Advertisement
Author: નોબત સમાચાર

પ્રથમ તબક્કામાં જ ઓછું મતદાન થતા ચિંતિત ચૂંટણી પંચ ઘડશે નવી વ્યૂહરચનાઃ પ્રયાસો તેજ

કાળઝાળ ગરમી અને લગ્નસરાની સિઝન-તહેવારો કારણભૂત કે પછી નેતાઓની નિરસતાઃ

નવી દિલ્હી તા.      ૨૨ઃ લોકસભાની ચૂંટણી માટે સંપન્ન થયેલા પ્રથમ તબક્કાના ઓછા મતદાનથી ચૂંટણી પંચ ચિંતિત હોવાનું બહાર આવ્યું છે. ચૂંટણી પર્વના પ્રારંભમાં જ મતદારોનો ઉત્સાહ નરમ દેખાતા ચિંતિત ચૂંટણી પંચ નવેસરથી વ્યૂહરચના ઘડી રહ્યું હોવાનું જાણવા મળે છે. કાળઝાળ ગરમી અને લગ્નસરાની સિઝન કારણભૂત બની હોવાના અંદાજ સાથે હવે વધુ મતદાન થાય તે માટે નવેસરથી પ્રયાસો હાથ ધરાશે તેવા સંકેતો મળ્યા છે.

આ વખતે એપ્રિલ મહિનામાં જ સમગ્ર દેશમાં આકરી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. આવી સ્થિતિમાં, લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદારોની ઓછી ભાગીદારીએ ચૂૂટણીપંચની ચિંતા વધારી દીધી છે. વિવિધ પહેલ દ્વારા વધુને વધુ મતદારોને મતદાન મથક સુધી લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પ્રથમ તબક્કામાં મતદાનની ટકાવારી ગયા વખત કરતા ઓછી રહી છે.

આ વખતે ૨૦૧૯ ની સરખામણીએ પ્રથમ તબક્કાની ૧૦૨ લોકસભા સીટો પર મતદાન લગભગ ત્રણ ટકા ઓછું હતું.

આવી સ્થિતિમાં ચૂંટણીપંચ નવી વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત છે, જેથી મતદારોનો ઉત્સાહ વધુ રહે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ શુક્રવારના મતદાનને કેટલાક દૂરસ્થ મતદાન મથકોમાંથી ડેટા ઉમેરવાને કારણે ૬૬ ટકા સુધી અપડેટ કરવામાં આવ્યું છે અને તે અન્ય ૦.૧ અથવા ૦.૨ ટકા હોઈ શકે છે. જો કે છેલ્લી લોકસભા ચૂંટણીમાં આ આંકડો ૬૯.૨ ટકા હતો. મતદારોને ઉત્સાહિત કરવા માટે, ઘણી ફિલ્મી હસ્તીઓને અપીલ કરવામાં આવી હતી, મતદારોને પ્રોત્સાહિત કરવા માટે બીસીસીઆઈ સાથે જોડાણ કરવામાં આવ્યું હતુુ. અને આઈપીએલના પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજુ પણ ઉત્સાહનો અભાવ જોઈને ચૂંટણી પંચના અધિકારીઓ ટેન્શનમાં છે. જો કે, ચૂંટણી પંચ કારણોની વ્યાપક સમીક્ષા કરી રહ્યું છે જેથી આગામી તબક્કામાં તે દિશામાં વધુ પ્રયાસો કરી શકાય.

સુત્રોએ જણાવ્યું છે કે આ સપ્તાહના અંતે ચૂૂંટણી પંચમાં ચર્ચા થઈ હતી અને આજથી નવી વ્યૂહરચના આગળ ધપાવવામાં આવશે. કમિશનનું માનવું છે કે ઓછા મતદાનનું સૌથી મોટું કારણ વધી રહેલી ગરમી હોઈ શકે છે કારણ કે છેલ્લી વખત કરતા આઠ દિવસ મોડું મતદાન શરૃ થયું છે.  તહેવારોની સાથે સાથે લગ્નની પણ સિઝન છે.

દેશમાં ગરમી હજુ પણ વધશે. રવિવારે અનેક વિસ્તારોમાં આકરી ગરમી પડી હતી. ઘણાં વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૪-૬ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ,વિદર્ભ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં મહત્તમ  તાપમાન ૪૨ થી ૪૫ ડિગ્રી સેલ્સિય વચ્ચે રહ્યું હતુુંં. હવામાન વિભાગે એપ્રિલથી જૂન વચ્ચે ભારે ગરમીની ચેતવણી આપી છે.

જો કે છત્તીશગઢ, મેઘાલય અને સિક્કિમ જયાં ૨૦૧૯ કરતાં વધુ મતદાન થયું હતું. આ વખતે છત્તીસગઢમાં ૬૮.૩ ટકા, મેઘાલયમાં ૭૬.૬ ટકા અને સિક્કિમ માં ૭૯.૯ ટકા મતદાન થયું છે. બીજી તરફ, મણિપુરમાં ૭.૭ ટકા અને એમપીમાં લગભગ સાત ટકા અને મણિપુરમાં ૭.૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ વખતે બિહારમાં માત્ર ૪૯.ર ટકા મતદાન થયું છે.

યુપીમાં પણ ગત વખતે ૬૬.પ ટકાની સરખામણીને માત્ર ૬૧.૧ ટકા મતદાન થયું હતું. ચૂંટણીપંચના સૂત્રોનું કહેવું છે કે, ક્યા વર્ગ કે જૂથના મતદારો મતદાન કરવા બહાર નથી આવ્યા તે શોધવું મુશ્કેલ છે. હાલમાં ર૬મી એપ્રિલે આગામી તબક્કામાં મતદાનમાં લોકોને પ્રોત્સાહિત કરવાના જ પ્રયાસો કરવામાં આવશે અને આ માટે નવી રણનીતિ અપનાવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ ભારતીય જનતા પક્ષ અને ઈન્ડિયા ગઠબંધને પરિણામોને લઈને કરેલા દાવાઓનું શું થશે, તે અંગેની ચર્ચા પણ શરૃ થઈ ગઈ છે.

લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'અબકી બાર ૪૦૦ પાર'નો નારો આપ્યો હતો. તેમજ બીજેપી વિશે કહેવામાં આવ્યું છે કે આ વખતે ૩૭૦ ને પાર થઈ જશે. બીજી તરફ વિપક્ષોએ એકજુથ થઈને રચેલા ગઠબંધને ભાજપ-એનડીને હટાવવાના નારા આપ્યા છે. તે અંગે વિવિધ અભિપ્રાયો અપાઈ રહ્યા છે.

આ ઓછા મતદાનથી કોને ફાયદો અને કોને નુક્સાન થાય એ એક અલગ બાબત છે, પરંતુ આ સમગ્ર બાબતમાં એક મનોવૈજ્ઞાનિક એંગલ પણ છે, જે જોતા એવું જ લાગે છે કે એનડીએ પ્રથમ તબક્કામાં જ મોટી લીડ છે, કોઈ વિપક્ષ જ નથી, પરંતુ જ્યારે અપેક્ષા કરતા ઓછું મતદાન થયું છે ત્યારે એક પ્રશ્ન જરૃર ઊભો થાય કે આ ઓછા મતદાનથી કોને નુક્સાન થશે?

વર્ષ ર૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ૬૭.૪૦ ટકા મતદાન થયું હતું. જે એક રેકોર્ડ મતદાન કહી શકાય, કારણ કે ત્યારે જ ઈન્ડિયન એરફોર્સ દ્વારા બાલાકોટમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ મુદ્દો લોકોના મનમાં હતો અને ભાજપે પણ રાષ્ટ્રવાદની પીચ પર મજબૂત ભૂમિકા ભજવીને એનડીએએ ૩પર બેઠકો જીતી લીધી હતી. જ્યારે આ વર્ષે પ્રથમ તબક્કામાં ૬૩ ટકા મતદાન થયું છે. એટલે છેલ્લી ચૂંટણી કરતા ઓછું મતદાન થયું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે ચૂંટણી પહેલા એવી કોઈ મોટી ઘટના નથી બની કે જેના આધારે લોકોને તે આકર્ષી શકે કે લોકોનું તેના તરફ ધ્યાન જાય.

નિષ્ણાંતોના મતે જો કોઈ પક્ષ જરૃર કરતા મોટું લક્ષ્ય નક્કી કરીને તેના અનુરૃપ એક સકારાત્મક વાતાવરણ બનાવે છે ત્યારે ઘણીવાર એ પાર્ટીને મતદાર પણ હળવાશમાં લઈ લે છે અને જીતશે જ એવો આત્મવિશ્વાસ અનુભવે છે. આ ખાતરી જ તેમને બૂથ પર જવા દેતી નથી અને આ બેદરકારી જ સત્તા પરિવર્તનનો આધાર બની જાય છે. આ ટ્રેન્ડ ર૦૦૪ ની લોકસભા ચૂંણીમાં જોવા મળ્યો હતો. જેમાં વાજપેયીના કામના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા હતાં. તેમ છતાં યુપીએની જીત અને એનડીએની હાર જોવા મળી હતી, જો કે આ વખતે હજુ ૬ તબક્કા બાકી છે, ત્યારે હજુ ચોક્કસ અંદાજો કરવા મુશ્કેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh