Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ પુનઃ ચાલુ કરાવવા બોટ માલિકોના ધમપછાડા

કોની કારી ફાવી જશે તે સમય બતાવશે...

ઓખા તા. ૨૨: ઓખા-બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સુદર્શન બ્રીજના લોકાર્પણ પછી ફેરી બોટ સર્વિસના વેપારને ફટકો પડ્યો હતો. ઉપરથી વડોદરાના હરણી દુર્ઘટના કાંડ પછી સરકાર દ્વારા રાજ્યભરના જળાશયોમાં બોટીંગને લઈ નિયમોની અમલવારી કડક કરવામાં આવતા ઓખા-બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ થઈ ગઈ છે. જેને બોટ માલિકો વેપાર પુનઃ ચાલુ થાય એ માટે ધમપછાડા કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરાકાંડ પછી હાઈકોર્ટમાં સૂઓમોટો થયો હોય રાજ્યભરના જળાશયોમાં બોટીંગને લઈને વચગાળાની માર્ગદર્શિકા બહાર પાડી તેની અમલવારી માટે ફાયર સહિતના વિભાગો સંલગ્ન સમિતિ બનાવી જે-તે બોટની ચકાસણી કરી એનઓસી આપવામાં આવે પછી જ બોટ ચલાવી શકાય એવી સ્થિતિ ઉદભવતા અત્યાર સુધી રામ ભરોસે ચાલતી વ્યવસ્થામાં વિક્ષેપ ઉભો થતાં બોટ માલિકો આકુળ વ્યાકુળ થયા છે.

ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસમાં મુસાફરોને લાઈફ જેકેટ વગર મુસાફરી કરાવાતી હોવાના તથા ઓવરલોડીંગના વીડિયો અનેક વખત વાયરલ થઈ ચૂક્યા છે. નાછૂટકે મેરીટાઈમ બોર્ડે પણ બોટના લાયસન્સ અઠવાડીયા માટે સસ્પેન્ડ કર્યા હોવાની ઘટનાઓ બની છે પરંતુ હાલ ઉપરથી આદેશ હોય બોટ માલિકો છૂટ આપી શકાય તેમ નથી એવો ગણગણાટ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઓખાના દરીયામાં ડોલ્ફીન દર્શનના નામે નાની બોટ પ્રતિબંધિત હાર્બર વિસ્તારમાં પણ લટાર મારતી હતી, ઘણી વખત બોટમાં પાણી ભરાવાની ઘટનાઓ બની છે પરંતુ જાનહાનિ ન થતા ઉહાપોહ ન થવાને પગલે ઘીના ઠામમાં ઘી પડી જતું હતું. ફરીથી જો બોટના ફિટનેસ મામલે ઢીલ આપવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે એ સંભાવના નકારી શકાય નહીં. જેને પગલે મેરીટાઈમ બોર્ડ દ્વારા સરકારી આદેશની કડક અમલવારીને નિષ્ણાતો આવકારદાયક અને જરૂરી ગણાવી રહ્યા છે. તો આ બાબતને કારણે આર્થિક નુકસાન વેઠતા બોટ માલિકો યેનકેન પ્રકારે સ્થાનિક તંત્ર સાથે ગોઠવણ કરી ફરીથી જોખમી ધંધો ચાલુ કરવા તલપાપડ હોવાનું ચર્ચાય રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં શું થાય છે તે જોવાનું રહ્યું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh