાદબાકી કરી નાખી છે!

ભારતના રાજકારણમાં સત્તાના ખેલ માટે રાજકીય પક્ષોના કાવાદાવા, પક્ષ પલટા, વિરોધ પક્ષના નેતાઓ સામે કાર્યવાહી, જેવા તમામ પ્રયાસો થાય છે અને અંતે વિજય પ્રજાનો કે મતદારોનો નહીં પણ આવા ખેલ પાડનારાના મનસૂબાનો વિજય થાય છે!

નારાજગીની શકયતાઃ જે જે વિધાનસભા મત વિસ્તારમાં સંસદસભ્ય કે કેન્દ્રિય મંત્રીને ઉમેદવાર બનાવાયા છે ત્યાં મજબૂત દાવેદારની માંગણીનો છેદ ઊડી જવાથી અંદરખાનેથી ભારે નારાજગીના સૂર ઊઠવા પામ્યા હોવાનું પણ જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh