Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે તેમજ રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં
જામનગર તા. ર૫: જામનગરમાં રૂ. ૩ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ જામનગર તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ લોકાર્પણ કર્યુ હતું. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતાં.
જામનગરમાં તાલુકા પંચાયત નવનિર્મિત ભવનનું કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું.
સરકારના પંચાયત વિભાગ દ્વારા જામનગરના પત્રકાર કોલોની વિસ્તારમાં તાલુકા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.
જામનગર તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન આપતા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતનું જૂનું બિલ્ડિંગ અંદાજે ૬૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. પરંતુ બિલ્ડિંગ જર્જરિત થઈ જતાં પદાધિકારીઓ અને તંત્ર દ્વારા નવું બિલ્ડિંગ બનાવવાની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા આધુનિક પદ્ધતિ અને તમામ સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે.
રાજ્ય સરકારની મહત્વની કામગીરી જિલ્લા અને તાલુકા પંચાયતો થકી થાય છે. ત્યારે સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગમાં અધિકારીઓને પણ કામ કરવામાં સરળતા રહેશે જેનો ફાયદો લોકોને પણ થશે. ભારતને વિકસિત બનાવવાના સંકલ્પમાં જામ નગર જિલ્લો પણ મહત્ત્વનું યોગદાન આપી રહ્યો છે અને જિલ્લામાં વિકાસના કામો વધુ વેગવંતા બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી મંત્રીએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, તાલુકાનું મિની સચિવાલય ગણાતા જામનગર તાલુકા પંચાયતનું બિલ્ડિંગ સુવિધાસજ્જ હોવાથી વહીવટી નિર્ણયો લેવામાં તેમજ અન્ય કામગીરી કરવામાં તંત્રને સાનુકૂળતા રહેશે. તેમજ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાનો પણ અંત આવશે. સાથે કચેરીના સ્ટાફ અને અરજદારોના વાહનો માટે પણ વિશાળ પાર્કિંગની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મંત્રીએ તાલુકા પંચાયતના આંગણમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થવા તેમજ ભવનમાં સ્વચ્છતા જાળવવા માટે તંત્રને સૂચન કર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જામનગર જિલ્લા પંચાયતના બિલ્ડિંગનું પણ આગામી સમયમાં નવનિર્માણ કરવાના પ્રયાસો ચાલુ છે. ભવિષ્યમાં જિલ્લા પંચાયતના બિલ્ડિંગનું નિર્માણ થવાથી હજારો લોકોને તેમજ તંત્રને કામગીરી કરવામાં સરળતા રહેશે.
જામનગર તાલુકા પંચાયતનું નવું બિલ્ડીંગ કુલ રૂપિયા ત્રણ કરોડ, તેર લાખ, અડતાળીસ હજાર, ચારસો પંદર (૩,૧૩,૪૮,૪૧૫) ના ખર્ચે તૈયાર થયું છે.ગ્રાઉન્ડ ફ્લોરમાં નીચેના ભાગે તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓ માટે કાર્યાલયો આવેલા છે તેમજ વિવિધ શાખાઓ માટેના રૂમો આવેલા છે તેવી જ રીતે ઉપરના માળે મોટો સભાખંડ આવેલ છે અને અન્ય વિવિધ શાખાઓ માટેના રૂમો આવેલા છે. હાલની પરિસ્થિતિ મુજબ વિશાળ સુવિધાઓ અને આધુનિક સગવડતાવાળું તાલુકા પંચાયત કચેરી જામનગરનું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલા જે જુનું બિલ્ડીંગ હતું તે બિલ્ડીંગ જે તે વખતની જરૂરિયાત મુજબ બનાવેલું હતું પરંતુ થોડુંક નીચું હોવાથી ચોમાસામાં તાલુકા પંચાયત બિલ્ડીંગમાં પાણી ભરાઈ જતા હતા અને મુશ્કેલી પડતી હતી.
હવે આ નવું બિલ્ડિંગ ઘણું ઉચું બનાવવામાં હોય કચેરીમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન રહેશે નહીં. સાથે સાથે કચેરીના સ્ટાફ તથા અરજદારોના વાહનો માટે પણ વિશાળ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં અગ્રણી રમેશભાઈ મૂંગરા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દૂધાગરા, કારોબારી ચેરમેન ચંપાબેન પરમાર, હાપા એપીએમસીના ચેરમેન મુકુન્દભાઈ સભાયા, જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ડાયરેક્ટર ધરમશીભાઈ ચનિયારા, અગ્રણી વિનુભાઈ ભંડેરી, મહામંત્રીઓ, ગ્રામ્ય પાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, અગ્રણીઓ, અધિકારીઓ, સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન હરીદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial